ગુજરાતી સંગીતની આશા નભેલી છે આશા ભોસલે પર
અંદાજે 450 જેટલા ફિલ્મી-નોન-ફિલ્મી ગુજરાતી ગીતો આજે પણ સાંભળવા બેસો તો મન નાચી ઉઠે છે. ગુજરાતી ફિલ્મો અને નોન-ફિલ્મો ગીતોમાં આશા ભોસલેએ અનેક ગીતોને પોતાને કંઠ આપ્યો છે અને ફિલ્મની સફળતામાં પોતાનું બહુમૂલું યોગદાન આપ્યું છે. પોતાના ગાયિકીના કરિયરમાં તેમણે ગુજરાતી સહિત અંદાજે 14 ભાષામાં, ભિન્ન ભિન્ન પ્રકારના ગીતો ગાયા છે. આજે તેમને યાદ કરવાનું કારણ માત્ર એટલું કે રવિવારે આઠમી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ આવે છે. 1932 ની આઠમી સપ્ટેમ્બરે જન્મેલા આશા મંગેશકરે સંગીતની પ્રારંભિક તાલિમ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી લીધી હતી અને ત્યાર બાદ ¬શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસેથી લીધું હતું. 1944 માં તેમનું પ્રથમ પાર્શ્વગાયન ‘માઝં બાળ’ નામની મરાઠી ફિલ્મનું હતું. આ ગીતમાં તેમની સાથે તેમનાં ભાઈબહેનો લતા, મીના, ઉષા અને હૃદયનાથ પણ હતાં. ફિલ્મના સંગીતકાર દત્તા ડાવજેકર હતા. હિંદી ફિલ્મોમાં આશાનું પ્રથમ ગીત વસંત દેસાઈના સંગીતમાં ફિલ્મ ‘અંધોં કી દુનિયા’ (1947) માટે આવ્યું હતું. ગીતના શબ્દો હતા – ‘ગરીબોં કે દાતા ગરીબોં કે વાલી’. આ ગીતમાં તેમની સહગાયિકા જોહરાબાઈ અ...