ગુજરાતી સંગીતની આશા નભેલી છે આશા ભોસલે પર

અંદાજે 450 જેટલા ફિલ્મી-નોન-ફિલ્મી ગુજરાતી ગીતો આજે પણ સાંભળવા બેસો તો મન નાચી ઉઠે છે.

 


ગુજરાતી ફિલ્મો અને નોન-ફિલ્મો ગીતોમાં આશા ભોસલેએ અનેક ગીતોને પોતાને કંઠ આપ્યો છે અને ફિલ્મની સફળતામાં પોતાનું બહુમૂલું યોગદાન આપ્યું છે. પોતાના ગાયિકીના કરિયરમાં તેમણે ગુજરાતી સહિત અંદાજે 14 ભાષામાં, ભિન્ન ભિન્ન પ્રકારના ગીતો ગાયા છે. આજે તેમને યાદ કરવાનું કારણ માત્ર એટલું કે રવિવારે આઠમી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ આવે છે. 



 

1932 ની આઠમી સપ્ટેમ્બરે જન્મેલા આશા મંગેશકરે સંગીતની પ્રારંભિક તાલિમ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી લીધી હતી અને ત્યાર બાદ ¬શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસેથી લીધું હતું. 1944 માં તેમનું પ્રથમ પાર્શ્વગાયન ‘માઝં બાળ’ નામની મરાઠી ફિલ્મનું હતું. આ ગીતમાં તેમની સાથે તેમનાં ભાઈબહેનો લતા, મીના, ઉષા અને હૃદયનાથ પણ હતાં. ફિલ્મના સંગીતકાર દત્તા ડાવજેકર હતા. હિંદી ફિલ્મોમાં આશાનું પ્રથમ ગીત વસંત દેસાઈના સંગીતમાં ફિલ્મ ‘અંધોં કી દુનિયા’ (1947) માટે આવ્યું હતું. ગીતના શબ્દો હતા – ‘ગરીબોં કે દાતા ગરીબોં કે વાલી’. આ ગીતમાં તેમની સહગાયિકા જોહરાબાઈ અમ્બાલાવાલી હતી. 




ગુજરાતી ફિલ્મોમાં આશા ભોસલેની ગાયક તરીકેની પહેલી ફિલ્મ કઈ રહી હતી એ કહેવું અઘરું છે તેમ છતાં તેમણે જે પણ ગુજરાતી ફિલ્મોમાં ગીતો આપ્યા છે એમાંના તમામે તમામ ગીતો હિટ રહ્યા છે એમ કહી શકાય અને રેડિયોના માધ્યમે આજે પણ એનો લ્હાવો માણવા મળે છે. એક આંકડા મુજબ આશા ભોસલેએ ગાયેલા ગુજરાતી ગીતોની સંખ્યા અંદાજે 450 જેટલી છે. આ 450 ગીતોમાં ગઝલ, ગીત, ગરબા, પ્રણય ગીત, કવાલી જેવા અનેક પ્રકારના ગીતોનો સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીયે તો આશાજી અડ્ધા ગુજરાતી હતા. આમ કહેવાનું કારણ માત્ર એટલું કે તેમની માતા ગુજરાતી હતી. મરાઠી-કોંકણી દિનાનાથ મંગેશકર ગુજરાતી સ્ત્રી શેવંતીને પરણ્યા હતા. 

આશા ભોસલેના ગીતોની યાદી પર નજર કરીયે તો 1976 માં એક ફિલ્મ આવેલી. નામ હતું ‘વીર માંગડાવાળો’. બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને સ્નેહલતાએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. અવિનાશ વ્યાસના નેતૃત્વમાં આ ફિલ્મમાં કુલ આઠ ગીત રાખવામાં આવ્યા હતા અને આઠમાંથી સાત ગીતમાં આશા ભોસલેનો એકલ અને યુગલ સ્વર માણવા મળે છે. ‘તારી વાંકી રે પાઘલડી’, ‘આંખ્યુમાં ગોરી’, ‘રૂપેરી રાતમાં’, ‘કહું છું રે કાનુડા’, ‘સૂરજ ઉગતા સંતની’, ‘આશક માશુક સામાસામી’ (કવાલી), ‘જોશીડા મારા જોશ તો જુઓને’ ગીતો સામેલ હતા. આ ફિલ્મ અને તેના ગીતોનો ખાસ ઉલ્લેખ એટલા માટે કરવો રહ્યો કેમ કે આ ફિલ્મના ગીતમાં કલાવી, રાસ ગરબા, પ્રણય ગીત, માણવા મળી જાય છે. વળી આ ફિલ્મ આશા ભોસલે માટે ખાસ બની જાય છે જ્યારે આ ફિલ્મનું ગીત ‘તારી વાંકી રે પાઘલડી’ સૌથી સફળ સાબિત થાય છે. રામાનંદ સાગરનું આ પ્રથમ ગુજરાતી ચિત્રપટ ‘વીર માંગડાવાળો’ કમર્શિયલી સક્સેસ રહ્યું હતું. પ્રાપ્ત આંકડાઓ મુજબ ફિલ્મે એ જમાનામાં બોક્સ ઓફિસ પર અંદાજે 40 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 



