બચુની બેનપણી કરાવશે બેંગકોકની સફર
બેંગકોકની સુંદરતા અને બચુભાઈની મસ્તી ફિલ્મને મજેદાર બનાવે છે
ગુજરાતી સિનેમા જગત માટે 27 મી ઓગસ્ટ ખાસ દિવસ રહ્યો હતો કેમ કે આ દિવસે બે મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો. એકબાજુ 27 મી ઓગસ્ટે નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'વશ'નો પાર્ટ 2 રિલીઝ થયો હતો અને બીજીબાજુ સિદ્ધાર્થ રાંદેરિયાની ધમાકેદાર કોમેડી ફિલ્મ 'બચુની બેનપણી' પણ રિલીઝ થઈ હતી.
કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા ગણેશ ચતુર્થીના દિને 'બચુની બેનપણી' નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે રત્ના પાઠક શાહ, દેવર્ષી શાહ, યુક્તિ રાંદેરિયા, ગોપી દેસાઈ અને અન્ય કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે.
ગુજરાતી સિનેમા જગતની એકમાત્ર ફિલ્મ જે 2000 અઠવાડિયાથી થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે - 'ચાલ જીવી લઈએ' - કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા જ બનાવવામાં આવી હતી અને એમાં પણ સિદ્ધાર્થભાઈ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ચાલ જીવી લઈએ' માં ઉત્તરાખંડની સુંદરતાને વાર્તામાં વણી લેવામાં આવી હતી અને અહીં 'બચુની બેનપણી' માં બેંગકોકના રમણીય દ્રશ્યોને સાંકડી લેવામાં આવ્યા છે.
મોટાભાગના પોતાના દરેક નાટકમાં ગુજરાતીઓની આવડત, રમૂજ અને ચાલાક બુદ્ધિને દર્શાવતા ગુજ્જુભાઈની જેમ બચુભાઈ બાપોદ્રા પણ અસલ ગુજરાતીઓની છબી જ છે. મફતનું કશે કંઈ મળે એટલે આ બચુ એને મેળવીને જ જંપે. એવામાં એના દીકરા વિકી (દેવર્ષી શાહ) ને વિદેશ યાત્રાની મફત ટૂર મળે છે. પોતાનો પગ તૂટેલો હોવાને લીધે વિકી તો ટૂર પર જવાની ના પાડી દેય છે પણ મફતનું મળેલું પડતું મૂકે તો એ બચુભાઈ નહીં...
બચુભાઈ ગમે તેમ કરી બેંગકોક, પટાયાની આ મફત મળેલી ટૂરનો લાભ લેવા નીકળી પડે છે અને આ ટૂર દરમ્યાન જ બચુને મળે છે એની બેનપણી, એટલે કે રત્ના પાઠક શાહ. બેંગકોકની સફર શરૂ કરતા પહેલા જ આ બેનપણી બચુને શીખામણ આપી દે છે કે કોઈપણ મહિલાને બેન, મેડમ અને આંટી જરાય ન કહેતા, નહીં તો તમારી ખૈર નહીં રહે. આ શીખામણ બાદ પણ બચુ પોતાના પરિવાર અને બેનપણી સાથે બેંગકોકની મજા માણતો રહે છે. જોકે બેંગકોક ટૂર વિશે સગા સંબંધી કે સમાજનું કોઈ જાણી ન જાય એટલે આ બાપોદ્રા પરિવાર બેંગકોક જઈને થોડો વેશપલટો પણ કરી નાખે છે. એવામાં બેનપણી સાથે હસી મજાક કરતા-કરતા બચુ પહેલી જ વાર દારૂ પીએ છે અને પછી એવી ધમાલ મચાવે છે કે હસી હસીને બેવડ વળી જવાય.
ફિલ્મની વાર્તા હળવી શૈલીની છે, જેમાં સરળ પણ હાસ્યાસ્પદ સંવાદો સાથે શબ્દરમત કરાઈ છે, જેમ કે 'ટકીલા ટકલામાં ચડી ગઈ', 'બચુ, લાગે છે હવે હું નઈ બચુ...'. આ શબ્દરમતને લીધે ફિલ્મ દર્શકોને ગમશે. સંગીતની વાત કરીયે તો ફિલ્મની વાર્તાને બંધબેસતી અને યુવાઓની વાઈબ સાથે મેચ થતું સંગીત ફિલ્મમાં સામેલ કરાયું છે. ભાર્ગવ ત્રિવેદી લિખીત અને સિદ્ધાર્થ ભાવસારે સંગીતબદ્ધ કરેલા ગીત ‘હવન કરાવો’ ને અમીત ત્રિવેદીએ સ્વર આપ્યો છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com




Comments
Post a Comment