ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી

ઇન્ડસ્ટ્રીમાં બનશે નવી ફિલ્મો, સર્જાશે રોજગાર અને દર્શકો માટે અનલિમીટેડ એન્ટરટેઇનમેન્ટની ગેરંટી 



જે પુષ્પમાં સુગંધ વધારે હોય ત્યાં ભમરાઓને આવતા વાર ન લાગે અને આવું જ કાંઈક હવે ઢોલીવુડ સાથે થઈ રહ્યું છે. ગયા વર્ષે 'લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે' ફિલ્મને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ ઘણા નવા પ્રોડ્યુસર્સ ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે અને નવા નવા પ્રોજેક્ટોની જાહેરાત કરી રહ્યાં છે, જે ગુજરાતી સિનેમા જગત માટે એક સારી ઘટના કહી શકાય એમ છે.

સૌથી પહેલા વાત કરીએ તો ગયા વર્ષે એઇજેઇ - ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક ભવ્ય શોનું આયોજન કરીને અંદાજે 27 ગુજરાતી ફિલ્મો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આમાંની કેટલીક ફિલ્મોના નામ કાસ્ટ સહિત જાહેર કરાયા હતા. આ 27 ફિલ્મોમાં 'ધમપછાડા', 'અંતરાલ', 'અબ્બા ડબ્બા જબ્બા' જેવી ફિલ્મોના નામ સામેલ હતા જેમાં આકાશ ઝાલા, શેખર શુક્લ, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, હેમાંગ દવે જવા કલાકારોના નામ ઉમેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે દરેક ફિલ્મ અંદાજે એક કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે અને આ 27 ફિલ્મો આવતા ત્રણ વર્ષમાં રિલીઝ કરવામાં આવશે જેમાંથી 8 ફિલ્મ 2025 માં, 9 ફિલ્મ 2026 માં અને 10 ફિલ્મ 2017 માં રિલીઝ કરવાની ધારણા છે. જોકે હાલની પરિસ્થિતિને જોતા આ શેડ્યુલ ખોવાયો હોય એવો આભાસ થઈ રહ્યો છે. 

બોલીવુડમાં નવા કલાકારોને સપોર્ટ કરવા માટે અને કલ્પનાઓની દુનિયામાં જીવાડતી સુપરહીટ ફિલ્મો આપનાર કરણ જોહર એક જાણીતું નામ છે. કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન પણ હવે ગુજરાતી સિનેમા જગતમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધર્મા પ્રોડક્શન ‘ધ ઘોસ્ટ ઓફ ધોળાવીરા’ નામની ગુજરાતી ફિલ્મ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું છે જેમાં યુક્તિ રાંદેરિયા અને ઈશા કંસારાને મુખ્ય પાત્ર તરીકે કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ત્યાંની હોરર ઘટનાઓને મોટા પડદા પર રજૂ કરશે. આ ફિલ્મ કચ્છના લખપત ખાતે શૂટ કરવામાં આવી રહી છે જેનું દિગ્દર્શન પ્રિયા હીરજી કરશે. સંભવતઃ આ ફિલ્મ 2026 ના અંત સુધી અથવા આવતા વર્ષના ફર્સ્ટ હાફ સુધીમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ થકી ધર્મા પ્રોડક્શન ઢોલીવુડમાં સફળતા મેળવી શકે છે કે નહીં એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. 

'હેલ્લારો', 'કમઠાણ' અને 'ઉંબરો' જેવી યાદગાર ગુજરાતી ફિલ્મો આપનાર અભિષેક શાહની હરફન મૌલા ફિલ્મ્સે બી સ્ટુડીયોસ સાથે ચાર ગુજરાતી ફિલ્મોના નિર્માણ માટે હાથ મિલાવ્યા છે. આ નવું વેન્ચર સાથે મળીને ઇન્ડસ્ટ્રીમાં નવો ચીલો ચીતરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત રાકેશ શાહની યુફોરિયન એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ પણ અર્બન ગુજરાતી ફિલ્મ બનાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે. 

એવું નથી કે આ નવા પ્રોડક્શન હાઉસ તાજેતરમાં આવી રહ્યા છે. તાજેતરમાં સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ ‘જય કનૈયા લાલ કી’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મનું પ્રોડક્શન પશ્ચિમ બંગાળની મીડિયા કંપની એસવીએમ એન્ટરટેઇનમેન્ટની પહેલી ગુજરાતી ફિલ્મ હતી જેમાં તેમની સાથે નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપીએ જોડાણ કર્યું હતું. ટૂંકમાં જોવા જઈએ તો નવા પ્રોડક્શન હાઉસ અને નવા ફિલ્મ પ્રોજેક્ટને કારણે ઇન્ડસ્ટ્રીમાં રોજગારની નવી તકો ઊભી થશે અને દર્શકોને અલગ અલગ વેરાઇટીના કોન્ટેન્ટ જોવા મળશે એની સો ટકા ગેરંટી.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં