‘અસંભાઉઉઉ’: માણસ અને કૂતરાના સંબંધને આપશે વાચા

ભાઉ-ભાઉની પાછળ છુપાયેલી વફાદારી અને સંબંધોની એક ભાવુક વાર્તા



પ્રાણીઓને કેન્દ્રસ્થાને રાખીને બોલીવૂડમાં ‘હાથી મેરે સાથી’ (1971), ‘તેરી મહેરબાનીયાં’ (1985) જેવી અનેક ફિલ્મો બની ચૂકી છે, જ્યારે ગુજરાતી સિનેમામાં એવો કોઈક વિષય એક નવું એક્સરિમેન્ટ બની જાય છે, જે પહેલી નજરે જોવા, સાંભળવામાં સરળ લાગે, પરંતુ તેની પાછળનો વિચાર ઘણો ઊંડો હોય છે. ‘અસંભાઉઉઉ’ પણ એવી જ ફિલ્મમાં સ્થાન પામે છે. ફિલ્મના નામમાં જ કૂતરાના ‘ભાઉ’નો રમૂજી સંદર્ભ છે, પરંતુ વાર્તાનો આધાર માત્ર એક માણસ અને તેના કૂતરા વચ્ચેના પ્રેમ પૂરતો નથી. ફિલ્મ યુધિષ્ઠિર અને કૂતરાના મહાભારતના પ્રસંગને રૂપક તરીકે લઈને ધર્મ, વફાદારી અને સંબંધોની કસોટીની વાત કરે છે. ચિંતન અને તેનો કૂતરો ચિન્ટુ એકબીજાને ભાઈની જેમ પ્રેમ કરે છે અને જ્યારે સંજોગો તેમની વફાદારીની પરીક્ષા લે છે ત્યારે વાર્તા રસપ્રદ વળાંક લે છે.

આ ફિલ્મની ખાસિયત એ છે કે અહીં કૂતરો માત્ર પેટ નથી, પરંતુ વાર્તાનું એક મહત્ત્વનું પાત્ર છે. રોનક કામદાર ચિંતનની ભૂમિકામાં છે, જ્યારે મિત્ર ગઢવી ‘ચિન્ટુ’ ના પાત્રમાં જોવા મળશે. હીરો-હીરોઇનની જોડી કરતા કૂતરાનું પાત્ર ભજવતો મિત્ર ગઢવી ખરેખર એક નવી વિચારધારાને છતી કરે છે. શિવાની ભારદ્વાજ માટે આ ફિલ્મ ખાસ છે, કારણ કે આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મમાં તેની નવી શરૂઆત થઈ રહી છે. આ પહેલા તે ‘ક્રાઇમ બીટ’ માં કામ કરી ચૂકી છે અને ‘કશ્મીર ટ્રિલોજી’ ના એક સેગમેન્ટમાં પણ જોવા મળી હતી. ‘અસંભાઉઉઉ’ માં તે કાવ્યાની ભૂમિકા ભજવી રહી છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં જિમીનું પાત્ર ભજવનાર તત્સત મુનશી વાસ્તવિક જીવનમાં કૂતરાઓથી ડરે છે, પણ આ ફિલ્મ દરમ્યાન તેનો આ ડર ઉડન છૂ થઈ ગયો હતો.

પાર્થ દવે ડિરેક્ટેડ આ ફિલ્મનું સંગીત કેદાર–ભાર્ગવનું છે. આ જોડી જેન્નોક ફિલ્મ્સની જ ‘3 એક્કા’ તથા ‘ફક્ત પુરુષો માટે’ જેવી ફિલ્મોમાં પણ સંગીત આપી ચૂકી છે. ‘અસંભાઉઉઉ’ માં તેમના સંગીત સાથે દેવ પરમાર, ભગીરથ ભટ્ટ અને ગૌરવ નાગોરે ઓરિજિનલ બેકગ્રાઉન્ડ સ્કોર પર કામ કર્યું છે. ફિલ્મનું મુખ્ય ગીત ‘ભાઉ ભાઉ’ છે જેમાં રોનક કામદાર અને મિત્ર ગઢવીએ જ પોતાનો અવાજ આપ્યો છે.

ફિલ્મના વિઝ્યુઅલ્સ પણ ધ્યાન ખેંચે છે. સિનેમેટોગ્રાફી મિહિર ફિચડિયાની છે. ટ્રેલર પરથી ફિલ્મમાં સામાન્ય ગુજરાતી ફિલ્મની સરખામણીમાં વધુ સિનેમેટિક ટ્રીટમેન્ટ આપવાનો પ્રયાસ દેખાય છે. કેમેરા, લોકેશન અને કૂતરા સાથેના દૃશ્યોને એવી રીતે પકડવાનો પડકાર રહ્યો છે કે લાગણી કૃત્રિમ ન લાગે. પ્રાણીઓને પણ વાચા હોય છે અને જો એ ભોંકવાને બદલે માણસની જેમ બોલી શકતા હોત તો માણસ સાથેનો તેનો સંબંધ કેવો બની શકત, એવા મજેદાર વિચારને મોટા પડદે જોવું દરેક ઉમરના લોકોને ગમશે.

વર્ષના વીતી ગયેલા આઠ મહિનાને જોતા ઢોલીવૂડ માટે ‘અસંભાઉઉઉ’ બોક્સ ઓફિસની દ્રષ્ટિએ પણ મહત્ત્વની રહી શકે છે. કેમ કે 2025માં ઇન્ડસ્ટ્રીએ 200 કરોડ રૂપિયાથી પણ વધારાની કમાણી કરી હતી જે આ વર્ષે એની અડ્ધી પણ નથી થઈ. વૈશલ શાહની જેન્નોક ફિલ્મ્સ અને આનંદ પંડિતે આ પહેલા ‘છેલ્લો દિવસ’ (2015), ‘કરસનદાસ Pay & Use’ (2017), ‘શુ થયું?’ (2018), ‘ફક્ત મહિલાઓ માટે’(2022), ‘3 એક્કા’ (2023), ‘ફક્ત પુરુષો માટે’ (2024) અને ‘ચણિયા ટોળી’ (2025) જેવી ફિલ્મો ગુજરાતી પ્રજાને આપી છે અને જબરદસ્ત બોક્સ ઓફિસ કલેક્શન પણ કર્યું છે. જોકે તેમની અગાઉની ફિલ્મોના હીરો આ ફિલ્મમાં નથી એ વાત પણ નોંધવા જેવી છે, તેમ છતાં પ્રોડક્શન હાઉસ જોતા ‘અસંભાઉઉઉ’ પાસેથી અપેક્ષા ઘણી વધી જાય છે. વળી, આ વખતે ટીમ સામે પડકાર માત્ર સારી વાર્તા કહેવાનો નથી; એક એવા વિષયને મોટા પડદા પર વેચવાનો છે જે એક સાથે પરિવાર, યુવાનો, ડોગ-લવર્સ અને ગુજરાતી સિનેમાના સામાન્ય દર્શકોને આકર્ષી શકે. અગાઉ આ ફિલ્મ 4 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ એ ત્રીજી સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાથી જ સિનેમાઘરોમાં દર્શકો માટે રિલીઝ કરી દેવામાં આવી હતી.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com

 

Comments

Popular posts from this blog

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી