ઢોલીવૂડના બાળકલાકારો અને બાળફિલ્મો
બાળકોના દ્રષ્ટિકોણથી ફિલ્મને રજૂ કરવાનો ફિલ્મમેકરનો કિમીયો મોટાભાગે કામ કરી જતો હોય છે, ધ લાસ્ટ શૉ એનું ઉત્તમ ઉદાહરણ છે
ફિલ્મી દુનિયા ખરેખર એટલી રોમાંચક હોય છે કે નાનપણથી જ ઘણા લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવવાના સપના જોતા હોય છે. આ સિલસિલો અત્યારથી નહીં પણ વર્ષોથી ચાલતો આવ્યો છે. મીના કુમારી, નરગીસ, તબસ્સુમ, શ્રીદેવી, ડેઝી ઈરાની, નાઝથી માંડીને કમલ હસન, રિશી કપૂરથી માંડીને રિતિક રોશન સુધીના અનેક એવા કલાકારો છે જેમણે પોતાની ફિલ્મી સફર એક બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. ગુજરાતી સિનેમા જગતમાં પણ એવા ઘણા બાળ કલાકારો છે જે આજે એક નામાંકિત અને પ્રતિષ્ઠિત અભિનેતા બની ચૂક્યા છે. ભવિષ્યમાં ગુજરાતી સિનેમાના રૂપેરી પડદે સંભવિત કલાકારના રૂપે જોવા મળનારા આજના બાળ કલાકારોને આજે બાલદિનના અવસર પર ઓળખવાનો પ્રયાસ કરીએ અને સાથે કેટલીક એવી ગુજરાતી ફિલ્મો તરફ પણ દૃષ્ટિ કરીએ જેમાં બાળકોના દ્રષ્ટિકોણને કેન્દ્રસ્થાને રાખીને ફિલ્મ બનાવવામાં આવી છે.
આ વર્ષમાં રિલીઝ થયેલી વંદના પાઠકની સુપરહિટ ફિલ્મ ‘જલેબી રોક્સ’ દરેક ગુજરાતીએ જોઈ હશે. આ ફિલ્મમાં વંદના પાઠકની અમેરિકામાં ભણતી દીકરી તરીકે આપણે જીયા ભટ્ટને અભિનય કરતી જોઈ શકીએ છીએ. માત્ર ચાર વર્ષની ઉંમરમાં જીયાએ કથ્થક નૃત્યની તાલીમ લેવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ નાટ્યની તાલીમ પણ લીધી હતી. બાળનાટકથી માંડીને તેણે ઘણા માથોલોજીકલ નાટક જેમ કે ‘મીરા’, ‘વલ્લભાચાર્ય’ અને હિન્દી નાટક ‘જાય તો કહા જાયે’ માં અભિનય કર્યો હતો. સૌથી નોંધનીય કામ જોવા જઈએ તો ‘લાલી ધ ટેલ ઓફ બ્લ્ડ’ નામની એક શોર્ટ ફિલ્મ પણ જીયાએ કરી હતી જે ઘણી વખણાઈ હતી અને ઘણા પુરસ્કાર જીતી હતી. આ ઉપરાંત તેણે ગુજરાતી વેબ સિરીઝ ગોટી સોડા અને અનેક જાહેરાતોમાં મોડેલિંગ પણ કરી છે. હાલમાં તે હિન્દી વેબ સિરીઝ પર કામ કરી રહી છે.
બીજી બાજુ ભવ્યા શિરોહી નામની એક બાળ કલાકાર ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મો કરી ચૂકી છે. ‘વિઠ્ઠલ તિડી’ (2021), ‘મેડલ’ (2022), ‘મારા પપ્પા સુપર હીરો’ (2024), ‘ગોતી લો’ (2025), ‘વિશ્વ ગુરૂ’ (2025), અને ‘વશ લેવલ ટુ’ (2025) નામની ફિલ્મમાં ભવ્યાએ અભિનય કર્યો છે.
બાળકોની દ્રષ્ટિથી બનેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ‘મારા પપ્પા સુપર હીરો’ (2024) બાળકના દૃષ્ટિકોણથી બનેલી એક હૃદયસ્પર્શી ફિલ્મ છે જેમાં એક બાળકી પોતાના પિતાને સુપર હીરો તરીકે જુએ છે. સુપર હીરો એટલા માટે કે તેના પિતા દરેક પ્રકારની તકલીફ હોવા છતાં પોતાની દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવા પ્રયાસ કરે છે. બીજી બાજુ 2017 માં મનીષ સૈની દ્વારા બનાવવામાં આવેલી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ઢ’ ને કઈ રીતે ભૂલી શકાય. આ ફિલ્મમાં કેટલાક એવા બાળકોની વાત છે જે પરીક્ષાનું રીઝલ્ટ સારું આવે એ માટે સૂર્ય સમ્રાટ નામના એક જાદુગર પર અને એના જાદુ પર ભરોસો રાખે છે. નસિરુદ્દીન શાહ આ ફિલ્મમાં જાદુગર સૂર્ય સમ્રાટના રોલમાં જોવા મળ્યા હતા જ્યારે કહાન, કરણ પટેલ અને કુલદીપ સોઢા નામના ત્રણ બાળ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ ગુજરાતી ફિલ્મોમાં એક એવી ગુજરાતી ફિલ્મ છે જેને કોઈપણ ભોગે ભૂલી શકાય એમ નથી અને એ ફિલ્મ છે ‘ધ લાસ્ટ શો’. 95 માં એકેડેમી એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારત તરફથી મોકલવામાં આવેલી આ એક ઓફિસિયલ એન્ટ્રી હતી. ફિલ્મની વાર્તાનો મુખ્ય હીરો ભાવિન રબારી, સમય નામનું પાત્ર ભજવે છે. નવ વર્ષના આ બાળ કલાકારને પાન નલીને જેવા ખ્યાતનામ ડિરેક્ટરે ડિરેક્ટ કર્યો હતો. ફિલ્મની વાર્તા એવા બાળકની વાત કરે છે જેને ફિલ્મ જોવી અને ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં ઊંડા ઊતરવાનું મન થાય છે.
આ ઉપરાંત વર્ષ 2009માં વિનોદ ગણાત્રા ડિરેક્ટર અને ધીરુબેન પટેલ લિખિત ‘હરુણ અરુણ’ નામની બાળ ફિલ્મ આવી હતી. ફિલ્મનો વિષય ખૂબ જ રોચક હતો જેમાં પાકિસ્તાનનો એક બાળક કચ્છની બોર્ડરથી ગુજરાત, ભારતમાં પ્રવેશે છે અને એક હિન્દુ પરિવાર તેને દત્તક લે છે. હેમાંગ ગોર, ધૈર્ય ગોર અને સ્વાતિ દવે આ ફિલ્મના મુખ્ય પાત્ર તરીકે જોવા મળે છે. આ ફિલ્મ અનેક એવોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહી છે.
ટૂંકમાં જોવા જઈએ તો બાળકોને લઈને જે પ્રમાણે ફિલ્મો બને છે અને ખાસ કરીને જે પ્રમાણેના એક્સપરિમેન્ટ કરવામાં આવે છે એ કાબિલ-એ-દાદ છે. ‘ચાતર’ નામની ફિલ્મ જે આ વર્ષે જ રિલીઝ થઈ હતી જેમાં બાળકોના દ્રષ્ટિકોણથી ગામ આખાને દારૂ મુક્ત અને વ્યસનમુક્ત કરવાની વાત કરવામાં આવી છે તો વળી ‘મૃગતુષ્ણા’ (2022) જેવી ફિલ્મો દ્વારા નદીની પેલે પારની દુનિયા જોવાની ઉત્કંઠા બાળકોના નજરીયાથી મોટા પડદે રજૂ કરવામાં ફિલ્મ મેકર જરાય પાછળ નથી પડ્યા.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)



Comments
Post a Comment