લાલોની સફળતામાં ઓડિયન્સ સદા સહાયતે
ઓછું બજેટે દમદાર બોક્સ ઓફિસ કલેક્શન કરી આપતી ફિલ્મો એ વાતની સાબિતી છે કે કોન્ટેન્ટ જ સર્વસ્વ છે
ફિલ્મજગતમાં સફળતાનું માપદંડ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પરથી અંકાતું હોય છે. વળી કેટલીક ફિલ્મો એવી હોય છે જે આ બોક્સ ઓફિસ કલેક્શનથી આગળ વધીને લોકોના મનમાં ઘર જતી હોય છે. દોઢ મહિના પહેલા રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલાો : શ્રીકૃષ્ણ સદા સહાયતે’ એવી જ એક ફિલ્મ બનીને આજે ઢોલીવૂડમાં છવાયેલી છે, જેણે મોટાભાગના દરેક રેકોર્ડ તોડી દીધા છે.
ઓછા બજેટમાં બનેલી ફિલ્મો જ્યારે રેકોર્ડ બ્રેક કમાણી કરે ત્યારે ફિલ્મનો કોન્ટેન્ટ એકછત્રી શાસન કરતો જોવા મળે છે. લાલો જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ ફિલ્મ સતત દોઢ મહિના સુધી મોટા પડદા પર ટકી શકશે અને 50 કરોડથી પણ વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકશે.
અંકિત સખીયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તુલસીના પાત્રમાં રીવા રાચ્છ, શ્રીકૃષ્ણ એટલે કે લાલોના પાત્રમાં શ્રૃહદ ગોસ્વામી અને તુલસીના પતિ લાલોના પાત્રમાં કરણ જોષીએ મુખ્ય અભિનય કર્યો છે. કાઠિયાવાડી ભાષામાં બનેલી અને મોટાભાગે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં શૂટ થયેલી આ ફિલ્મની વાર્તા ખૂબ જ સાધારણ છે પણ તેની અસર અસાધારણ જોવા મળી છે. એક લાલો મુસીબતમાં ફસાય ત્યારે એને સહાય કરવા માટે બીજો લાલો ખડે પગે હાજર થઈ જ જાય છે એ વાતને ફિલ્મમાં સાહજિકપણે દર્શાવવામાં આવી છે.
ફિલ્મની વાર્તા ને બાદ કરતા લોકેશનથી માંડીને સિનેમેટોગ્રાફી અને વાઇડએંગલ દ્રશ્યો સારી રીતે કેમેરામાં કંડારવામાં આવ્યા છે. વળી કૃષ્ણને કેન્દ્રસ્થાને રાખીને ફિલ્મ બની હોય એટલે સ્વાભાવિક છે કે કૃષ્ણ ગીત પણ એ ફિલ્મમાં હોવાના જ. એશ્વર્યા મઝમુદાર અને કિર્તીદાન ગઢવી જેવા દમદાર ગાયકોના કંઠે ગવાયેલા ગીતો કર્ણપ્રિય છે અને એ ગીતો પર થિયેટરમાં દર્શકો જુમી ઉઠ્યાં હોવાના કિસ્સા અને સહર્ષ આંખના ખૂણા ભીના કરીને નીકળેલા દર્શકોની ખુશાલી સોશ્યલ મીડિયામાં ઢગલાબંધ જોવા મળ્યા છે.
ફિલ્મ ‘લાલો : શ્રીકૃષ્ણ સદા સહાયતે’ ની સફળતાનો વાયરો ત્યારે વધારે પ્રબળ બન્યો જ્યારે અનેક નામાંકિત હસ્તીઓએ ફિલ્મને બિરદાવી. ગુજરાતના નાયબ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીથી માંડીને પોતાની જ ફિલ્મોમાં એક નાનકડો કેમીઓ કરવાની સિગ્નેચર સ્ટાઇલ ધરાવનારા ડિરેક્ટર સુભાષ ઘાઈએ પણ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું ઉદાહરણ આપતા તેની વાહવાહી કરી હતી. લાલો ફિલ્મ રિલીઝ થઈ એના પછી જ યશ સોનીની ધમાકેદાર ફિલ્મ ‘ચણિયા ટોળી’ રિલીઝ થઈ હતી અને મોટાભાગે સૌને એવી આશા હતી કે દિવાળીના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મની સફળતામાં લાલો ક્યાંક પાછળ પડી જશે. ‘ચણીયા ચોળી’ બાદ માનસી પારેખ અને રોનક કામદારની ‘મિસરી’ નામની ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. તેમ છતાં આ ત્રણે ત્રણ ફિલ્મોને દર્શકોએ વધાવી જે ગુજરાતી ફિલ્મજગત માટે ખૂબ જ સારા સમાચાર સાબિત થયા હતા. શરૂઆતના દિવસોમાં ‘ચણિયા ટોળી’ એ 10-12 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન ફટાફટ કરી લીધું પણ પછી તેમની ગાડી ધીમી પડી ગઈ જ્યારે ધીમી ગતિએ શરૂઆત કરનારી લાલોએ રિલીઝના બીજા જ અઠવાડિયાથી ઝડપ પકડી લીધી અને એ હજુ પણ આગળ વધી રહી છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી સારી વાત એ છે કે અહીં એકબીજાના પગ ખેંચીને નીચે પાડવાની વૃત્તિ નથી દેખાતી પણ એકબીજાની સફળતામાં સામેલ થવાની વૃત્તિ જોવા મળે છે. આ વાતની સાબિતી યશ સોનીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી જેમાં તેણે લાલોની સફળતાની પ્રશંસા કરી હતી. ન માત્ર યશ પરંતુ મલ્હાર ઠાકરથી માંડીને જાનકી બોડીવાલા અને અન્ય નામાંકિત સિનેહસ્તીઓએ લાલોનું પ્રદર્શન નોંધ્યું અને વખાણ્યું હતું.
બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ચણીયા ટોળી’ એ રિલીઝના 28 દિવસમાં અંદાજે 18 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું, જ્યારે લાલોએ 39 દિવસમાં અંદાજે 55.50 કરોડ રૂપિયાનું જબરદસ્ત કલેક્શન કર્યું છે. એમાં પણ વિશેષ વાત એ છે કે એક દિવસમાં બે કરોડ રૂપિયાથી વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરનારી આ ત્રીજી ગુજરાતી ફિલ્મ બની છે. આ પહેલા ‘ચાલ જીવી લઈએ’ અને ‘ત્રણ એક્કા’ એક દિવસમાં બે કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરવામાં સફળ રહી હતી. આ ઉપરાંત બીજી મહત્વની વાત એ કે ફિલ્મ લાલો ન માત્ર ગુજરાતીઓ સુધી સીમિત રહે પરંતુ વિશ્વભરમાં લોકો સુધી પહોંચ્યા એ માટે યુકે જેવા દેશમાં રિલીઝ થઈ ચૂકી છે અને હજુ ઑસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. બિન ગુજરાતી દર્શકો પણ આ ફિલ્મને માણી શકે એ માટે ફિલ્મનું હિન્દી ડબીંગ પણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં હિન્દી વર્ઝન પણ રિલીઝ થઈ જશે. ઐતિહાસિક શિખર સર કરી રહેલી ફિલ્મ ‘લાલો : શ્રીકૃષ્ણ સદા સહાયતે’ આવનારા દિવસોમાં અનેક એવોર્ડ પોતાના નામે કરે તો નવાઈ નહીં કારણકે ફિલ્મના સકારાત્મક પ્રતિસાદ માટે ઓડિયન્સ સદા સહાયતે કરતી જ રહેવાની છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com




Comments
Post a Comment