'ચટણી' અને ફિરકી' નો ડબલ ડોઝ એક જ દિવસમાં
એક સાથે બે મોટી ફિલ્મોના આ ક્લેશમાં દર્શકોને સો ટકા મજા આવી જવાની છે
ગુજરાતી સિનેમા જગતનો વ્યાપ હવે વધ્યો છે, કલાકારોની નવી પેઢી આવી છે અને દર્શકોની અપેક્ષાઓ પણ બદલાઈ છે. એવા સમયે આજની ઓડિયન્સને કંઈક નવું પીરસવા આજે થિયેટર્સમાં એક નહીં પણ બે મોટી ગુજરાતી ફિલ્મો — ‘ચટણી’ અને ‘ફિરકી’ રિલીઝ થઈ ચૂકી છે.
સૌથી પહેલા ‘ચટણી’ ની વાત કરીએ તો મલ્હાર ઠાકર અને પૂજા જોશીની આ ફિલ્મ તેમની લગ્ન પછીની પહેલી ફિલ્મ છે જેમાં તેઓ એકસાથે જોવા મળશે. આ પહેલા તેઓ ‘લગ્ન સ્પેશ્યિલ’ અને ‘વીર ઈશાનું સિમંત’ જેવી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. સામાન્યપણે ફિલ્મના ટ્રેલર રિલીઝના 15-20 દિવસ પહેલા રિલીઝ થઈ જતા હોય છે પણ આ ફિલ્મનું ટ્રેલર માત્ર અઠવાડિયા પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું અને ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દેવાયું હતું.
‘લવની ભવાઈ’, ‘એમ મંગલમ સિંગલમ’ અને ‘લગન લાગી રે’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકેલા સંદીપ પટેલના દિગ્દર્શનમાં બનેલી ‘ચટણી’ એક યુવાન એન્જિનિયરની વાત કરે છે, જે પરિવારની વર્ષો જૂની ફરસાણની પરંપરાને આગળ વધારવા માટે પોતાના કરિયરમાં જોખમો લેય છે. એટલે ફિલ્મમાં પરિવાર, પરંપરા, સંબંધો અને બદલાતા સમય વચ્ચેનો ટકરાવ જોવા મળે છે. અને કદાચ ‘ચટણી’નું સૌથી રસપ્રદ રૂપક પણ એ જ છે—નામ ભલે ચટણી હોય, પરંતુ વાત માત્ર ચટણીની નથી, વાત છે પરંપરાને નવી પેઢી કેવી રીતે પોતાના સ્વાદ પ્રમાણે ફરીથી રજૂ કરે છે તેની. ગુજરાતી સિનેમાના દર્શકો માટે આ વિષય અજાણ્યો નથી, પરંતુ તેને કેટલી તાજગીથી રજૂ કરવામાં આવે છે એ ફિલ્મની ખરી કસોટી રહેશે. ફિલ્મમાં મલ્હાર અને પૂજા સાથે પ્રશાંત બારોટ, હેતલ મોદી અને સ્મિત જોશી સહિતના કલાકારો પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે મલ્હાર અને પૂજાનું નવું પ્રોડક્શન હાઉસ ‘બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી’ આ ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાયેલું છે.
બીજી બાજુ ડિરેક્ટર ધર્મેશ મહેતા તેમની આ મહિનાની બીજી ફિલ્મ લઈને આવ્યા છે જેનું ટાઇટલ છે ‘ફિરકી’. આ પહેલા આ મહિને જ તેમની ‘ટોમ એન્ડ ચેરી’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘ફિરકી’ એ વત્સલ શેઠની બીજી ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મમાં તેની સાથે વ્રજેશ હિરજી, જોની લીવર, અનંગ દેસાઈ, ઈશા કંસારા, મોનાઝ મેવાવાલા, હાર્દિક સાંગાણી જેવા કલાકારો જોવા મળશે. વ્રજેશ , વત્સલ અને ઈશાને બાદ કરતા મોટાભાગની સ્ટારાકાસ્ટ આપણને ધર્મેશ મહેતાની ‘જયસુખ ઝડપાયો’ માં જોવા મળી હતી.
રેડિયો સહિત બોલીવુડમાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર વ્રજેશ હિરજી એક લાંબા સમય બાદ ગુજરાતી સિનેમામાં જોવા મળશે જ્યારે જોની લીવર જેવા ગ્રેટેસ્ટ કોમેડિયન પણ પોતાની કોમીક ટાઇમીંગ અને પંચીસથી ફિલ્મની સફળતામાં અને લોકપ્રિયતામાં ઉમેરો કરી શકે છે. વત્સલ શેઠની ગુજરાતી સિનેમામાં આ બીજી ફિલ્મ હોવાને લીધે તેના માટે આ ફિલ્મ કરતાં ગુજરાતી ઓડિયન્સ સાથે ફરી પોતાનું કનેક્શન મજબૂત કરવાની સુવર્ણતક છે.
કોમેડી-ડ્રામા ફિલ્મ ‘ફિરકી’ ની વાર્તા એક એવા યુવાનની વાત કરે છે જે એક જુઠાણું છુપાવવા અનેક જુઠાણું બોલે અને તેના આ જુઠાણાને લીધે હાસ્યાસ્પદ ગૂંચવણો ઊભી થાય છે. મહત્તવની વાત એ છે કે જો ફિલ્મના પાત્રો અને પરિસ્થિતિઓ હસાવશે, તો દર્શકોને એનો અલગ અનુભવ મળશે. પરંતુ જો હાસ્ય માત્ર પંચલાઇન પર નિર્ભર રહેશે, તો ફિલ્મની અસર મર્યાદિત રહી શકે છે.
જોવા જઈએ તો બંને ફિલ્મોમાં એક વાત કોમન છે, અને એ છે કલાકારોની ‘ફેસ વેલ્યુ’. ‘ચટણી’ પાસે મલ્હાર-પૂજાની જોડી છે તો ‘ફિરકી’ પાસે વત્સલ શેઠ સાથે જોની લીવર, વ્રજેશ હિરજી અને અન્ય અનુભવી કલાકારોનું કોમ્બિનેશન છે. એવામાં ગુજરાતી સિનેમા હવે એવા તબક્કે આવી પહોંચી છે જ્યાં માત્ર ઓળખીતા ચહેરા દર્શકોને થિયેટર સુધી લાવી શકે, પરંતુ થિયેટરમાં દર્શકોને રોકી રાખવાની દિશામાં તો કન્ટેન્ટ જ કામ કરે છે. કેમ કે આજનો દર્શક ‘ફિલ્મમાં નવું શું છે?’ એ પૂછતો થયો છે, અને એ નવું પીરસવાનું કામ ફિલ્મમેકરોએ જ કરવાનું રહેશે. તેમ છતાં જોવાનું એ રહેશે કે આજે પાંચ દિવસના ગણેશજીના વિસર્જન બાદ ગુજરાતી પ્રજા પરિવાર સાથે સમય વીતાવવા કઈ ફિલ્મ પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)


Comments
Post a Comment