પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’
30 થી પણ વધારે ગુજરાતી કલાકારોનો શંભુમેળો છે આ પારિવારિક ફિલ્મમાં, જે હસાવશે અને રડાવશે પણ ખરા
ઢોલીવૂડમાં મોટાભાગે જે ફિલ્મો બને છે એ પારિવારિક અથવા તો સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બને છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઢોલીવૂડમાં એવી અનેક ફિલ્મો રિલીઝ થઈ છે જે પરિવારને અથવા તો પરિવાર માટે સંઘર્ષ કરતી વ્યક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. આજે પણ પરિવારના નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘સંઘવી એન્ડ સન્સ’.
વાસ્તવમાં આ ફિલ્મ કેટલાક મહિનાઓ પહેલા જ રિલીઝ થઈ જવાની હતી પણ કેટલાક કારણોસર એને મોકૂફ કરવામાં આવી અને આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ‘સંઘવી એન્ડ સન્સ’માં 30 થી પણ વધારે ગુજરાતી કલાકારોનો શંભુમેળો છે અને ફિલ્મની વાર્તાના કેન્દ્રસ્થાને પરિવારના મૂલ્ય તો છે જ પણ સાથે સાથે આજની તારીખમાં જવલ્લે જ જોવા મળતા સંયુક્ત પરિવારને, સંયુક્ત પરિવારની તાકાતને ઘણી સાહજિક રીતે દર્શાવવામાં આવ્યા છે.
ફિલ્મની વાર્તા ઘણી જ સરળ અને મનમાં ઉતરી જાય એવી છે. પિતાએ દાણા પીસી પીસીને જે તેલ નીકળે એનો ધંધો કરીને પોતાની એક ઓળખ બનાવી છે, એક બ્રાન્ડ બનાવી છે. ઘરનો દીકરો આદિત્ય અમેરિકા ભાણવા ગયો છે પણ એ ત્રણ વર્ષથી પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા સાથે લિવઇન રિલેશનશિપમાં રહે છે એ વાત તેના ભાઈ-ભાભી અસ્મિત અને કોમલ સિવાય કોઈને ખબર નથી. પિતાના બિઝનેસને અસ્મિત જ અહીં સંભાળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવારમાં પોતાની બહેનોને સરપ્રાઈઝ આપવા આદિત્ય અમેરિકાથી પાછો આવે છે ત્યારે તેના પિતા તેને પોતાના બિઝનેસનો વારસો સંભાળવાનું કહે છે અને પોતાના એક જૂના મિત્રની દીકરી સાથે તેના લગ્ન પણ નક્કી કરી નાખે છે.
આદિત્ય સાથે ઓચિંતાની બની રહેલી આ ઘટનાઓથી તે થોડો મૂંઝાય તો છે પણ પોતાના ભાઈ ભાભીની મદદથી એ આ તમામ ગળમથલમાંથી બહાર પણ નીકળી જાય છે અને સમય જતા તેનો પરિવાર રાધિકાને પોતાના ઘરની વહુ તરીકે સ્વીકારી લે છે. પણ બિઝનેસ સંભાળવાની વાતમાં કશુંક અલગ જ થાય છે. આદિત્યને અમેરિકામાં પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો છે અને અહીં તેનો ભાઈ અસ્મિત, આદિત્ય માટે એક નવા જ પ્રોજેક્ટની પ્લાનિંગ કરી રહ્યો છે. હવે આ સરપ્રાઈઝમાં ઓડિયન્સને એક એવા ટ્વિસ્ટ સાથે સરપ્રાઈઝ મળશે જે સેકન્ડ હાફમાં તેમની આંખો ભીની કરી દેશે.
ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ માં પિતાનો માન-મર્તબો અને ઠાઠ છે, તો બીજી બાજુ ભાઈઓ વચ્ચેનો અથાગ પ્રેમ છે. ફુઆ-માસાની ફૈબા અને માસી સાથે મોટી ઉમરે સ્વાસ્થ અને મીઠાઇ અંગે થતી મશ્કરી છે, તો વળી પોતાની મરજીથી ઘરજમાઈ બનીને પણ સન્માનભેર રહેતા જમાઈની કોમિક ટાઇમિંગ સાથેની મસ્તી ભરેલી વાતો છે. હા, ક્યાંક બીજી દીકરી અને જમાઈ વચ્ચેના એક પતિ-પત્ની તરીકેના મતભેદો પણ છે અને કપરા સમયમાં ખાસ દોસ્ત અને વેવાઈનું પીઠબળ પણ છે.
ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ પહેલા હાફમાં નાના નાના પારિવારિક ટુચકાઓ અને હસી મજાક સાથે ઓડિયન્સને હસાવશે અને મજા કરાવશે. ઇન્ટરવલ પછીનો સેકન્ડ હાફ થોડોક ધીમો અને ખેંચાતો હોય એવું લાગે છે. પણ હા સેકન્ડ હાફમાં જે ટ્વિસ્ટ બતાવવામાં આવ્યો છે એમાં ફિલ્મ મેકરે ઘણી નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે જેની અવગણના ન જ કરી શકાય. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ સારી છે અને ઘણા વખત પછી આ ફિલ્મ થકી ગુજરાતી દર્શકોને રક્ષાબંધનને લગતું એક સરસ મજાનું ગીત પણ મળી રહેશે અને તેની સાથે સાથે લગ્ન ગીત અને ફટાણાની ઝલક પણ ફિલ્મમાં જોવા મળી જશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment