ઢોલીવૂડની સબસિડી માટે પડાપડી કે છેતરપિંડી?

ફરી એકવાર જાગેલો આ સબસિડીનો મુદ્દો 1970 ના દાયકા જેવી પરિસ્થિતી ન સર્જે તો સારુ



ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અનેક તકલીફો વેઠ્યા બાદ આજે બેઠું થઈ રહ્યું છે અને એમાં પણ સબસિડીને લઈને છેલ્લા કેટલાક દિવસમાં નવા નવા મુદ્દાઓ સામે આવ્યા છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી નાણાકીય સહાયની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે, આ સહાયની નીતિ, ફિલ્મની ગ્રેડિંગ પ્રક્રિયા અને અલગ-અલગ સમયગાળાની નીતિના અમલને લઈને ભૂતકાળમાં પણ પ્રશ્નો ઉઠ્યા છે. જોકે એમાંના કેટલાક મામલા આરટીઆઇ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પણ રજૂ થયા હતા.

ઢોલીવૂડમાં મળતી સબસિડીના ઈતિહાસ પર નજર કરીયે તો વર્ષ 2013માં જૂની પાંચ લાખ રૂપિયાની સબસિડી યોજના બંધ કરવામાં આવી હતી જેના બાદ ફેબ્રુઆરી 2016માં નવી નીતિ જાહેર કરવામાં આવી હતી. આ નીતિમાં ફિલ્મોને A, B, C અને D ગ્રેડમાં વર્ગીકૃત કરીને અનુક્રમે ₹50 લાખ, ₹25 લાખ, ₹10 લાખ અને ₹5 લાખ સુધીની નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી હતી. ફિલ્મની ગ્રેડિંગ માટે સ્ક્રીનિંગ કમિટી દ્વારા ફિલ્મના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન તથા ટિકિટ વેચાણ જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

આ નીતિ હેઠળ 2017-18ના સરકારી હિસાબોની CAG નોંધમાં પણ સબસિડીની સ્થિતિનો ઉલ્લેખ છે. તે મુજબ ગુજરાતી ફિલ્મ સબસિડી માટેની જોગવાઈમાંથી મોટો હિસ્સો ખર્ચાયો નહોતો, કેમ કે એ વર્ષે સબસિડી માટે અરજીઓ ઓછી માત્રામાં મળી હતી અને એ સબસિડી માટે પાત્રતા મેળવનારી ફિલ્મોની સંખ્યા ઓછી હતી જેના કારણે રકમ બચી હતી. એ વર્ષમાં માત્ર ચાર ફિલ્મો B-ગ્રેડ માટે પાત્ર ઠરી હતી અને એકપણ ફિલ્મ A-ગ્રેડ માટે પાત્ર ઠરી નહોતી. 

વર્ષ 2019માં સબસિડી નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો. ત્યારબાદ જૂની અને નવી નીતિના અમલ વચ્ચેનો તફાવત ચર્ચાનો વિષય બન્યો. 2020માં આરટીઆઇ દ્વારા મેળવાયેલી માહિતીના આધારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2016 બાદ અને 2019ની નવી નીતિ પહેલાં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મોને સુધારેલી 2019ની નીતિ પ્રમાણે વધુ સહાય આપવામાં આવી હતી. આ દાવા મુજબ સહાયની રકમમાં ₹4 કરોડથી વધુનો તફાવત હોવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં તપાસ અને કેટલીક ફિલ્મોની ફરીથી ગ્રેડિંગ કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ આરોપ હતો, કોર્ટ દ્વારા સાબિત થયેલો ગેરવહીવટનો અંતિમ નિષ્કર્ષ નહીં. 

ગુજરાતી ફિલ્મ ગુજરાતમાં બને, ઉત્તરાખંડમાં બને કે લંડનમાં બને, મોટાભાગનો ગુજરાતી ફિલ્મમેકર પોતાના મેકિંગનો ભાર ઘટાડવા માટે સબસિડીનો સહારો લેતો જ હોય છે. તેમ છતાં આ સબસિડી મેળવવાની દોડમાં જે આંધળુ બેરુ કુટાય છે એના પરિણામે જ વર્ષ 2022માં સબસિડીની નીતિના અમલ અંગેનો એક મુદ્દો ફરી ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. એ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલીક ફિલ્મોને 2016ની જગ્યાએ 2019ની નીતિના આધારે સહાય આપવામાં આવી હતી. તેમાં 21 ફિલ્મોને ₹5 લાખની સહાય અને અન્ય 12 ફિલ્મોને સુધારેલી નીતિ હેઠળ લાભ મળ્યાના દાવા પણ કરવામાં આવ્યા હતા. આ બાબતો પણ અરજીમાં કરાયેલા દાવા તરીકે જ નોંધાયેલી છે.

બીજી બાજુ રાજ્ય સરકારના 2023ના વિધાનસભા સંબંધિત આંકડા મુજબ 2016થી સાત વર્ષમાં 189 ગુજરાતી ફિલ્મોને કુલ 47 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. આ પહેલા 1970 ના ગાળામાં પણ ગુજરાત સરકાર તરફથી સબસિડી અપાતી હોવાને લીધે ધાણીની જેમ ગુજરાતી ફિલ્મમેકરો ફૂટી નીકળ્યા હતા અને એની આડઅસર ઇન્ડસ્ટ્રીએ ગુણવત્તા વિનાની ફિલ્મો જોઈને ભોગવવી પડી હતી. આજે જ્યાં નવી ટેક્નોલોજી છે, વધારે પારદર્શિતા છે, ત્યાં કઈ ફિલ્મ સબસિડી મેળવવાને પાત્ર છે અને કઈ ફિલ્મ નથી એ અંગે નિયમોનો ચોક્કસ અમલ થવો અનિવાર્ય છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com


Comments

Popular posts from this blog

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી