ગુજરાતી વેબ સિરીઝની દુનિયા ધીમે ધીમે ઉછરી રહી છે પણ શું દર્શકોને એનો અંદાજો છે ખરો?
ગુજરાતી માણસને જ્યારે ગુજરાતી સિનેમા જગતની કોઈપણ વાત પૂછવામાં આવે ત્યારે તેને માત્ર ગુજરાતી ફિલ્મો અથવા તો રંગમંચ પર ભજવાતા ગુજરાતી નાટકો જ ખબર હોય છે. એવામાં બદલાતા સમય સાથે ગુજરાતી વેબ સિરીઝોએ પણ ગુજરાતી પ્રજાને જાણે એક નવું નજરાણું પીરસ્યું છે. જોકે આજની મોટાભાગની પ્રજા ગુજરાતી વિશે ઘણું ઓછું જાણે છે અને નવી પેઢી હિન્દી કે કોરિયન ડ્રામા અને વેબ સિરીઝોમાંથી ઊંચી નથી આવતી. એવામાં આજે જાણીએ પાંચ જોવા જેવી ગુજરાતી વેબ સિરીઝ વિશે જે દરેક ગુજરાતીએ ક્યારેક તો જોવી જ જોઈએ.

‘બસ ચા સુધી’. આ વેબ સિરીઝનું શીર્ષક આજે તેની ઓળખ બની ગઈ છે કારણ કે આસ્થા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ વેબ સિરીઝના અત્યાર સુધી કુલ ત્રણ ભાગ આવી ચૂક્યા છે. જેમાં આર.જે. રુહાન, ભૂમિકા બ્રહ્મભટ્ટ, જીનલ બેલાણી, મોનલ ગજ્જર, ગૌરવ પાસવાલા, અલિશા પ્રજાપતિ, ભૂમિકા બારોટ અને આર.જે. હર્ષિલે વિવિધ સિઝનમાં અભિનય કર્યો છે. આ વેબ સિરીઝની ખાસિયત એ છે કે તેની દરેક વાર્તામાં ચા સાથે વાત કરવામાં આવે છે અને એમાંથી જ ઝઘડો, પ્રેમ અને મિત્રતા પર વાતને લઈ જવામાં આવે છે. અંદાજે 20 એપિસોડની આ વેબ સિરીઝ દરેક જોનારાઓને પસંદ પડી છે અને આ વેબ સિરીઝના ઘણા દ્રશ્યો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળી જતા હોય છે.

મલ્હાર ઠાકર અને માનસી પારેખને આપણે ગુજરાતી રૂપેરી પડદે એક સાથે ‘ગોળ કેરી’ નામની ફિલ્મમાં જોયા હતા પણ એ વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે આ બંને કલાકારોએ સાથે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ નામની વેબ સિરીઝ પણ કરી છે. આ સિરીઝમાં મલ્હાર એક આળસુ પણ મનમોજીલો પતિ બતાવવામાં આવ્યો છે જ્યારે માનસી એક પ્રોએક્ટિવ અને નિયમિતપણે કસરત કરતી અને ઘરપરિવાર સાચવતી ગૃહિણી તરીકે બતાવવામાં આવી છે. વાસ્તવમાં ‘ડુ નોટ ડિસ્ટર્બ’ માં લગ્ન પછી પતિ પત્ની વચ્ચે થતી નાની મોટી વાતોને હાસ્ય સાથે વણી લેવામાં આવી છે જે મનોરંજનથી ભરપૂર છે. આ વેબ સિરીઝના કુલ બે ભાગ અત્યાર સુધી રિલીઝ કરવામાં આવ્યા છે.
.jpg)
દોસ્તી, મિત્રતા પર બીજી એક ધમાકેદાર વેબ સિરીઝ જોવી હોય તો એનું શીર્ષક છે ‘ફ્રેન્ડઝોન’. આ વેબ સિરીઝમાં યશ સોની, મયુર ચૌહાણ, શ્રદ્ધા ડાંગર, રાહુલ રાવલ અને સંજય ગલસાર જેવા કલાકારોએ અભિનય કર્યો છે. રોનક કામદાર પણ આ વેબ સિરીઝના શરૂઆતના ભાગમાં જોવા મળે છે. આ આખી વેબ સિરીઝમાં મયુર ચૌહાણનું પાત્ર કેન્દ્રસ્થાને છે. હેનિલ ગાંધી અને અર્ચના દેસાઈએ લખેલી આ વેબ સિરીઝમાં મયુર ચૌહાણનું પાત્ર એક એવા ડોક્ટરનું જે પ્રેમમાં પડેલા લોકોને માર્ગદર્શન આપે છે. વાસ્તવમાં પ્રેમ એક એવી અભિવ્યક્તિ છે જેની શરૂઆત મિત્રતાથી થાય છે અને એવામાં વ્યક્તિ સમજી નથી શકતી કે જે આકર્ષણ તેને સામેવાળી વ્યક્તિ પ્રત્યે છે, એ મિત્રતાના ભાવે છે કે પ્રેમભાવે.. આ બે ભાવો વચ્ચેના ગળમથલમાં જે રમૂજ ઉત્પન્ન થાય છે એ આ વેબ સિરીઝમાં જોવા જેવી છે.

