‘મારણ’ આજથી થિયેટરમાં
વેબસરીઝમાંથી ફિલ્મરૂપે બનેલી આ ફિલ્મ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો 72 મો નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે
ગુજરાતી સિનેમા જગતમાં આજે ૭૨ માં નેશનલ ફિલ્મ્સ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પોતાના નામે કરી ચૂકેલી ફિલ્મ 'મારણ' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની લોકપ્રિયતા એટલી હતી કે તેના ટ્રેલરને ફરી એકવાર રિલીઝ કરવામાં આવ્યું હતું.
'બે યાર', 'રોંગ સાઇડ રાજુ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અભિષેક જૈન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ 'મારણ' તેની શક્તિશાળી વાર્તા, પ્રભાવશાળી સ્ક્રીનલે, અસરકારક સંગીત, અદ્ભુત લાઈટિંગ અને સંવેદનશીલતાને કારણે પોતાની એક અલગ છાપ ઊભી કરે છે. આ ઉપરાંત ફિલ્મ 'મારણ' સમાજમાં થતા હ્યુમન ટ્રાફિકિંગ અને બળજબરીથી કરાતા શોષણને અત્યંત પરિપક્વતા અને જવાબદારી સાથે રજૂ કરે છે. યશ સોની આ ફિલ્મમાં એક અલગ જ ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનો નાયક જ ફિલ્મનો મુખ્ય ખલનાયક હોય એવી આ ફિલ્મમાં યશ રતન નામના પાત્રમાં જોવા મળશે. જ્યારે તેની સાથે દીક્ષા જોશી - બીરવા નામની એક એવી છોકરીનું પાત્ર ભજવે છે જે ઘણા વર્ષોથી ખોવાઈ ગઈ છે. રતનને તેના કુકર્મોમાં સાથ આપનાર બાબુ તરીકે શ્રૃહદ ગોસ્વામી, બીરવાને શોધવાનો પ્રયાસ કરતી પૂર્વા જોશી તરીકે તર્જની ભાડલા, બંટી રૂપે ધૈર્ય ઠક્કર, સમીર નામે અભિનય બેન્કર, ઊર્મિના પાત્રમાં પ્રાચી ઠક્કર અને અન્ય કલાકારો એક સાથે મોટા પડદે જોવા મળશે.
વાસ્તવિક ઘટના પર આધારિત આ ફિલ્મ પહેલા 'મિસિંગ' નામની વેબ સિરીઝ રૂપે ઓટીટી પ્લેટફોર્મ ઓહો ગુજરાતી પર રિલીઝ થવાની હતી પણ આ ઓટીટી પ્લેટફોર્મ બંધ થયા હોવાને લીધે ફિલ્મ નિર્માતાઓએ વેબ સિરીઝને ફિલ્મ રૂપે રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મની તારીખનું પોસ્ટરનું અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીના હસ્તે આનાવરણ કરાયું હતું. આ ફિલ્મ માત્ર નેશનલ એવોર્ડ જીતી છે એટલું જ નથી પણ એ 15 માં શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બેસ્ટ ફીચર ફિલ્મનો જુરી એવોર્ડ પોતાના નામે કરી ચૂકી છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com

Comments
Post a Comment