40 વર્ષ બાદ રી-રિલીઝ થશે 'મેરુ માલણ'
ગુજરાતી સિનેમાનો સુવર્ણ ઈતિહાસ ફરી જીવંત થશે
ઢોલીવૂડના ઈતિહાસમાં કેટલીક ફિલ્મો એવી છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ દર્શકોના હૃદયમાં કાયમી સ્થાન મેળવી ચૂકી છે. આવી જ એક યાદગાર ફિલ્મ એટલે 'મેરુ માલણ'. વર્ષ 1985માં રજૂ થયેલી આ ગુજરાતી ફિલ્મે પોતાના અભિનય, સંગીત અને લોકપ્રિય ગીતોના કારણે ગુજરાતી દર્શકોમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. લગભગ ચાર દાયકા બાદ આ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે, જે જૂની પેઢી માટે યાદો તાજી કરવાનો અને નવી પેઢી માટે ગુજરાતી સિનેમાના એક સુંદર અધ્યાયને માણવાનો અવસર છે.
'મેરુ માલણ'નું નિર્માણ અને દિગ્દર્શન મેહુલ કુમારે કર્યું હતું. ફિલ્મમાં ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા અને અભિનેત્રી સ્નેહલતાની મુખ્ય જોડી જોવા મળી હતી. નરેશ કનોડિયાએ મેરુ અને સ્નેહલતાએ માલણની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ફિરોઝ ઇરાની, રમેશ મહેતા, પદ્મારાણી સહિતના કલાકારોએ પણ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ખાસ વાત એ છે કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ પણ આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી.
ફિલ્મની લોકપ્રિયતામાં તેના સંગીતનો મોટો ફાળો રહ્યો હતો. મહેશ-નરેશની સંગીતકાર જોડીએ ફિલ્મનાં ગીતોને યાદગાર બનાવ્યાં હતાં, જ્યારે કાંતિ અશોકે ગીતો લખ્યાં હતાં. 'કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય', 'જાગ રે માલણ જાગ' અને 'તું મારો મેરુ, હું તારી માલણ' જેવાં ગીતો આજે પણ ગુજરાતી સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે. ખાસ કરીને 'કે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય' ગીતને અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેએ પોતાનો સ્વર આપ્યો હતો. આ ગીત આજે પણ ગરબા અને નવરાત્રિના માહોલમાં સાંભળવા મળે છે.
ફિલ્મની લોકપ્રિયતા કેટલી જબરદસ્ત હતી તેનો એક રસપ્રદ કિસ્સો એક મુલાકાતમાં ખુદ ફિલ્મના ખલનાયક ફિરોઝ ઈરાનીએ જણાવ્યો હતો. વાત એમ હતી કે હાલોલ નજીક માલાવ પાસે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એ દરમિયાન નરેશ કનોડિયા અને તેમની વચ્ચે ફાઇટિંગનો સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો. નરેશ કનોડિયાના ચાહકોની મોટી સંખ્યા ત્યાં હાજર હતી. બંને કલાકારો વચ્ચે મારામારીનો સીન જોઈને ચાહકો એટલા ગુસ્સે થયા કે ફિરોઝ ઇરાનીને ખરેખર ડર લાગ્યો કે ક્યાંક ચાહકો તેમને મારી ન બેસે! જોકે, સીન પૂરો થયા પછી બંને કલાકારો હસવા લાગ્યા ત્યારે ચાહકોને સમજાયું કે આ તો ફિલ્મનું શૂટિંગ હતું. ફિરોઝ ઇરાનીએ આ પ્રસંગમાં નરેશ કનોડિયાની ખેલદિલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નરેશભાઈએ ફાઇટમાસ્ટરને ખાસ કહ્યું હતું કે ફિરોઝભાઈને મજબૂત વિલન તરીકે દર્શાવવામાં આવે. આ વાત નરેશ કનોડિયાની ઉદારતા અને સહકલાકાર પ્રત્યેના આદરને દર્શાવે છે.
ફિલ્મની સફળતાનો બીજો રસપ્રદ પુરાવો એ છે કે, રાજકોટના ગેલેક્સી સિનેમામાં અમિતાભ બચ્ચનની 'શોલે' 50 અઠવાડિયાં ચાલી હતી અને આશરે સાડા ચાર લાખ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે 'મેરુ માલણ' રાજકોટના આમ્રપાલી સિનેમામાં 25 અઠવાડિયાં ચાલી હતી અને આશરે સાડા આઠ લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ આંકડા તે સમયના ગુજરાતી સિનેમામાં નરેશ કનોડિયાની લોકપ્રિયતાનો અંદાજ આપે છે અને એ પણ સાબિત કરે છે કે ‘મેરુ માલણ’ રાજકોટમાં ‘શોલે’ પર ભારે પડી હતી.
હવે આ યાદગાર ફિલ્મ ફરી એકવાર દર્શકો સમક્ષ આવવાની તૈયારીમાં છે. હિતુ કનોડિયા અને તેમની પત્ની તથા અભિનેત્રી મોના થીબાએ સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા ફિલ્મની પુનઃરિલીઝની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ, 'મેરુ માલણ' 6 નવેમ્બર, 2026ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે ફરી સિનેમાઘરોમાં રજૂ થવાની છે. હિતુ કનોડિયાએ ફિલ્મની તે સમયની કમાણી આજના મૂલ્ય પ્રમાણે 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ પણ વ્યક્ત કર્યો હતો.
'મેરુ માલણ'ની પુનઃરિલીઝ માત્ર જૂની ફિલ્મનું ફરી પ્રદર્શન નથી, પરંતુ ગુજરાતી ફિલ્મસૃષ્ટિના સુવર્ણકાળને ફરી યાદ કરવાનો અવસર છે. નરેશ કનોડિયા અને સ્નેહલતાની યાદગાર જોડી, મહેશ-નરેશનું સંગીત અને ચાર દાયકા જૂની લોકપ્રિયતા ફરી એકવાર મોટા પડદા પર જીવંત થવાની છે. કેટલીક ફિલ્મો સમય સાથે જૂની થતી નથી, પરંતુ તેમની લોકપ્રિયતા પેઢી દર પેઢી વધતી રહે છે. 'મેરુ માલણ' તેનું સુંદર ઉદાહરણ છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment