ઓટીટી પ્લેટફોર્મ ઢોલીવૂડ માટે ગળાનો હાર કે ફાંસો?

બોક્સ ઓફિસ કલેક્શનમાં સપોર્ટ નથી કરતું પણ નિર્માતાઓ માટે કોસ્ટ રિકવરીનું એક ઓપ્શન બની ગયું છે 



ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે એક એવા વળાંક પર ઊભી છે, જ્યાં ડિજિટલ મનોરંજનની દુનિયા તેના માટે નવી તકો પણ લઈને આવી છે અને નવા પડકારો પણ. એક તરફ ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝને ગુજરાતની બહારના દર્શકો સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું છે, તો બીજી તરફ ફિલ્મ નિર્માતાઓના માટે બોક્સ ઓફિસ કરે છે પર અસર કરનારો માથાના દુખાવો બન્યું છે. એવામાં સવાલ એ થાય કે ઓટીટી ઢોલીવૂડ માટે ગળાનો હાર સાબિત થઈ શકે છે કે ગળાનો ફાંસો?

મે 2026માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ગુજરાતી કન્ટેન્ટની ડિજિટલ વપરાશની સંભાવના હજી સંપૂર્ણપણે વિકસેલી નથી. એટલે કે આ દિશામાં એક-બે ઓટીટીને બાદ કરતા કોઈ મોટા એવા પ્લેટફોર્મ નથી જે ગુજરાતી ફિલ્મના થિયેટરમાંથી ઉતરી ગયા પછી એને દર્શકો સુધી પહોંચાડતા હોય. 

ન માત્ર ગુજરાતી સિનેમા જગત પણ વિશ્વ આખાના ફિલ્મી જગત સાથે જોડાયેલા લોકો દર્શકોને સૌથી પહેલા એ જ અપીલ કરતા હોય છે કે તેઓ થિયેટરમાં આવીને ફિલ્મ જુએ, એ ફિલ્મની ઓટીટી પર આવવાની રાહ ન જુએ. જોકે આ વાત સો ટકા સાચી પણ છે કારણ કે ફિલ્મ જોવાનો સાચો આનંદ મોટી સ્ક્રીન પર જ આવે છે, મોબાઇલની સ્ક્રીન પર નહીં. હા, સામાન્ય લોકો માટે ૪૦૦-૫૦૦ રૂપિયાનું સબસ્ક્રીપશન લઈને મહિનાઓ સુધી અનેકો ફિલ્મ જોવાની ગણતરી, તેમના ખર્ચનો ભાર ઓછો કરે છે એ વાત સો ટકા સાચી છે અને આ વિચારધારામાં જ ઓટીટીનો કોન્સેપ્ટ ફાવી જાય છે. આમિર ખાન જેવા કલાકારો તો ખુલ્લેઆમ ઓટીટીને સમર્થન નથી આપતા અને એટલે જ તેણે પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ સીધી યુટ્યૂબ પર રિલીઝ કરી દીધી હતી.

બીજી બાજુ ઓટીટીનું સૌથી મોટું આકર્ષણ એ છે કે ફિલ્મને થિયેટર પછી આવક મેળવવાનો બીજો રસ્તો મળી જાય છે. પરંતુ દરેક ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ ખરીદદાર તરીકે મળે જ એવું શક્ય નથી. જુલાઈ 2026ના એક અહેવાલમાં જણાવાયું હતું કે ગુજરાતી સહિતની કેટલીક પ્રાદેશિક ભાષાઓની નાની અને મધ્યમ બજેટની ફિલ્મોને થિયેટર રિલીઝ પછી ડિજિટલ અથવા સેટેલાઇટ હકોના ખરીદદારો મેળવવામાં મુશ્કેલી પડી હતી. 

આ પરિસ્થિતિ નિર્માતાઓ માટે ચિંતાજનક છે. ફિલ્મ બનાવવા પાછળ થયેલો ખર્ચ જો ડિજિટલ હકોના વેચાણથી વસૂલ ન થાય, તો નાની ફિલ્મોના નિર્માણનું જોખમ વધી શકે છે. પહેલાં થિયેટરની કમાણી અને પછી ઓટીટીની આવક—આ બંનેને નિશ્ચિત માનવાની માનસિકતા હવે બદલવી પડશે.

ઓટીટી પર માત્ર ફિલ્મ મૂકવાથી દર્શકો મળશે એવું નથી. દર્શકોને પોતાની સાથે જોડે એવી વાર્તા, અસરકારક લેખન, અભિનય અને ગુણવત્તાયુક્ત નિર્માણ જરૂરી છે. ગુજરાતી સિનેમાએ પારિવારિક વાર્તાઓ અને કોમેડી ઉપરાંત ક્રાઇમ થ્રિલર, મિસ્ટ્રી, યુવાનોના પ્રશ્નો, બદલાતા સંબંધો અને આધુનિક સામાજિક જીવન જેવા વિષયોમાં પણ પ્રયોગો કરવાની વધારે જરૂર છે.

ઓટીટીને ઢોલીવૂડ માટે ગળાનો હાર ત્યારે કહી શકાય, જ્યારે તે ફિલ્મોને નવા દર્શકો, આવકના વધારાના સ્ત્રોત અને લાંબા ગાળાની ઓળખ આપે. પરંતુ જો નિર્માતાઓને યોગ્ય વળતર ન મળે, નાની ફિલ્મોને ખરીદદારો ન મળે અને કન્ટેન્ટની ગુણવત્તા કરતાં માત્ર ડિજિટલ રિલીઝને સફળતાનો માપદંડ માનવામાં આવે, તો આ જ તક ગળાનો ફાંસો બની શકે છે. આખરે, ઓટીટી ઢોલીવૂડનો શત્રુ નથી કે આપોઆપ તારણહાર પણ નથી. તે એક માધ્યમ છે, જેનો લાભ લેવા માટે સર્જકો, નિર્માતાઓ અને વિતરણ ક્ષેત્રે યોગ્ય વ્યૂહરચના બનાવવી પડશે. ગુજરાતી સિનેમાનું ભવિષ્ય માત્ર કેટલી ફિલ્મો બને છે તેના પર નહીં, પરંતુ કેટલી ફિલ્મો દર્શકો સુધી પહોંચે છે અને કેટલી ફિલ્મો આર્થિક રીતે ટકી શકે છે તેના પર નિર્ભર છે. ઓટીટીનો સાચો લાભ ત્યારે જ મળશે, જ્યારે ગુજરાતી વાર્તાઓને માત્ર સ્ક્રીન નહીં, પરંતુ દર્શકોનો સમય, રસ અને યોગ્ય આર્થિક મૂલ્ય મળે.




- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com


Comments

Popular posts from this blog

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી