ઢોલીવૂડના રિલ કપલ જે બન્યા રિયલ કપલ
સરિતા-પ્રવિણ જોશી, અલ્પના-મેહુલ બુચથી માંડી પ્રતિક-ભામિની ગાંધી અને મલ્હાર-પૂજાની જોડીને પ્રેક્ષકોએ ખૂબ વ્હાલ કર્યો છે
ન માત્ર બોલીવૂડ, ટોલીવૂડ, હોલીવૂડ પણ ઢોલીવૂડમાં પણ આપણને અનેક વાસ્તવિક કપલ કામ કરતા જોવા મળે છે. જોકે એવામાં હવે વધારો પણ થઈ રહ્યો છે. વિગતવાર વાત શરૂ કરીયે એ પહેલા દાખલો આપીને કહું તો હિન્દી ફિલ્મોની શરૂઆત અને તેનો ઈતિહાસ આપણે સૌ ઓછા વત્તા પ્રમાણમાં જાણીયે જ છીએ પણ ઘણા ઓછા લોકોને એ વાત ખબર છે કે મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા સ્ટુડિયો ‘બોમ્બે ટૉકિઝ’ ની શરૂઆત કરનાર દેવિકા રાની અને હિમાંશુ રૉય પતિ-પત્ની જ હતા. દેવિકા રાનીના પહેલા પતિ એટલે હિમાંશુ રૉય જ્યારે હિમાંશુ રૉય માટે દેવિકા રાની બીજા પત્ની હતા. જોકે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે-તે કલાકારના લાઇફ પાર્ટનર ભલે ફિલ્મો સાથે સીધી રીતે જોડાયેલા ન હોય પણ તેમનું કોઈ સંબંધી કે પરિવારનો સભ્ય ફિલ્મો સાથે જોડાયેલું હોય. દાદામુની એટલે કે અશોક કુમારના પત્ની શોભા દેવી ભલે ફિલ્મોમાં ન દેખાયા હોય પણ તેઓ એ જમાનાના ફેમસ હિન્દી અને બંગાળી અભિનેત્રી છાયા દેવીના કઝીન બહેન એવા શોભા દેવીને પરણ્યા હતા.
ગુજરાતી સિનેજગતમાં આ સંદર્ભે વાત કરીયે તો રંગમંચના ખ્યાતનામ રંગકર્મી સરીતા જોશી અને પ્રવીણ જોશીની જોડીને કઈ રીતે ભૂલી શકાય? પ્રવીણ ભાઈ રંગમંચના દિગ્દર્શક અને સરિતા બહેન કલાકાર. આ બંને કલાકારોની વાત સૌથી પહેલા કરવી એટલે ખાસ છે કેમ કે 1966 ના નવેમ્બર મહિનાની પાંચમી તારીખે 25 વર્ષની સરિતાએ પહેલી વાર પ્રવીણ જોશીના નિર્દેશન હેઠળ રજૂ થયેલા નાટક ‘ચંદરવો’ થી આઇએનટીમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા તેઓ કાંતિ મડિયા અને અદિ મર્ઝબાનના દિગ્દર્શન હેઠળ નાટ્ય પ્રયોગો કરી ચૂક્યા હતા. આઇએનટીમાં જોડાયા બાદ સરિતા અને પ્રવીણે અનેક નાટકો કર્યા પણ સૌથી વધારે પ્રસિદ્ધી મળી ‘સંતુ રંગીલી’ ને. નાટ્ય પ્રયોગો દરમ્યાન બંને એકબીજા તરફ આકર્ષાયા અને લગ્નગ્રંથિએ જોડાયા. ત્યાર બાદ ‘સપ્તપદી’ વગેરે નાટકોમાં જોશી દંપતીની જોડીએ ધૂમ મચાવી હતી અને આવનારી પેઢી માટે સિમાચિહ્નરૂપ બની રહ્યા હતા.
રંગમંચ ઉપરાંત મૂળરાજ રાજડા અને ઇન્દુમતી રાજડાની વાત કરીયે તો તેમની રિયલ લાઇફ જોડીએ પણ અનેક નાટકો તથા ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની પેઢી આજની તારીખે પણ ફિલ્મ, સિરીયલ્સ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત આજની હિન્દી ડેલી સોપમાંની મોખરે સિરીયસ ‘અનુપમા’ માં લીલાનું પાત્ર ભજવતા અલ્પના બૂચ અને તેમના બેટર હાફ મેહુલ બૂચ પણ ગુજરાતી કલાજગત સાથે સંકળાયેલા છે. ગુજરાતી નાટકોના પ્રસિદ્ધ સેટ ડિસાઇઝર છેલ-પરેશની જોડીમાંના છેલ વાયડાના સુપુત્રી અલ્પના બૂચ આપણને ‘અનુપમા’ ઉપરાંત ‘શરતો લાગુ’, ‘ઇટ્ટા-કીટ્ટા’ જેવી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળ્યા છે, તેમના ભાઈ સંજય છેલ પણ આ જ ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. અલ્પના બૂચના જીવનસાથી અને દમદાર અવાજના ધણી એવા મેહુલ બૂચને આપણે ‘53 મું પાનુ’, ‘વેન્ટિલેટર’ ઉપરાંત અનેક સિરીયલ્સ, નાટકોમાં અભિનય કરતા જોયા છે. નજીકના સમયમાં તેઓ ‘સાસણ’ નામની ગુજરાતી ફિલ્મમાં આપણને અભિનય કરતા જોવા મળશે.
નવી પેઢીની વાત કરીયે તો પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીને આ લિસ્ટમાંથી બાકાત રાખી શકાય એમ નથી. મૂળ એન્જિનીયર એવા પ્રતિક ગાંધીએ 2009 માં ટેલિવિઝન અને નાટ્ય કલાકાર ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા હતા. પ્રતીક ગાંધીને આપણે ‘મોહનનો મસાલો’, ‘હું ચંદ્રકાંત બક્ષી’ જેવી એકાંકી, ‘સ્કેમ 1992’ જેવી ફેમસ વેબ સિરીઝ, ‘બે યાર’, ‘રોંગ સાઇડ રાજુ’ જેવી લોકપ્રિય ફિલ્મો થકી ઓળખીયે છીએ જ્યારે ભામિનીને ‘ના બોલે તુમ ના મેને કુછ કહા’ ની સિઝન ટુ, ‘ખિચડી’, ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’, ‘એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ’, ‘એક પેકેટ ઉમ્મીદ’ જેવી અનેક હિન્દી સિરીયલોમાં અભિનય કરતી જોઈ છે. આ ઉપરાંત ઘણા જૂજ લોકો જાણતા હતા હશે ભામિની ગાંધી બ્રેઇન ટ્યુમર સામેની જંગ જીતીને કમબેક કરેલ છે. તેમને આપણે ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ જેવી ફિલ્મોમાં મોટા પડદે અભિનય કરતા માણી છે.
અત્યાર સુધી આપણે ગુજરાતી કલા જગતની ત્રણ નામાંકિત રિયલ લાઇફ જોડીની વાત કરી અને હવે એ જોડીમાં એક નવી જોડી ઉમેરાવા જઈ રહી છે. આ જોડી છે અમદાવાદ અને મુંબઈની એટલે કે અમદાવાદના મલ્હાર ઠાકર અને મુંબઈની પૂજા જોશીની જેઓ 26મી નવેમ્બરે લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી મલ્હારને અનેક ઇન્ટરવ્યૂમાં લગન વિષયક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા પણ અચાનક લાભ પાંચમના દિવસે સવારે નવ વાગે સોશિયલ મિડીયામાં પોતાના લગનની જાહેરાત કરી મલ્હાર-પૂજાએ પોતાના ચાહકોને ભેટ આપી હતી. મલ્હાર અને પૂજાની પહેલી મુલાકાત ‘વાત વાતમાં’ વેબસિરીઝના સેટ પર થઈ હતી. ત્યાંથી તેમની વચ્ચે દોસ્તીનો સિલસિલો શરૂ થયો અને આ બંને કૉફી લવર્સ એકમેકના પ્રેમમાં રંગાવા લાગ્યા. જેમ વિરાટ અને અનુષ્કાને ‘વિરુષ્કા’ અને દિપીકા તથા રણવીરની જોડીને ‘દીપવીર’ કહેવામાં આવે છે એમ મલ્હાર-પૂજાની જોડીને ‘મજા’ કહીને સોશિયલ મિડીયામાં વ્હાલ મોકલવામાં આવ્યો હતો. ‘વાત વાતમાં’ વેબ સિરીઝની ત્રણ સિઝનમાં આ બંને કલાકારોની જોડીને લોકોએ ખૂબ વધાવી હતી અને ત્યાંથી આગળ વધીને આ જોડી આપણને ‘વીર ઈશાનું સિમંત’ અને ‘લગન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. જોકે આ જોડીએ પોતાના લગનની જાહેરાત કર્યા બાદ ફિલ્મમેકર વૈશલ શાહે સોશિયલ મિડીયામાં એક સ્ટોરી દ્વારા કુવારા રહેલા આજના યુવા અભિનેતા-અભિનેત્રીઓની મશ્કરી કરી હતી. આ મશ્કરીમાં તેમણે લગન માટે હવે કયા એક્ટરની વિકેટ પડશે એવો પ્રશ્ન પૂછતા યશ સોની, જાનકી બોડીવાલા, વ્યોમા નંદી, રવિ ગોહિલ, કિંજલ રાજપ્રિયને ટેગ કર્યા હતા અને વળતામાં જે-તે કલાકારોએ પણ મસ્તીમાં પોતાનો બચાવ કરતા જવાબ આપ્યો હતો.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com





Comments
Post a Comment