પરિવારની રક્ષા કરવા હંમેશા અડગ રહે છે ‘ડેડા’

માની મમતા પર ઘણી ફિલ્મો બની છે પણ એક પિતાના સંઘર્ષ અને તેની માનકિસ મથામણ પર વાત કરતી ઘણી ઓછી ફિલ્મો બને છે



ફિલ્મ જગતમાં મોટાભાગે એક મા અને એના સંઘર્ષને લઈને ઘણી બધી વાર્તાઓ બની છે પણ એક પિતાના સંઘર્ષની અને એના દ્રષ્ટિકોણને રજૂ કરતી ઘણી ઓછી ફિલ્મો આપણને જોવા મળે છે. હજુ ગયા અઠવાડિયે જ ઢોલીવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જલેબી રૉક્સ’ એ મહિલાઓના મનની અને તકલીફની વાત મોટા પડદે રજૂ કરી હતી અને આજે આપણા જ ઢોલીવૂડમાં એક પિતા બનવા જઈ રહેલી વ્યક્તિની વાત અને એના સંઘર્ષને રજૂ કરતી ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘ડેડા’. 

પહેલા તો ‘ડેડા’ શીર્ષક સાંભળવામાં થોડું અલગ લાગે પણ એની પાછળનો ભાવાર્થ જોઈએ તો ખબર પડે કે બાળક જ્યારે જન્મે છે, ત્યારે તે તેના પિતાને પોતાની કાલીઘેલી ભાષામાં ડેડા કરીને જ બોલાવતું હોય છે અને આ ફિલ્મમાં પણ બાળકના જન્મ વખતે એક પિતાની જે માનસિકતા હોય છે, તેના મનની જે મૂંઝવણ હોય છે એ દર્શાવવામાં આવી છે. 

 

ફિલ્મ ‘ડેડા’ બ્રિજરાજ એન્ટરટેઇનમેન્ટ અને ટીએન એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે જેમાં ગૌરવ પાસવાલા અખિલ પરીખ નામના પાત્રની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘સરપ્રાઇઝ’ દ્વારા ઢોલીવૂડમાં એન્ટ્રી કરનારી ડેઇલી સોપની નામાંકિત અભિનેત્રી હેલી શાહ ખુશી પાઠકના પાત્રમાં જોવા મળશે. અખિલ અને ખુશીના દાંપત્યજીવનમાં જ્યારે એક બાળક આવવાનું હોય છે ત્યારે એવા સમયમાં ખુશીની ડિલિવરી વખતે કેટલીક તકલીફો આવે છે અને એ તકલીફોને દૂર કરવા માટે એક થનાર પિતા કઈ રીતે પોતાની પત્ની અને આવનારી સંતાનને રક્ષણ પૂરું પાડે છે એ આ ફિલ્મનું કેન્દ્રબિંદુ છે.

ગૌરવ અને હેલી ઉપરાંત ફિલ્મમાં સોનાલી લેલે દેસાઈ, મેહુલ બુચ, હિતેન તેજવાની, સંજય ગલસાર, ચેતન દૈયા, વૈશાખ રાઠોડ, કોમલ પંચાલ, હેતલ પુનીવાલા અને ખાસ કરીને કિશોર કુમારના સ્વરમાં ગવાયેલા ફેમસ ગીત ‘હું અમદાવાદનો રિક્ષાવાળો’ જેની ઓળખાણ બની ગઈ હતી એવા ઢોલીવૂડ તથા બોલીવૂડના નામાંકિત વરિષ્ઠ અભિનેતા અસરાની એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે. વળી, સોનાલી લેલે દેસાઈ પહેલીવાર આ ફિલ્મ દ્વારા નેગેટિવ કેરેક્ટરમાં જોવા મળશે, જેમાં તેમને સાથ આપી રહ્યા છે રંગભૂમિ અને સિનેમા જગતના વરિષ્ઠ અભિનેતા મેહુલ બુચ.

