14 રીલમાં સમાયેલી ‘ભવની ભવાઈ’

ઓછું બજેટ હોવાથી કેટલાકે ફ્રી માં કામ કર્યું તો ગામવાસીઓને જ પ્રજા તરીકે સામેલ કરી લેવાયા હતા 



લોકનાટ્ય શૈલી ભવાઈનું મૂળ તત્વ જળવાઈ રહે એ ઉદ્દેશ સાથે કેતન મહેતા 1980 માં ‘ભવની ભવાઈ’ નું નિર્માણ કરી રહ્યા હતા. પરેશ મહેતા નિર્મિત આ ફિલ્મની વાર્તા ધીરુબેન પટેલે લખી હતી. નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, મોહન ગોખલે, ઓમ પુરી, સુહાસિની મુલે, દીના પાઠક, બેન્જામિન ગેલાની જેવા અનેક દિગ્ગજ કલાકારોને એક ફ્રેમમાં બેસાડવાની જવાબદારી કેતન મહેતાએ ઉપાડી લીધી હતી. આ ફિલ્મનું મોટાભાગનં શૂટિંગ ખેડા જિલ્લાના વસો ગામે દરબાર ગોપાલદાસની હવેલી ખાતે થયું હતું. 

‘ભવની ભવાઈ’ ના નિર્માણ પાછળની રોચકતા પર નજર કરીયે તો ખબર પડે છે કે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટમાંથી સ્નાતક થયા બાદ કેતન મહેતા અમદાવાદ ખાતે એક નોકરીમાં જોડાયા હતા. એક મુલાકાતમાં જણાવ્યા અનુસાર કેતન મહેતા ગુજરાતી સાહિત્યના પરિચયમાં ઘણાં વિલંબથી આવ્યા. જોકે પિતા ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો હતો. સમય જતા તેમણે અમદાવાદ ખાતે  ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું અને એ માટે ખેડા જિલ્લામાં પુષ્કળ રખડવાનું થતું. ગ્રામીણ પ્રજા માટે તેઓ કાર્યક્રમો બનાવતાં એટલે ગ્રામીણ સમસ્યાઓ સ્વાભાવિકપણે તેમના ધ્યાનમાં આવતી. ખાસ કરીને અછૂતોનો પ્રશ્ન તેમને મૂંઝવતો અને એ જ સમય દરમ્યાન તેમને ધીરુબેન પટેલની ‘ભવની ભવાઈ’ નામની વાર્તા મળી જે અછૂતના વેશ તરીકે ભવાઈ શૈલીમાં ભજવાતી હતી. પછી શું.... કેતનને જાણે જોઈતી તક મળી ગઈ અને તેમની અંદર રહેલો ફિલ્મમેકર બહાર આવવા વલખા મારવા લાગ્યો. તેમણે તે વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો.  

ફિલ્મ ‘ભવની ભવાઈ’ ની નોંધનીય વાત એ છે કે ફિલ્મની શરૂઆતમાં ભવાઈના જનક કહેવાતા અસાઇત ઠાકોર અને આંગ્લ નાટ્યકાર બેર્તોલ બ્રેખ્તનીને આ ફિલ્મ સમર્પિત કરવામાં આવી છે. ટૂંકમાં એલિયેનશન નાટ્યશૈલી તથા ગુજરાતના પરંપરિત લોકનાટ્ય ભવાઈની શૈલીનો ઉપયોગ કરીને દિગ્દર્શકે આ ફિલ્મની રજૂઆત કરી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ વિવેચકોએ પણ એને ખૂબ વખાણી હતી. આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રાષ્ટ્રીય એકતા માટેનો નરગિસ દત્ત પુરષ્કાર મળ્યો હતો, તેમ જ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પસંદ કરવામાં આવી હતી અને થ્રી કોન્ટીનેન્ટ્સ ફેસ્ટીવલમાં યુનેસ્કો ક્લબ હ્યુમન રાઈટ્સનો પુરસ્કાર મળ્યો હતો.

આટલું જ નહીં પણ ફિલ્મ ‘ભવની ભવાઈ’ ને દિલ્હીમાં આઠમા ફિલ્મ મહોત્સવમાં રજૂ કરવામાં આવી હતી. એ ઉપરાંત, તેને અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, હોલેન્ડ, ચેકોસ્લોવાકિયા અને ઇંગ્લેન્ડમાં પણ વાહવાહી મળી હતી. ‘ભવની ભવાઈ’ ને પાછળથી ‘અંધેર નગરી’ નામે હિન્દીમાં ડબ કરવામાં આવી. વિધાર્થી ચેટરજી નામના ફિલ્મ વિવેચકે આ ફિલ્મ જોયા પછી લખ્યું હતું, ‘ભવની ભવાઈ બનાવ્યા પછી કેતન મહેતા નિવૃત્ત થઈ ગયા હોત તો પણ એક અગ્રણી નિર્દેશક તરીકે તેઓ લાંબો સમય યાદ રહ્યા હોત, તેવી આ ફિલ્મમાં તેમની તાકાત અને પ્રતિભા હતી.’

નાટ્યપ્રેમીઓ જાણતા જ હશે કે નાટક ક્ષેત્રમાં ફોર્થ વોલનું મહત્ત્વ કેટલું અગત્યનું હોય છે. કેતન મહેતાએ આ ફિલ્મવળે સૌ પ્રથમ વખત 'બ્રેકીંગ ધ ફોર્થ વૉલ' નામની ટેક્નિકનો પ્રયોગ પણ કર્યો હતો જેના લીધે તેમની સરાહના કરવામાં આવી હતી. તો વળી ફિલ્મના કલાકારો ગુજરાતીભાષી ન હોવા છતાં ગુજરાતી શીખ્યા અને ખાસ કરીને ભવાઈની શૈલી શીખ્યા. સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરીના હોઠો પર ગુજરાતી ભાષા ચડે એ માટે ભવાઈ કરનારાઓની મદદ લેવામાં આવી. હરિજનનું પાત્ર પડદા પર વાસ્તવિક લાગે એ માટે ઓમ પુરીએ ગામવાસીઓ સાથે દિવસો વીતાવ્યા અને તેમનો મેકઅપ પણ એ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો જેને લીધે તેમનું પાત્ર વધારે ધારદાર દેખાઈ આવતું હતું. ખુદ ઓમ પુરીએ એક મુલાકાતમાં આ ફિલ્મમાંના પોતાના પાત્રને યાદ કરતાં કહ્યું હતું કે ‘થિયેટરના મુખોટાની જેમ વાસત્વિક અભિનય કરતાં તેઓ અહીંથી શીખ્યા હતા.’

રાજા ચક્રસેનનો રોલ કરનારા નસીરુદ્દીન શાહની વાત તો કંઈક અલગ છે. શરૂઆતામાં તેઓ રાજા ચક્રસેનનો આ રોલ કરવો કે ન કરવો એવી દુવિધામાં હતા, કેમ કે ફિલ્મનો રાજા ધૂની અને મનમૌજી હતો. વળી આ પહેલા કેતન મહેતા સાથે તેમણે યુજીન આયનેસ્કોનું નાટક ‘દ લેસન’ દિગ્દર્શિત કર્યું હતું અને એ નાટકના અનુભવને આધારે નસીરુદ્દીન શાહે સૌથી પહેલા આ પાત્ર ભજવવાની ના પાડી હતી. પરંતુ કેતન મહેતાના આગ્રહથી અને આ ફિલ્મ ગમવાથી છેવટે તેઓ આ ફિલ્મ કરવા તૈયાર થયા હતા. 

ઓછી જાણીતી વાત એ છે કે હરિજનો પર વર્ષોથી થતા અન્યાય-અત્યાચારને આલેખવા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગ્રંથાલયના ગ્રંથોમાંથી સંશોધન કરી, માહિતી પ્રાપ્ત કરીને ફિલ્મની ઘટનાઓને વાસ્તવદર્શી સ્વરૂપ અપાયું હતું. ફિલ્મની પટકથામાં આલેખાયેલી ઘટનાઓ અને માનવીય સંવેદનાથી પ્રભાવિત થઈને ફિલ્મનાં મુખ્ય કલાકારોએ જેમ કે સ્મિતા પાટીલ અને નસીરુદ્દીન શાહે એક પણ રૂપિયો લીધા વિના કામ કર્યું હતું જ્યારે અન્ય કલાકારોએ નજીવી ફી એટલે કે ટોકન એમાઉન્ટ લીધો હતો. વળી કેટલાકે તો દૈનિક વેતન આધારે કામ કરી ફિલ્મને ટેકો આપ્યો હતો.

આ ઉપરાંત ફિલ્મનું બજેટ ઘણું ઓછું હોવાથી એકને એક કોશ્ચુમ વારંવાર વાપરવામાં આવ્યા, જે વાતને સાબિત કરી આપતું હતું કે પાત્ર રાજાનું હોય કે રંકનું, ઘરમાં અને કામકાજ માટે એકને એક કપડા અનેકવાર પહેરી શકાય છે. વળી હરિજનો અને પ્રજાનું ટોળું દર્શાવવા પૈસા આપીને ભીડ એકઠી કરવામાં નહોતી આવી પરંતુ ખરેખરા ગામવાસીઓને પ્રજા તરીકે સામેલ કરી લેવાયા હતા. આ નિર્ણયનો ફાયદો ફિલ્મની લોકબોલીમાં અને ફિલ્મના રિયલ લાઇફ દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં મદદરૂપ થયો હતો.  ફિલ્મ ‘ભવની ભવાઈ’ નો જે છેલ્લો સીન છે, જેમાં રાજા ચક્રસેન અને તેના મંત્રી વાવમાં અચાનક ભરાયેલા પાણીમાં ડૂબી મરે છે, એ ખાસ પાટણની રાણકી વાવમાં શૂટ કરવામાં આવ્યું હતું.  

‘જો હે નામ વાલા વહી તો બદનામ હે’ એ લાઇન આ ફિલ્મ માટે પણ સાચી પડી. ફિલ્મ જેટલી વખણાઈ એટલી વગોવાઈ પણ ખરી. હરિજનો અને અસ્પૃશ્યતાની વાત કરતી આ ફિલ્મ લોકલાગણી દુભાવતી હોવાનું કહીને તેના પર અનેક આરોપો લગાવાયા હતા, પણ કેતન મહેતાએ તેનો વળતો યોગ્ય જવાબ આપી ફિલ્મને વેગ આપ્યો હતો. આ ઉપરાંત 14 રીલમાં સમાયેલી આ ફિલ્મ કોપીરાઇટ અંગે પણ વિવાદમાં સપડાઈ હોવાના સમાચાર વહેતા થયા હતા. તેમ છતાં દરેક પડકારોને પાર કરીને આજે ઢોલીવૂડમાં ‘ભવની ભવાઈ’ કલ્ટ ફિલ્મોની યાદીમાં મોખરે છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં