ગરબાથી ગ્લેમર સુધી: ગુજરાતી સિનેમામાં નવરાત્રીનું બદલાતું રૂપ
પરંપરાનો અરીસો બનેલો આ તહેવાર આજે ગ્લેમર, કોરિયોગ્રાફી અને માર્કેટિંગનો એક હિસ્સો બની ગયો છે
ગુજરાતી ફિલ્મ અને ગરબા વચ્ચેનો સંબંધ માત્ર એક ગીત કે એક ડાન્સ સિક્વન્સ પૂરતો નથી. દાયકાઓથી ગરબો પડદા પર ‘ગુજરાતીપણું’ ઓળખાવવાનું સૌથી સરળ અને અસરકારક પ્રતીક રહ્યો છે. પરંતુ સમયની સાથે ફિલ્મો બદલાઈ, દર્શકો બદલાયા અને ગરબો પણ બદલાયો. એક જમાનામાં જે ગરબો માટીની સુગંધ, ગામડાની સામૂહિકતા અને પરંપરાનો અરીસો હતો, તે આજે ગ્લેમર, કોરિયોગ્રાફી, ફેશન અને માર્કેટિંગનો પણ ભાગ બની ગયો છે. તો પછી પ્રશ્ન એ છે કે ગુજરાતી સિનેમામાં નવરાત્રી અને ગરબો કેટલો જૂનો છે અને તેના રૂપમાં કેટલું પરિવર્તન આવ્યું છે?
ગુજરાતી સિનેમાની શરૂઆત 1932માં આવેલી ‘નરસિંહ મહેતા’ થી થઈ. શરૂઆતના દાયકાઓમાં ગુજરાતી ફિલ્મો માટે પૌરાણિક કથાઓ, સંતોના જીવન, લોકકથાઓ, ધાર્મિક પ્રસંગો અને ગ્રામ્ય જીવન મહત્વના વિષયો હતા. એટલે સ્વાભાવિક રીતે જ ગુજરાતની લોકસંસ્કૃતિ ફિલ્મોના પડદા પર આવતી ગઈ. તે સમયના સિનેમામાં ‘ગુજરાતી’ દેખાવા માટે અલગથી કોઈ વ્યાખ્યા આપવાની જરૂર નહોતી. વસ્ત્રો, ભાષા, લોકગીતો, મેળા, તહેવારો અને સામૂહિક જીવન પોતે જ એ ઓળખ ઊભી કરતા હતા.
ગરબો આ ઓળખનો સૌથી શક્તિશાળી ભાગ બન્યો. 2026માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં 1932થી 2011 દરમિયાનની 50 સફળ ગુજરાતી ફિલ્મોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં 40 ફિલ્મોમાં ગરબાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. એટલે કે પસંદ કરાયેલી ફિલ્મોમાં લગભગ 80 ટકા ફિલ્મોમાં ગરબો કોઈને કોઈ રીતે હાજર હતો. એ જ અભ્યાસમાં નવરાત્રી પણ વારંવાર રજૂ થતા તહેવારોમાં સામેલ હોવાનું નોંધાયું છે.
આ આંકડો માત્ર એક આંકડો નથી. તે બતાવે છે કે ગુજરાતી સિનેમાએ લાંબા સમય સુધી ગુજરાતની ઓળખને મુખ્યત્વે ગ્રામ્ય, પરંપરાગત અને ઉત્સવી ચિત્ર સાથે જોડીને રજૂ કરી હતી. ફિલ્મના નાયક-નાયિકા પ્રેમમાં હોય, પરિવારના પ્રસંગમાં હોય કે કોઈ સામાજિક સંઘર્ષ વચ્ચે હોય—એક તબક્કે ગરબાનું દૃશ્ય ફિલ્મની ઓળખનો ભાગ બની જતું.
આ પરંપરામાં ગુજરાતી સંગીતકારો અને ગીતકારોની ભૂમિકા પણ એટલી જ મહત્વની હતી. અવિનાશ વ્યાસ જેવા સર્જકોએ લોકસંગીત અને ફિલ્મસંગીત વચ્ચેનો સેતુ મજબૂત બનાવ્યો. તેમના કારણે ગરબો માત્ર ગામના ચોકમાં રમાતો લોકનૃત્ય ન રહ્યો; તે રેડિયો, રેકોર્ડ અને ફિલ્મના પડદા મારફતે ઘેરઘેર પહોંચ્યો.
જૂના ગુજરાતી સિનેમાના ગરબામાં સૌથી મહત્વની બાબત તેની સામૂહિકતા હતી. કેમેરાની સામે માત્ર હીરો-હીરોઈન નહોતા. આખું ગામ, પરિવાર કે સમાજ તેમાં સામેલ થતો. રંગબેરંગી ચણિયા-ચોળી, કેડિયા, પરંપરાગત આભૂષણો અને જીવંત લોકવાદ્યો સાથેનો ગરબો વાર્તાના વાતાવરણને પણ સ્થાપિત કરતો.
‘પંખીડા’ અને ‘ઓઢણી’ જેવી રચનાઓ આજે પણ નવરાત્રીના મેદાનમાં સંભળાય છે. 2012માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ પણ નોંધ્યું હતું કે ગુજરાતી ફિલ્મોમાં ગરબાના સિક્વન્સ લગભગ એક પરંપરા બની ગયા હતા અને પંખીડા તથા ઓઢણી જેવી જૂની રચનાઓ નવરાત્રીમાં પણ લોકપ્રિય રહી હતી. એ જ અહેવાલમાં ફિલ્મોમાં ગરબાને આધુનિક ટચ આપવાની શરૂઆત અને દાંડિયાને વધુ ગ્લેમરસ બનાવવાની પ્રક્રિયાનો પણ ઉલ્લેખ હતો. અહીંથી ગુજરાતી ફિલ્મના ગરબાની બીજી ઇનિંગ શરૂ થાય છે. જેના વિશે વધું વાત કરીશું આવતા લેખમાં.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment