2026 નું શ્રીગણેશ જ ફિલ્મી ક્લેશથી

જાન્યુઆરીને બાદ કરતા અન્ય કોઈપણ મહિનાની કઈ તારીખે, કઈ ફિલ્મ રિલીઝ થશે એ હજુ સુધી ફિલ્મમેકર્સ નક્કી નથી કરી શક્યા 



વર્ષ 2026 ગુજરાતી સિનેમા માટે નવા કોન્ટેન્ટ અને નવા ચહેરાઓને લઈને આવનારું સાબિત થઈ શકે એમ છે. આ વર્ષમાં ગુજરાતી સિનેમા જગતના કેટલાક નવા તો કેટલાક જાણીતા ચહેરાઓ એક લાંબા સમય બાદ મોટા પડદે જોવા મળશે. 

વર્ષ 2025 માં અંદાજે 75 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી અને એમાંથી કેટલીક ફિલ્મો એવી હતી જેને 2026 માં મોકૂફ કરી દેવામાં આવી. આ નિર્ણય ‘લાલો’ ફિલ્મને લીધે આવેલા વંટોળને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો જે ક્યાંક નવી ફિલ્મો માટે યોગ્ય પણ હતો. વર્ષ 2025 નું  સમાપન મલ્હાર ઠાકરની ફિલ્મ ‘વંદે ભારત’ થી થયું હતું અને 2026ની શરૂઆત ‘તું મળે તો ઉત્સવ’ અને ‘બિચારો બેચલર’ ના ક્લેશથી થઈ રહ્યું છે.  

‘તું મળે તો ઉત્સવની’ વાત કરીયે તો આ ફિલ્મ પહેલા ડિસેમ્બર 2025ના છેલ્લાં અઠવાડિયામાં રિલીઝ થવાની હતી પણ તેને એક અઠવાડિયું મોકૂફ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સોનું ચંદ્રપાલ, સાગર પંચાલ એક સાથે જોવા મળશે જેમાં જીગર શાહ નામનો નવોદિત કલાકાર ડેબ્યુ કરી રહ્યો છે. પ્રેમની રેસિપી લઈને આવી રહેલી આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક હિરેન ઠક્કર છે જ્યારે સંગીત પ્રહર વોરાએ આપ્યું છે. સામાપક્ષે તુષાર સાઢુની ફિલ્મ ‘બિચારો બેચલર’ પણ આજે જ રિલીઝ થઈ છે, જેમાં એક બેચલરની વાત કરવામાં આવી છે. કઈ રીતે એ લગ્ન માટે છોકરી જોવા જાય છે અને દરેક છોકરીમાં કંઈને કંઈક ખોટ કાઢીને છેલ્લે વાંઢો જ રહી જાય છે એ વાત અહીં રમૂજ દ્વારા દર્શાવાવમાં આવી છે. આ ફિલ્મમાં બિચારા બેચલર માટે એક નહીં પણ નવ અલગ અલગ છોકરીઓના માંગા દર્શાવવામાં આવ્યા છે. એવામાં આ નવમાંથી તેને કોઈ પસંદ પડે છે કે નહીં, કે પછી કોઈક દસમી જ છોકરી સાથે તેના વિવાહ લેવાય છે, એ જોવા જેવું છે. 

જાન્યુઆરીના બીજા જ અઠવાડિયામાં ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા ‘જય કનૈયાલાલ કી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર છે ધર્મેશ મહેતા જેઓ આ પહેલા ‘જયસુખ ઝડપાયો’, ‘મોમ તને નહીં સમજાય’ જેવી ફિલ્મો અને ‘યમરાજ કોલિંગ’ જેવી વેબ સિરીઝ બનાવી ચૂક્યા છે. ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ માં સિદ્ધાર્થભાઈ ઉપરાંત ‘બા, બહુ ઔર બેબી’, ‘ઉતરણ’, ‘એક મહેલ હો સપનો  કા’ જેવી અનેક સિરીયલ્સ કરી ચૂકેલી વૈશાલી ઠક્કર, હિતુ કનોડિયા, શ્રેય મરડિયા અને અનેરી વજાણી અભિનય કરતા જોવા મળશે. ફિલ્મમાં કેદાર-ભાર્ગવનું સંગીત છે જેઓ ‘નાડી દોષ’, ‘સમંદર’ જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપી ચૂકયા છે. હિતુ કનોડિયા ફરી એકવાર પોલીસ ઇન્સ્પેક્ટના પાત્રમાં આ ફિલ્મ દ્વારા આપણને જોવા મળશે. 

જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં ‘પાતકી’ નામની મલ્ટીસ્ટારર ફિલ્મ રિલીઝ થવાની છે જેમાં હિતેન તેજવાની, શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા, સુચેતા ત્રિવેદી, ઉજ્જવલ દવે, કરણ જોશી, નીલેશ પરમાર અને મકરંદ શુક્લા અભિનય કરતાં જોવા મળશે. આ લેખ લખાય છે ત્યાં સુધીમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં નહોતું આવ્યું, જેથી કરીને ફિલ્મના પ્લોટ વિશે હાલમાં કશું કહી શકાય એમ નથી. જોકે આ ફિલ્મનું સોશ્યલ મીડિયા પર મોર્કેટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જાન્યુઆરીને બાદ કરતા આવનારા મહિનાઓની કઈ તારીખે, કઈ ફિલ્મ રિલીઝ થશે એ હજુ સુધી ફિલ્મમેકરો નક્કી કરી શક્યા નથી. તેમ છતાં જે ફિલ્મો આ વર્ષે જોવા મળવાની સંભાવના છે એની વાત કરી લઈએ. મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુશીની ત્રિપુટી ‘લગન લાગી રે’ નામની ફિલ્મ પહેલા 2025 માં જ રિલીઝ થવાની સંભાવના હતી પણ આ ફિલ્મ હજુ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે અને આશા છે કે 2026 ના ફર્સ્ટ હાફમાં જોવા મળી શકે છે. આ સિવાય અમીર રૂઘાણી નિર્દેશીત ફિલ્મ ‘અબ્બા ડબ્બા ઝબ્બા’ પણ આ વર્ષે રિલીઝ થશે, જેમાં હેમાંગ દવે, આકાશ ઝાલા, આર.જે. મીત અને ગ્રેસી કનેરિયા જોવા મળશે. આ ફિલ્મનું એક ગીત પણ 2025 માં રિલીઝ કરી દેવાયું હતું પણ યોગ્ય તારીખ ન મળતા ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. પ્રાપ્ત માહિતી મુજબ એ જે ફિલ્મ ફેક્ટરીએ એક સાથે 27 ફિલ્મોની જાહેરાત કરી હતી જેમાંની કેટલીક ફિલ્મ જેમ કે ‘ઓટલા પરિષદ’, ‘અંક’, ‘અટક્યા તો લટક્યા’, ‘એકાઉન્ટ લૂંટ’, ‘અધ્યાય’ 2026 માં જોવા મળવાની સંભાવના છે. 2023 માં આવેલી ‘હું ઈકબાલ’ નો પાર્ટ 2 પણ 2026 માં જોવા મળે એવી ઉમ્મીદ રાખી શકાય છે. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં