નહીં રાજાની, નહીં રાણીની, આ વાર્તા છે અસરાનીની
1980ના ગાળામાં જેમણે ઢોલીવૂડ ગજાવ્યું હતું એ અસરાની 2025ની જુલાઈમાં પોતાની છેલ્લી ગુજરાતી ફિલ્મ કરી ગયા હતા
‘અમદાવાદનો રિક્ષાવાળો’ બસ એટલું જ કહીએ ત્યાં કિશોર કુમારનો સ્વર અને અમદાવાદના અલગ અલગ લોકેશન પર રીક્ષા હાંકતા અસરાનીનો ચહેરો યાદ આવી જાય. 1977 માં આવેલી ફિલ્મ ‘મા બાપ’ નું આ ગીત સુપરડુપરહિટ થતા તેમના માટે આજીવન ઓળખ બની જાય છે. ન માત્ર આ ગીત પણ આ ફિલ્મ જ એક હિટ ફિલ્મ હતી જેની વાર્તાથી માંડીને કલાકારોના અભિનય અને ગીતો ખૂબ જ વખણાયા હતા.
20 મી ઓક્ટોબર ના રોજ ગોવર્ધન અસરાનીએ આ ફાની દુનિયામાંથી વિદાય તો લીધી પણ તેઓ પોતાની પાછળ મૂકી ગયા છે ન માત્ર હિન્દી ફિલ્મોનો પણ ગુજરાતી ફિલ્મોનો બહુમૂલો ખજાનો. આ એક એવો ખજાનો છે જે એ સમયે તૈયાર થયો જ્યારે ગુજરાતી સિનેમા એના કપરા કહી શકાય એવા સમયમાંથી પસાર થઈ રહી હતી. 1980 ના સમયમાં ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી ઉપરાંત અન્ય નવા કલાકારો પ્રવેશી ચૂક્યા હતા. મહેશ-નરેશ કનોડીયાની સાથે, હિતેન કુમાર સહિત કિરણ કુમાર, રાજીવ, અસરાની, અરુણા ઈરાની, રીટા ભાદુરી, જયશ્રી ટી અને અરવિંદ પંડ્યા, પદ્મારાણી, વિષ્ણુકુમાર વ્યાસ જેવા પીઢ કલાકારોએ ગુજરાતી સિનેમા જગતની એ સમયે જાળવણી કરી હતી.
1977 માં ‘મા બાપ’ ફિલ્મથી ઢોલીવૂડમાં પોતાની છાપ મજબૂત કરનારા અસરાનીએ 1978 માં બે ગુજરાતી ફિલ્મો આપી. ‘સંસાર ચક્ર’ અને ‘મોટા ઘરની વહુ’. ‘સંસાર ચક્ર’ એ 1965 માં આવેલી સુનીલ દત્ત અને નૂતનની ફિલ્મ ‘ખાનદાન’ ની ગુજરાતી રિમેક હતી. આ ફિલ્મમાં અસરાની સુનીલ દત્તવાળું અને રીટા ભાદુરી નૂતનવાળું પાત્ર ભજવતા નજરે પડે છે. ‘મોટા ઘરની વહુ’ ફિલ્મમાં પણ તેમની સાથે રીટા ભાદુરીની જોડી જોવા મળે છે અને આ ફિલ્મનું ખાણીપીણીનું લોકપ્રિય ગીત ‘ખાટી મીઠી વાનગી’ નો જોટો આજની તારીખમાં પણ જડે એમ નથી.
પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિજન ઇન્ટિસ્ટૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ) માંથી ભણીને આવેલા અસરાનીને તેમના અનોખા ચહેરા અને હાવભાવને લીધે ગુલઝાર જેવા નામાંકિત ફિલ્મમેકર કમર્શિયલ ફેસની કેટેગરીમાં નહોતા મૂકતા. એ દિશામાં પોતાની કાબેલિયત સાબિત કરવા તેમને ઘણો પરિશ્રમ કરવો પડ્યો. પણ સમય બદલાયો. 1970-1979 દરમ્યાનના વર્ષોમાં તેમણે 100 થી પણ વધારે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો પછી એ બાવર્ચી (1972) હોય કે નમક હરામ (1973) હોય. રાજેશ ખન્નાની ફિલ્મ હોય અને એમાં અસરાની ન હોય એવું આ ગાળામાં ભાગ્યે જ બનતું.
1981 નું વર્ષ આવતા સુધીમાં અસરાની એક ખ્યાતનામ અભિનેતા બની ચૂકયા હતા. આ વર્ષમાં તેમના માટે ઘણું મહત્વનું રહ્યું હતું કારણ કે આ વર્ષમાં તેમણે અનેક ગુજરાતી ફિલ્મો આપી જેમાં ‘હીરો ઘોઘે જઈ આવ્યો’, ‘પંખીનો માળો’, ‘પારકા પોતાના’, ‘નસીબદાર’ અને ‘વાયા વિરમગામ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘વાયા વિરમગામ’ ના પ્રફુલ દવેના સ્વરે ગવાયેલું ટાઇટલ સોન્ગ ‘હા રે અમે છૈયે વાયા વિરમગામના’ આજે પણ સંગીત મહેફિલોની શાન બને છે. આમાંની મોટાભાગની ફિલ્મોમાં તેમની જોડી રીટા ભાદુરી સાથે જ જોવા મળતી જેને દર્શકોને સહર્ષ સ્વીકારેલી. પ્રફુલ દવે અને કિશોર કુમારનો સ્વર પડદા પાછળ હોય અને અસરાનીનો મસ્તીભર્યો અનુભવી અભિનય પડદા હોય તો ગીત ફ્લોપ થાય જ નહીં. ‘વાયા વિરમગામ’ (1981) ના ગીતો અને ‘મા બાપના’ (1977) ગીતો એની સાક્ષી પૂરવા પૂરતા છે.
1982 માં અસરાની ‘દી' વાળે એ દીકરા’, ‘જુગલ જોડી’ અને ‘ખરા ખરીનો ખેલ’ જેવી ફિલ્મો આપે છે. જે પ્રમાણે જય-વીરુની જોડી શોલે ફિલ્મમાં ગાજેલી એ પ્રમાણે ‘જુગલ જોડી’ માં તેમના જોડીદાર તરીકે નરેશ કનોડિયા જોવા મળ્યા હતા જ્યારે ‘ખરા ખરીનો ખેલ’ માં તેમની સાથે અરુણા ઈરાની, રાગિણી અને દીપક ઘીવાલા મુખ્ય ભૂમિકામાં હતા. 1982 માં અસરાનીએ યુનુઝ પરવેઝના દીકરા સલીમ પરવેઝ, હરીષ પટેલ અને દિનેશ હિંગુ સાથે મળીને એક ગુજરાતી પ્રોડક્શન કંપની શરૂ કરી હતી જે 1991 માં નફા સાથે બંધ કરી દેવાઈ હતી.
આપણે અહીંયા ફેમસ ગીતની લાઈન ઉપાડી એને જ શીર્ષક બનાવી નવી સિરીયલ કે ફિલ્મો બનવવાની પ્રથા છે. 1990 ના ગાળામાં અસરાની ગુજરાતી ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળતા અને એ જ સમયમાં તેમની ‘અમદાવાદનો રીક્ષાવાળો’ નામની એક ફિલ્મ આવી હતી. જોકે 1993 થી તેમને નવી હિન્દી ફિલ્મોના નવા ડિરેક્ટર પાસેથી સારુ એવું કામ મળવા લાગ્યું જેને લીધે તેઓ ગુજરાતી સિનેમા તરફ ભાગ્યે જ ધ્યાન આપી શકતા. તેમ છતાં 2025 ની જ ચોથી જુલાઈએ આવેલી ફિલ્મ ‘ડેડા’ માં તેમણે એક પાડોશી કાકાની ભૂમિકા ભજવી હતી જે તેમની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી. હિન્દી ફિલ્મોની વાત કરીયે તો પ્રાપ્ત માહિતી મુજબ તેમની બે હિન્દી ફિલ્મો શૂટ થઈ ચૂકી છે અને સંભવતઃ તે 2026 માં રિલીઝ થઈ શકે છે, જેમાંની એક તેમની અંતિમ હિન્દી ફિલ્મ બની રહેશે.
એક પેઢી અસરાનીને તેમના ફિલ્મો, ગીતો થકી યાદ રાખશે તો એક પેઢી મીમ્સ દ્વારા. તેમ છતાં એક વાત મક્કમપણે કહી શકાય કે ‘શોલે’ (1975) ના જેલરથી માંડી ‘છોટી સી બાત’ (1977) ના નાગેશ શાસ્ત્રી સુધી, કે પછી ‘વેલકમ’ (2007), ‘ધમાલ’ (2007), ‘ભૂલ ભૂલૈયા’ (2007), ‘ક્યોં કિ’ (2005) સુધીના કેરેક્ટર રોલ હોય, સ્ક્રીન પર અને સ્ક્રીન પાછળ અસરાની હંમેશા સક્રિય, સરળ અને નિખાલસ રહ્યા છે, જેમની ખોટ સિનેમાજગતને હંમેશા સાલશે.
અસરાનીની ગુજરાતી ફિલ્મો વિશેનો વિસ્તૃત વિડીયો જોવા નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો. - (Click here)
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)






.jpg)
Comments
Post a Comment