કોર્ટ રૂમ ડ્રામા અને ફિલ્મો આપણે અનેક જોયા હશે પણ માત્ર બે વ્યક્તિઓ પર બનેલી ગુજરાતી વેબ સિરીઝ બનાવવાનું સાહસ ભાગ્યે જ કોઈ કરી શકે, ખાસ કરીને મા-દીકરીના સંબંધને લઈને. આ મા અને દીકરીના સંબંધ અને તેમની વાતચીતોને ખૂબ જ સરળ પણ અસરકારકપણે ‘કડક મીઠ્ઠી’ નામની વેબ સિરીઝમાં દર્શાવવામાં આવી છે. દરેક સંબંધમાં ક્યારેક કડક વલણ અપનાવવું પડે છે તો ક્યારેક મીઠાશથી કામ કરવું અને કરાવવું પડે છે. મા દીકરીની વાસ્તવિક જોડી એટલે કે આરતી પટેલ તથા આરોહી પટેલને લઈને બનાવવામાં આવેલી આ વેબ સિરીઝ ઓછા શબ્દોમાં ઘણું બધું શીખવી જાય છે.

વળી એવું નથી કે ક્રાઈમ થ્રીલર અથવા સસ્પેન્સ વેબ સિરીઝ માત્ર વિદેશીઓમાં જ બને છે. ગુજરાતી વેબ સિરીઝ ક્ષેત્રમાં એક એવી સસ્પેન્સ થ્રીલર વેબ સિરીઝ બની છે જે ગુજરાતી સિનેમા જગતનો દ્રષ્ટિકોણ બદલવાની ક્ષમતા ધરાવે છે. જોકે મોટાભાગે એવી ધારણા રાખવામાં આવે છે કે ગુજરાતી પ્રજાને કોમેડી કોન્ટેન્ટ વધારે પસંદ છે પણ જો આ ધારણાને બાજુમાં મૂકીએ તો ‘મત્સ્યવેધ’ નામની વેબ સિરીઝ અચૂક જોવા જેવી છે. આર.જે. દેવકી અને માનવ ગોહિલને કેન્દ્રસ્થાને રાખીને આ વેબ સિરીઝ બનાવવામાં આવી છે જે એક કોર્ટ રૂમ ડ્રામાના પ્રારૂપમાં જ તૈયાર કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે માછલીની આંખ વીંધવામાં અર્જુન કેટલો નિપુણ હતો. એ જ પ્રમાણે અહીં એક ડૉક્ટર છે અને એક દર્દી છે પણ વાસ્તવમાં આ ડૉક્ટર અને દર્દીમાં કોણ, કોનો, કયા મુદ્દે ‘મત્સ્યવેધ’ કરશે એ છેલ્લા એપિસોડ સુધી જોવું રોચક બની રહે છે.
આ તમામે તમામ વેબ સિરીઝ અલગ અલગ પ્રકારની છે અને ગુજરાતી દર્શકો સમક્ષ પીરસવામાં આવી છે, પણ તકલીફ એ વાતની છે કે આ વેબ સિરીઝોને ફિલ્મો જેટલો પ્રતિસાદ નથી મળતો અથવા તો જોઈએ એટલી માત્રામાં તેમનું પ્રમોશન કરવામાં નથી આવતું. જો ગુજરાતી જનતાને ગુજરાતી વેબ સિરીઝ જોતી કરવી હોય તો નિર્માતાઓ તથા જે તે ઓટીટીના નિર્ણયકર્તાઓએ કોઈક નક્કર પગલા ચોક્કસથી લેવા પડશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
Comments
Post a Comment