1977 માં આવેલી ફિલ્મ ‘સોન કંસારી’ નું ગીત ‘છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળાં મોંઘા લાવજો’ આજે પણ પાટણ અને પટોળાં માટે ઓળખાણસમું ગીત બની ગયું છે. આ ગીતમાં સંગીત અવિનાશ વ્યાસનું હતું અને સ્નેહલતા તથા ઉપેન્દ્ર ત્રિવેદી પર આ ગીત ફિલ્માવામાં આવ્યું હતું. 1978 ની ફિલ્મ ‘ગાજરની પીપૂડ’માં ‘હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…’ જેવો ગરબો (લોકગીત), જે ફિલ્મમાં પિનાકીન શાહ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, આશા ભોસલેના સ્વરમાં ઘણો વખણાયો હતો. આ ઉપરાંત ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ ક્યાં આપણાં મનમાંથી આજેપણ ક્યાં નીકળી શક્યું છે. 



આ ઉપરાંત ગુજરાતી સિનેજગત અને સંગીત જગતમાં આશા ભોંસલનું યોગદાન અમૂલ્ય છે. તેમણે ‘દાદા હો દીકરી’, ‘ધરતી માતા’, ‘ચંદન મલ્યાગિરી’, ‘આશાપૂરા માતાની ચુંદડી’, ‘અમર પરદેશી પાન’, ‘અભાન લક્ષ્મી’, ‘સંત સૂરદાસ’, ‘હરિષચંદ્ર તારામતી’, ‘હસ્ત મેળાપ’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘ઘર સંસાર’, ‘ઘરની શોભા’, ‘લીલૂડી ધરતી’, ‘કલાપી’, ‘જોગ સંજોગ’, ‘જેસલ તોસલ’, ‘મનનો માણીગર’, ‘મા બાપ’, ‘સમય વર્તે સાવધાન’, ‘રણચંડી’, ‘રા’માંડલિક’, ‘રાજા ભરથરી’, ‘વેરની વસૂલાત’, ‘વણઝારી વાવ’, ‘સોનબાઈની ચુંદડી’, ‘સોન કંસારી’ જેવી અનેક ફિલ્મોમાં અનેક સંગીતકારોના નેતૃત્વમાં ગીતોને સ્વર આપ્યો છે. 

હિન્દી ગીતોની નાજુકતા અને એમાં લેવાતી હરકતો માટે આશાજીના અનેક દાખલાઓ આપણને ધ્યાનમાં છે, એવી જ એક સરસ હરકતનો દાખલો આપણને ગુજરાતી ગીતોમાં પણ મળી આવે છે. ફિલ્મ ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નું ગીત ‘પંથવર પાછા આવો તો કહું વાત રે’ ગીત શરૂ થાય છે ત્યારે એક પત્ની પોતાના ભરથારને નામ લીધા શૂશૂશૂશૂ કરીને બોલાવે છે. આ એક નાનકડી હરકત ગીતની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે અને સાથે સાથે એ સમયમાં પત્નીઓ, ખાસ કરીને સ્ત્રીઓ જે આમાન્યા જાળવતી તેની પ્રતિતી થાય છે. આવા અનેક દાખલાઓ દ્વારા આશા ભોસલેએ પોતાની ગાયિકીનો દબદબો ઇન્ડસ્ટ્રી પર જાળવી રાખ્યો છે. 




- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’