આજે થશે ‘વ્હાલી’ અને ‘ચાતર’ વચ્ચે ક્લેશ

બંને ફિલ્મો ઓફબીટ છે માટે હવે દર્શકો કઈ ફિલ્મને વધારે સ્વીકારે છે એ જોવું રસપ્રદ રહેશે



હજુ ગયા અઠવાડિયે એક પિતા બનવા જે રહેલી વ્યક્તિની વાત કરતી ફિલ્મ ‘ડેડા’ રિલીઝ થઈ હતી અને આજે બે ગુજરાતી ફિલ્મો વચ્ચે ફ્લેશ થવા જઈ રહ્યો છે. એક ફિલ્મ છે જેમાં પિતા અને પુત્રીના અનોખા સંબંધની વાત કરવામાં આવી છે અને એ ફિલ્મ છે ‘વ્હાલી’. બીજી બાજુ આજે બાળકોની એક ફિલ્મ રજૂ કરવામાં આવી છે જેઓ પોતાની બાલ્યાવસ્થામાં જ પોતાના ગામડામાં દારૂબંદી અંગે ઝુંબેશ ચલાવવાનું નક્કી કરે છે. આ ફિલ્મનું નામ છે ‘ચાતર’. ઢોલીવુડમાં આજે ‘વ્હાલી’ અને ‘ચાતર’ વચ્ચે ક્લેશ થવા જઈ રહ્યો છે.

 

સૌથી પહેલા વાત કરીએ ‘વ્હાલી’ ની તો આ ફિલ્મ ઇવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેનમેન્ટ દ્વારા બનાવવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. ‘જલસો’ ફિલ્મથી ઢોલીવુડમાં ડેબ્યૂ કરનાર ભાવિન ભાનુશાલીની આ બીજી ફિલ્મ છે જેમાં તેની સામે માઝલ વ્યાસ અભિનય કરતી જોવા મળશે. આ બંને યુવા કલાકારો ઉપરાંત ફિલ્મમાં સચિન પરીખ, અર્પિતા શેઠીયા, ભૂમિ શુક્લા, વિશાલ સોલંકી, ગાયત્રી રાવલ, વિધિ ચિતલીયા, કૃણાલ પંડિત, શેફાલી મહીડા, જય ભટ્ટ અને નિલેશ પંડ્યા જેવા કલાકારો અભિનય કરતાં જોવા મળશે. 

ફિલ્મના નામ ‘વ્હાલી’ પરથી જ ખબર પડે છે કે આ ફિલ્મમાં પિતા અને પુત્રીના લાગણીભર્યા સંબંધોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. યુવાવસ્થામાં પહોંચેલી એક પુત્રી જ્યારે રૂઢિવાદી પરિવારમાં ઉછરે છે ત્યારે તેના પર અનેક નીતિ નિયમો લગાવવામાં આવે છે અને એ નીતિ નિયમો સામે ગુંગડામણ અનુભવવાથી તે ખુલ્લા આકાશમાં પોતાની મરજી મુજબ ઉડવાની ઘેલછા રાખવા માંડે છે. આ ઘલછામાં તે ક્યારેક કોઈ ખોટા પગલા ન લઈ લે એ જોવાની જવાબદારી તેના માતા-પિતાની જ હોય છે. જોકે આ ફિલ્મમાં તે એક એવા યુવાના પ્રેમમાં પડે છે જેના ઈતિહાસને કે તેના બેગ્રાઉન્ડને તે જાણતી પણ નથી હોતી. 

આ યુવતીનો પ્રેમ તેને ખરેખર કપરા સમયમાં સપોર્ટ કરશે કે નહીં, પરિવારની રૂઢિવાદી નીતિઓ શું તેના સપનાઓને નાબૂદ કરી દેશે કે કેમ, આવા અનેક પ્રશ્નોને આ ફિલ્મ થકી વણી લેવામાં આવ્યા છે.  ફિલ્મના ગીતો પાર્થ ઠક્કર દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત આ ફિલ્મમાં ‘પૈસો રે’ નામનું એક થીમ સોન્ગ દર્શાવવામાં આવ્યું છે જેમાં આદિત્ય ગઢવીએ સ્વર આપ્યો છે. ફિલ્મમાં દ્વારકાધીશને સમર્પિત એક સરસ મજાનું ભજન પણ છે અને પિતા અને પુત્રીના સંબંધને દર્શાવતું વ્હાલભર્યું ગીત પણ છે. દિલીપ રાવલ અને ચિરાગ ત્રિપાઠીએ આ ફિલ્મના ગીતો લખ્યા છે. 

હવે વાત કરીએ ફિલ્મ ‘ચાતર’ ની તો આ ફિલ્મ, ફિલ્મી ઠાઠ અને ગ્લેમરસથી અલગ પડતી ફિલ્મ છે જેમાં ગામડાને સુધારવા માટે છોકરાઓ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશની વાત કરવામાં આવી છે. ‘ચાતર’ ફિલ્મમાં કૌશંબી ભટ્ટ, મૌલિક નાયક અને હિરણ્ય ઝિંઝુવાડીયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે પણ આ ત્રણ કલાકારો ઉપરાંત ફિલ્મમાં 13 વર્ષના ચાર બાળકોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેમની આસપાસ વાર્તા વણી લેવામાં આવી છે. ઢોલીવુડમાં ‘ઢ’ અને ‘મૃગતૃષ્ણા’ બાદ બાળકોને કેન્દ્રસ્થાને રાખીને કોઈ ફિલ્મ આવી રહી છે. ‘ઢ’ અને ‘મૃગતૃષ્ણા’ માં પણ બાળકોની કાલ્પનિક દુનિયા અને નદીની પેલે પારની દુનિયા જોવાની ઘેલછાને દર્શાવવામાં આવી હતી.

ફિલ્મ ‘ચાતર’ માં પોતાના ભણતર અને પોતાના ગામડાની સારી છાપ ઉપજે, પોતાના ગામડામાંનો સુધાર થઈ શકે એ અંગેની મથામણ બાળકોના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવી છે. ફિલ્મનું દિગ્દર્શન અને લખાણ વિનોદ પરમારે કર્યું છે. ફિલ્મ ‘ચાતર’ ની સૌથી અલગ વાત એ છે કે એ કાઠિયાવાડી લઢણ સાથે થિયેટર્સમાં આવી રહી છે જેમાં ‘મૂંગા જવાબો’ અને ‘જાહોજલાલી’ નામક બે ગીતો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાશી રાઘવ’ ના સંગીતકાર વત્સલ ગોસ્વામી અને કવન ભટ્ટે ફિલ્મ ‘ચાતર’ માં સંગીત આપ્યું છે. 

ગુજરાતી દર્શકો માટે મહત્વની વાત એ છે કે જે બે ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે એ બંને થોડી ઓફબીટ ફિલ્મ કહી શકાય એવી ફિલ્મો છે. જોવા જઈએ તો બંને ફિલ્મના કેન્દ્રબિંદુમાં સુધારા અને પોત- પોતાની મનગમતી વ્યક્તિ કે મનગમતા પરિસરને બચાવવાની અને તેને સુરક્ષિત રાખવાની વાત કરવામાં આવી છે અને દર્શકોને આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મ વધારે આકર્ષે છે એ જો રસપ્રદ રહેશે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં