14 રીલમાં સમાયેલી ‘ભવની ભવાઈ’
ઓછું બજેટ હોવાથી કેટલાકે ફ્રી માં કામ કર્યું તો ગામવાસીઓને જ પ્રજા તરીકે સામેલ કરી લેવાયા હતા લોકનાટ્ય શૈલી ભવાઈનું મૂળ તત્વ જળવાઈ રહે એ ઉદ્દેશ સાથે કેતન મહેતા 1980 માં ‘ભવની ભવાઈ’ નું નિર્માણ કરી રહ્યા હતા. પરેશ મહેતા નિર્મિત આ ફિલ્મની વાર્તા ધીરુબેન પટેલે લખી હતી. નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, મોહન ગોખલે, ઓમ પુરી, સુહાસિની મુલે, દીના પાઠક, બેન્જામિન ગેલાની જેવા અનેક દિગ્ગજ કલાકારોને એક ફ્રેમમાં બેસાડવાની જવાબદારી કેતન મહેતાએ ઉપાડી લીધી હતી. આ ફિલ્મનું મોટાભાગનં શૂટિંગ ખેડા જિલ્લાના વસો ગામે દરબાર ગોપાલદાસની હવેલી ખાતે થયું હતું. ‘ભવની ભવાઈ’ ના નિર્માણ પાછળની રોચકતા પર નજર કરીયે તો ખબર પડે છે કે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટમાંથી સ્નાતક થયા બાદ કેતન મહેતા અમદાવાદ ખાતે એક નોકરીમાં જોડાયા હતા. એક મુલાકાતમાં જણાવ્યા અનુસાર કેતન મહેતા ગુજરાતી સાહિત્યના પરિચયમાં ઘણાં વિલંબથી આવ્યા. જોકે પિતા ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો હતો. સમય જતા તેમણે અમદાવાદ ખાતે ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું અને એ માટે...