 


ફિલ્મની મુખ્ય વાર્તાની વાત કરીએ તો અખિલ એક એવી વ્યક્તિ છે જેને લખાણનો ઘણો શોખ છે, પણ પૈસા કમાવવા એ કોર્પોરેટમાં ઢસરડો કરતો રહે છે. એક લેખક તરીકે તે પોતાની કારકિર્દી બનાવવાના સપના સેવે છે પણ એ દિશામાં કેટલાક વ્યક્તિગત કારણોથી તે આગળ નથી વધી શકતો. એ દિશામાં આગળ વધવામાં તેને તેની પ્રેયસી ખુશી સપોર્ટ કરે છે અને આ સપોર્ટના આધારે જ અખિલ એક લેખક તરીકેની પોતાની કારકિર્દી શરૂ કરે છે અને પોતાના નવો પરિવાર પણ માંડે છે. એક બાજુ કરિયરમાં સફળતા મળી રહી છે અને બીજી બાજુ પરિવારની ખુશાલી વધી રહી છે. એવામાં તેની પુસ્તક પર કોપીરાઇટનો ક્લેમ આવે છે અને તેની કારકિર્દી પર પ્રશ્નચિન્હ આવીને ઉભો રહી જાય છે. એકબાજુ આ કોપીરાઇટના ક્લેમની માથમણ છે તો બીજી બાજુ બાળકની ડિલિવરી થવાની છે. આ બધી તકલીફ અને ચિંતાની વચ્ચે એક થનાર પિતા, એક પુરૂષ કેવી રીતે માર્ગ શોધી કાઢે છે અને પોતાના પરિવારની સુરક્ષા માટે કઈ હદ સુધી જઈ શકે છે એ વાત ફિલ્મમાં સહજતાથી કહેવામાં આવી છે. 

જે પ્રમાણે બોલિવૂડમાં પોલીસ અધિકારી અથવા તો પોલીસ કમિશનર તરીકે અભિનેતા ઇફ્તેખારે પોતાની ઓળખ બનાવી હતી એ જ પ્રમાણે ગુજરાતી ફિલ્મોમાં ચેતન દૈયાએ પોલીસ અધિકારીના પાત્રમાં પોતાની એક ઓળખ બનાવી છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં ચેતન દૈયાની એક સ્ટ્રોંગ એન્ટ્રી બતાવવામાં આવી છે જે છેલ્લે તમારું મન એવું તે જીતી જશે કે દર્શકોને મનમાં એ નાનકડું પાત્ર પણ ઘર કરી જશે એની ગેરંટી છે.

‘ડેડા’ નું ડિરેક્શન હેમા શુક્લાએ કર્યું છે જેમની ડિરેક્ટર તરીકેની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા, તેનો સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ પણ હેમાએ જ લખ્યા છે. ફિલ્મના ગીતોની વાત કરીએ તો એ પરિસ્થિતિને અનુકૂળ અને પાત્રની લાગણીઓને વ્યક્ત કરતા સચોટપણે દર્શાવવામાં આવ્યા છે. આ ગીતો ભાર્ગવ પુરોહિત અને દિલીપ રાવલે લખ્યા છે અને સંગીતકાર તરીકે પ્રશાંત સતોષેએ યોગદાન આપ્યું છે. એક પિતા પોતાના બાળકને વ્હાલ કરતો હોય એ માટે ‘પાપા’ સોંગ બનાવવામાં આવ્યું છે જ્યારે એ જ પિતા જિંદગી સામે સંઘર્ષ પડતો હોય ત્યારે ‘ઝિંદગી’ પર એક સોંગ બનાવવામાં આવ્યું છે. તો વળી સતત ચાલતો રહેવા માટે મોટીવેટ ફરતું સોંગ ‘તું ચલ દુનિયાથી લડવા ને’ ફિલ્મને રોચક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.  

પોતાના પરિવાર માટે એક પિતાના શારીરિક સંઘર્ષ કરતા માનસિક સંઘર્ષ કેવો ખતરનાક હોઈ શકે છે એ વાતને ફિલ્મ ‘ડેડા’ માં ઘણા સાહજીકપણે દર્શાવવામાં આવી છે અને આ ફિલ્મ દર્શકોને કેટલી પસંદ પડે છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.


મુંબઈ પ્રિમીયર ખાતે ટીમ 'ડેડા'


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 





Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’