લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

જૂનાગઢથી વિસાવદર જતા બીલખા ગામે આજે પણ ચેલૈયાનો ખાંડણીયો જોવા લોકો આવી પહોંચે છે



ગુજરાતી સિને જગત માટે 1960થી 1980 નો ગાળો ગોલ્ડન પિરીયડ હતો. આ સમયમાં અનેક સુપરહિટ ફિલ્મો આવી જેમાંની એક 1975 ના ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ અને વિવાદોમાં સપડાઈ પણ. આ ફિલ્મ એટલે ‘શેઠ સગાળશા’.

ગુજરાતી ફિલ્મોમાં શ્રીકૃષ્ણનો રોલ કરવા માટે અતિફેમસ એવા શ્રીકાંત સોની શેઠ સગાળશાના રોલમાં અને તેમની ધર્મપત્ની ચંગાવતીના પાત્રમાં આપણને સ્નેહલતા જોવા મળે છે. આ બંને દિગ્ગજ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નારણ રાજગોર, અભય શાહ, લીલાબેન શાહ, પી. ખસરાણી, રમેશ મહેતા, મંજરી દેસાઈ અને ચેલૈયાના રોલમાં બાળ કલાકાર સમીર યાજ્ઞિક અભિનય કરતાં જોવા મળે છે. 

કર્ણના અવતારસમાં શેઠ સગાળશાની લોકવાર્તા આમ તો જગજાહેર છે જે પૃથ્વીલોક પર આવી અન્નદાનની નેમ સ્વીકારે છે. બીલખાને પોતાની કર્મભૂમિ બનાવનારા આ શેઠ-શેઠાણી અન્નદાન કરી લોકચાહના તો મેળવે છે પણ નિઃસંતાન હોવાને લીધે તેમની દુનિયા ઉજ્જળ વિરાન છે. સંતાનની પ્રાપ્તિ માટે શેઠ-શેઠાણી સદાવ્રતનું આચરણ કરે છે. સમય જતા તેમના ઘેર દીકરો અવતરે છે, નામ રખાય છે ચેલૈયો. દીકરો પણ મા-બાપ જેવો જ ગુણી અને જ્ઞાની. 

ફિલ્મનું વિવાદાસ્પદ દ્રશ્ય

સમય વહેતો જાય છે અને ગામમાં કુદરતનો પ્રકોપ થાય છે, પૂરને લીધે સદાવ્રતનું પાલન કરવું અઘરું બને છે. થોડા દિવસ બાદ પૂરના પાણી ઓસરી જાય છે પણ કોઈ જરૂરિયાતમંદ નજરે નથી જડતું. એવામાં એક અઘોરી, જેને હાથપગે કોઠ છે, શરીરેથી પરુ નીકળી રહ્યા છે એવા અઘોરીને સેવાભાવે આ દંપત્તિ ઘેર લાવે છે અને પછી શરૂ થાય છે તેમની ખરી પરીક્ષા. 

અઘોરી માણસ માંસ ખાવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને શેઠ-શેઠાણી મક્કમ મને દીકરા ચેલૈયાનું માંસ પીરસવાનો નિર્ણય લેય છે. અઘોરી વધારેમાં વધારે અઘરી શરતો મૂકતો જાય છે. શેઠ-શેઠાણીએ રાજીખુશી, લગ્નમંડપમાં બેઠા હોય એ રીતે તૈયાર થઈને દીકરાનું માથું ખાંડ્યામાં ખાંડી પીસરવું અને આંખમાંથી એકપણ આંસુ ન સારવુ.. ઈશ્વર દ્વારા લેવામાં આવી રેહલી આ પરીક્ષામાં શેઠ-શેઠાણી પાસ થાય છે. આ દ્રશ્યને ફિલ્મમાં ઘણી ચીવટ સાથે દર્શાવવાં આવ્યું છે. લાલ ઘરચોડામાં ચંગાવતી બનેલી સ્નેહલતા ખાંડ્યામાં દીકરાનું માથું ખાંડી રહી છે ત્યારે લાલ લાઇટથી આ સીનને વધારે રોચક બનાવવામાં ફિલ્મમેકર સફળ થયા છે.  

ગિરીશ મનુકાન્ત દિગદર્શીત અને રાવજી પટેલ નિર્મીત આ ફિલ્મમાં સંગીત અવિનાશ વ્યાસનું છે જેમાં ગૌરાંગ વ્યાસ અને સુલોચના વ્યાસ તેમના સહાયક રહ્યા છે. આશા ભોસલે, સુમન કલ્યાણપુર, સુલોચના વ્યાસ, દિવાળીબેન ભીલ, મહેન્દ્ર કપૂર, વેલજીભાઈ ગજ્જર, આનંદ કુમાર, પ્રાણલાલ વ્યાસ અને મધુસુદન વ્યાસે પાર્શ્વગાયક તરીકે પોતાનો સ્વર આપ્યો છે. આ ફિલ્મમાં ઘણા છંદ અને દુહાનો સમાવેશ થયો છે પણ બે ગીત આજની તારીખે પણ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. એક ‘ભાગું તો મારી ભોમકા લાજે’ અને બીજુ દિવાળીબેન ભીલના સ્વરમાં ‘ચેલૈયાનું હાલરડું’. ‘શેઠ સગાડશા’ ફિલ્મમાં એક ગરબો ‘લોલમ લોલ, છેડો ઢોલ’ માં ગરબાની પારંપારિક ગૌફ નૃત્ય શૈલીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એ સમયની ગુજરાતી ફિલ્મોમાં દર્શાવાતા ગરબા કરતા સાવ અલગ અને અનોખું હતું.

વિવાદોની વાત કરીયે તો લોકકથા પર આધારિત આ ફિલ્મ રિલીઝ થતાં જ કેટલાક વિવાદમાં સપડાઈ ગઈ હતી. કારણ હતું આ ફિલ્મનું એક એવું દ્રશ્ય જેમાં ગામડાની દારૂણ ગરીબાઈ દર્શાવવા એક મહિલાને પીઠથી અને પગેથી નિર્વસ્ત્ર દર્શાવવામાં આવી છે. આ સીનને લીધે ફિલ્મ વિવાદોમાં સપડાઈ હોવા છતાં સફળતાનો સ્વાદ માણી શકી હતી. આ ઉપરાંત ફિલ્મના વિવિધ દ્રશ્યો બીલખા, જૂનાગઢ, ગીરનાર, મોરબી ખાતે શૂટ કરવામાં આવ્યા હતા. આજની તારીખે જૂનાગઢથી વિસાવદર જતા રસ્તામાં આવતા બીલખા ગામે આનંદ આશ્રમ ખાતે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ-શેઠાણીની પ્રસિદ્ધ જગ્યાના દર્શન કરવા લોકો આવી પહોંચે છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં