હોરર કોમેડી ફિલ્મ 'ફાટી ને?' લોકોને ડરાવશે કે હસાવશે?
ઓસ્ટ્રેલિયામાં શૂટ કરાયેલી આ ફિલ્મને ગુજરાતીઓ કેટલી આવકારશે એ જોવા જેવું રહેશે
ગયા વર્ષે રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ ‘ઝમકૂડી’ એ વર્ષનું સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન કરનારી ફિલ્મ બની હતી અને આજે હવે વર્ષ 2025ના પહેલા જ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતી જનતાને વધુ એક હોરર કોમેડી ફિલ્મ ‘ફાટી ને?’ માણવા મળશે.
ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘ફાટી ને?’ આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે, જેમાં હિતુ કનોડિયા પરમ લાલ અને કિશોર કાકા ફેમ કોમેડિયન અને રેડિયો જોકે સ્મિત પંડ્યા પદમ લાલના મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ બે કલાકારો ઉપરાંત ફિલ્મમાં હેમીન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા, કૌશામ્બી ભટ્ટ, મોનાથીબા કનોડિયા અને અન્ય વિદેશી કલાકારો અભિનય કરતા જોવા મળશે. ફિલ્મની વાર્તા ફૈઝલ હાશ્મી અને ફેનિલ દવે દ્વારા તૈયાર કરવામાં આવી છે જ્યારે સોહન નાયક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.
ફિલ્મ ‘ફાટી ને?’ આ પહેલા એપ્રિલ 2023માં રિલીઝ થવાની હતી પણ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવી હતી. જોકે ફિલ્મની રિલીઝ પહેલા અનેક પોસ્ટર્સ રિલીઝ કરી હળવી શૈલીમાં પ્રમોશન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ આ ફિલ્મમાં મોશન કેપ્ચર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પહેલા ક્યારેય કરવામાં આવ્યો નથી. વળી, ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે અને એમાં વીએફએક્સ તથા લેટેસ્ટ ટેક્નોલોજીનો પણ સારો એવો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જેને લીધે ફિલ્મમાં વાસ્તવિક દેખાતી ઇફેકટ્સ આપી શકાય. સારી વાત એ છે કે ટ્રેલરમાં જોવા મળી રહ્યા પ્રમાણે વીએફએક્સ અને અન્ય ટેક્નોલોજીનો માપસર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.
ફિલ્મની વાર્તા ઓસ્ટ્રેલિયન પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા બે નબળા પોલીસ અધિકારીઓ પર આધારિત છે જેમને તેમની નિષ્ફળતાને લીધે મેલબર્ન મેન્શન નામના ભૂત બંગલામાં એક રાતવાસો કરવાની સજા આપવામાં આવે છે અને એ એક રાતવાસો કરી તેમણે સાબિત કરી બતાવવાનું છે કે એ મેલબર્ન મેન્શનમાં કોઈ ભૂત રહેતું નથી. એ મેન્શનમાં એક રાતવાસો કરવા જવામાં આ બંને ગુજરાતીઓની પોલીસ અધિકારી હોવા છતાં કેવી હાલત થાય છે, તેમણે પોતાને ભૂત હોવાના ડરથી બચવા કેવા કેવા ગતકડા કરવા પડે છે અને એમાંથી કેવી રમૂજ સર્જાય છે, એના પર આ ફિલ્મ ‘ફાટી ને?’ આધારિત છે. ફિલ્મના ટ્રેલરમાં ચેતન દૈયાનો મેલી વિદ્યા કરતો એક સીન પણ જોવા મળે છે જેના લીધે ફિલ્મ મેલી વિદ્યા પર આધારિત હોવાની શક્યતા વર્તાઈ શકે છે.
કોમેડીયન સ્મિત પંડ્યાની કોમિક ટાઇમિંગ સહિત અને હિતુ કનોડિયાના પાત્રનું લોજીકલ દિમાગ આ ફિલ્મને આગળ વધારવામાં પાયાની ભૂમિકા ભજવશે. સૌથી નોંધનીય વાત છે હેમીન ત્રિવેદીનો લુક, જેના સોશ્યલ મિડીયામાં વખાણ પણ સાંભળવા મળ્યા હતા. હેમીન ત્રિવેદી ફિલ્મમાં બાબા ભૂતમારી નામનું પાત્ર ભજવી રહ્યા છે, જે ભૂતબાધાથી પરમલાલ અને પદમલાલની રક્ષા કરશે. આ પાત્રના લાંબા ખુલ્લા વાળ છે અને તેની આંખો સૌથી વધારે આકર્ષણ જન્માવે એવી છે. હેમીન ત્રિવેદીના આ પાત્ર માટે ખાસ પ્રોસ્ટેથિક મેકઅપ કરવામાં આવ્યો હતો જેને લીધે તેમને શૂટ વખતે કશું દેખાતું નહોતું અને માત્ર શૂટ વખતે મળતી ઇન્સ્ટ્રક્શનને આધારે તેમણે આખી ફિલ્મનું શૂટિંગ પાર પાડ્યું હતું. ફિલ્મનું ગીત ‘આઘો ખસ’ ઉમેશ બારોટે ગાયું છે જેમાં સોહમ નાયકનું સંગીત છે. આ ઉપરાંત ફિલ્મનું બીજુ ગીત ‘ગુજરાતી વાઘ’ રિલીઝ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 16 મી જાન્યુઆરીએ ફિલ્મ ‘ફાટી ને?’ નું ટ્રેલર લોન્ચ કરવા માટે ખાસ ઇવેન્ટ યોજવામાં આવ્યો હતો એવામાં જાન્યુઆરીમાં અઢળક ગુજરાતી ફિલ્મો રિલીઝ થયા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં શૂટ કરવામાં આવેલી આ ફિલ્મ દર્શકોને કેટલી ડરાવે છે અને કેટલી હસાવે છે એ જોવા જેવું રહેશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment