ટોમ એન્ડ જેરી જેવા પિતા-પુત્રના સંબંધને દર્શાવશે ઓલ ધ બેસ્ટ પંડ્યા
આ વર્ષની મલ્હાર ઠાકની પહેલી ફિલ્મ દર્શકોને આકર્ષે એવી છે તો ખરી
કેટલાક સમય પહેલા જ પિતા અને પુત્રીના સંબંધને દર્શાવતી ફિલ્મ ‘પર્વત’ રિલીઝ થઈ હતી અને હવે આજે પિતા અને પુત્રના ખાટા મીઠા સંબંધને દર્શાવતી ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ રિલીઝ થઈ છે જેમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક અને યુક્તિ રાંદેરીયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ સિવાય અર્ચન ત્રિવેદી, ફિરોઝ ઈરાની, નિસર્ગ ત્રિવેદી, કર્તવ્ય શાહ, પ્રેમ ગઢવી અને શિવાની ભટ્ટ જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.
‘વિકિડાનો વરઘોડો’ અને ‘લગ્ન સ્પેશિયલ’ જેવી મલ્હાર ઠાકરની સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર રાહુલ ભોલે અને વિનીત કનોજીયાની જોડી ફરી એકવાર મલ્હાર ઠાકરને કેન્દ્રસ્થાને રાખીને ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ ફિલ્મ લઈને આવી છે. આ ફિલ્મનો અનોખો કોન્સેપ્ટ અંકિત બ્રહ્મભટ્ટનો છે જેના થકી દર્શકોને પહેલીવાર મલ્હાર ઠાકર વકીલના રોલમાં જોવા મળશે. પ્રશાંત પટોસેના સંગીત નિર્દેશનમાં બનેલા ગીતો ફિલ્મમાં એક હળવું મનોરંજન ઉમેરે છે. ખાસ કરીને પિતા પુત્રના ખાટા મીઠા સંબંધોને દર્શાવતું ગીત ટોમ એન્ડ જેરી કૉમેડી ટચ આપે છે.
કલાકારોની વાત કરીયે તો આ પહેલા મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા ફિલ્મ ‘વેનીલા આઇસક્રીમ’ માં એકસાથે જોવા મળ્યા હતા. જ્યારે મલ્હાર અને વંદના પાઠક આ પહેલા ‘વેનીલા આઇસક્રીમ’ અને ‘ગોળ કેરી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જ્યાં સુધી મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલાની જોડીની વાત છે તો આ જોડી બીજીવાર એક સાથે મોટા પળદે જોવા મળી રહી છે. આ પહેલા આ બંને દિગ્ગજ કલાકારો ‘ઓમ મંગલમ સિંગલમ’માં સસરા અને જમાઈના પાત્રમાં અભિનય કરતા જોવા મળ્યા હતા જ્યારે ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ ફિલ્મમાં તેઓ પિતા પુત્રના પાત્રમાં જોવા મળશે અને ફિલ્મની વાર્તા પણ આ બંને મુખ્ય કિરદારોને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે. સામાપક્ષે વંદના પાઠકની આ વર્ષની આ બીજી ફિલ્મ છે. વર્ષની શરૂઆતમાં તેમની સુપરહિટ મહિલાપ્રધાન ફિલ્મ ‘ઉંબરો’ રિલીઝ થઈ હતી જેણે આ વર્ષની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી વધારે કમાણીનો આંકડો નોંધાવ્યો હતો. વંદના પાઠકની ત્રીજી ફિલ્મ ‘જલેબી રોક્સ’ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે.
વળી એકબીજાથી છેટા અને વિરુદ્ધ દિશામાં ચાલતા પિતા પુત્રને એકસાથે લાવવા માટે ઘરની ગૃહિણી જ ઘર છોડીને જતી રહે છે જેથી કરીને પિતા પુત્ર વચ્ચે થોડી ઘણી વાતચીત અને થોડી ઘણી લાગણી જન્મી શકે. પિતા પુત્રના સંબંધોમાં નાની નાની વાતો કેટલી મહત્વની હોય છે એ વાત ટ્રેલરમાં દર્શાવેલા કેટલાક દ્રશ્યો પરથી પણ સમજી શકાય એમ છે. એક પિતા સામાન્યપણે બસ દ્વારા ઘરથી ઓફિસની અવરજવર કરતો હોય છે અને જ્યારે એક દિવસ ઓચિંતો છોકરો એના પિતાને બાઈક પર ઓફિસ મૂકી આવે છે ત્યારે ઓફિસ પહોંચીને એ પતિ તરત જ પોતાની પત્નીને ફોન કરીને કહે છે કે એનો છોકરો ઘણી ખરાબ રીતે બાઈક ચલાવે છે. આ વાત સાંભળીને કે ગૃહિણીને નવાઈ લાગે છે કે પહેલીવાર એ પિતા પોતાના સગા દીકરા સાથે બાઈક પર બેઠા અને એટલે એ મંદિરમાં બેઠેલી હોવાને લીધે આ ઘટના ઘડવા માટે ભગવાનને થાળ ધરે છે. આવી અનેક નાની-નાની પણ ખૂબ જ હ્રદયસ્પર્શી વાતોને ફિલ્મમાં ઘણી સારી રીતે વાણી લેવામાં આવી છે જે માટે રાહુલ ભોલે અને વિનીત કનોજીયાની ડિરેક્ટર બેલડી જાણીતી છે. હળવી શૈલીના વિષયોમાં કઈ રીતે કંઈક ખાસ વળાંક દર્શાવી દર્શકોને જકડી રાખવા એ આ ડિરેક્ટર બેલડીને ઘણી સારી રીતે આવડે છે પણ ખરેખર દર્શક હવે આ ફિલ્મને કેટલી વધાવે છે એ આવનારા સમયમાં ખબર પડશે કારણ ફિલ્મમાં સંગીત તો કર્ણપ્રિય છે જ છે અને તેની સાથે ફિલ્મની વાર્તા અને સિનેમેટોગ્રાફી પણ અસરકારક પૂરવાર થઈ છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment