21 વર્ષે આવ્યા દેવલો અને જીવલી

નવી ટેક્નોલોજીના વાઘા પહેરી રી-રિલીઝ થઈ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’


21 વર્ષ બાદ આજે ફરીથી એક એવી ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે જેણે અને ગુજરાતી સિનેમા પ્રેમીઓની આંખ ભીની કરી દીધી હતી. હિતેન કુમાર અને રાજલક્ષ્મીને ચમકાવતી જશવંત ગાંગાણી લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ એટલે ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’. 

વર્ષ 2005 માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ એક સફળ ફિલ્મ રહી હતી જે એક પ્રેમિકાના એના પ્રેમી સાથેના સુખી સંસારની લાગણીઓને દર્શાવતી હતી. સામાન્યપણે જશવંત ગાંગાણીની ફિલ્મોમાં આપણને પારિવારિક મૂલ્યો ખૂબ જ સારી રીતે જાણવા અને માણવા મળે છે અને આ ફિલ્મમાં પણ એ મૂલ્યો કાયમ રહ્યા છે, ફરક છે ફિલ્મની વાર્તામાં અને ખાસ કરીને તેના ક્લાઈમેક્સમાં. 

જીવલી (રાજલક્ષ્મી) અને દેવલા (હિતેન કુમાર) ની આ પ્રેમ કથામાં જીવલીના કાકાનો ભાઈ ભુવન (દિનેશ લાંબા) મુખ્ય વિલનનું પાત્ર ભજવે છે. ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ અભિનેત્રીના એટલે કે સ્ત્રીપક્ષના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી છે અને એટલે જ તેના પરિવારની વાર્તા કેન્દ્રસ્થાને છે. જીવલીના મા બાપ ન હોવા છતાં તે કાકા કાકીની છત્ર છાયામાં સારી રીતે ઉછળે છે પણ ભુવન નાનપણથી તેના પર અંકુશ રાખીને બેઠો હોય છે અને સમય જતા તે વધારે કઠોર થતો જાય છે. ભુવનની કઠોરતાને કારણે જીવલી પોતે બીજા યુવાનને પ્રેમ કરે છે એ વાત મહામુસીબતે જાહેર કરે છે. દેવલા સાથે તેના લગ્ન નક્કી થાય છે પણ એક રાત પહેલા જ ભુવન જીવલીને અવાવરું જગ્યાએ બોલાવી તેનું કતલ કરી નાખે છે. ગામ આખામાં આ વાતનો શોક ચાલી રહ્યો હોય છે ત્યારે લગ્નના દિવસે માંડવે જીવલીની આત્મા આવીને દેવલા સાથે લગ્નના માંડવે બેસે છે. 

ફિલ્મનો ક્લાઈમેક્સ આ ફિલ્મની સૌથી મોટી સફળતા છે. આજની તારીખમાં જે ફિલ્મ બને છે એ ફિલ્મ કરતાં આ ફિલ્મની વાર્તા થોડી હટકે છે અને આ ફિલ્મના ગીતો આજની તારીખે લોક હૈયે જીવતા છે. 27 જૂન 2005 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ આજે આજની નવી ટેકનોલોજીથી સુસજ્જ થઈને રી-રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં કુલ સાત ગીતો છે જેનું સંગીત ગૌરાંગ વ્યાસે તૈયાર કર્યું છે તથા અરવિંદ બારોટ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, મહાલક્ષ્મી ઐયર અને વચલા પાટીલનો સ્વર સાંભળવા મળે છે. આ ફિલ્મ પહેલા હિતેન કુમારની ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ અને ‘મૈયરમાં મનડુ નથી લાગતું’ એ બે ફિલ્મ પણ ફરી રિલીઝ થઈ ચૂકી છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 

Comments

Popular posts from this blog

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી