‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ને સાર્થક કરે છે ફિલ્મ ‘ક ખ ગ ઘ’
બાળ વિવાહ અને બાળકીઓના ભણતરને કેન્દ્રસ્થાને રાખીને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વિશ્વ મહિલા દિવસની ઉજવણીને હજુ વાર છે પણ ઢોલીવુડે કદાચ આ ઉજવણી ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરી લાગે છે. ગયા અઠવાડિયે, આ અઠવાડિયે અને હજુ આવતા અઠવાડિયે જે ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે એ મહિલા કેન્દ્રિત સામાજિક મુદ્દા ઉપર બની છે. ગયા અઠવાડિયે લવ જેહાદના સામાજિક મુદ્દા પર બનેલી 'બેહદ્' નામની ફિલ્મ રિલીઝ થઈ હતી તો આજે બાળવિવાહ અને બાળ શિક્ષણ પર આધારિત ફિલ્મ 'ક ખ ગ ઘ' રિલીઝ થઈ છે.
રાજભા ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ 'ક ખ ગ ઘ' ના નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) છે અને ફિલ્મનું દિગ્દર્શન અખિલ કોટકે કર્યું છે. નિર્માતા તરીકે રાજભાની આ પહેલી ફિલ્મ છે. હિતુ કનોડિયાના પત્ની અને જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડિયા ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે જોવા મળે છે જ્યારે તેમની સાથે શૌનક વ્યાસ, દીપા ત્રિવેદી, ભાવિની જાની, જીતેન્દ્ર ઠક્કર, તન્વી પંડ્યા (બાળ કલાકાર), અરવિંદ વેગડા અભિનય કરતા જોવા મળશે જ્યારે હિતુ કનોડિયા પણ મહત્વપૂર્ણ કેમિયો કરતા આ ફિલ્મમાં નજરે પડશે.
ફિલ્મનું નામ 'ક ખ ગ ઘ' રાખવા પાછળ ડિરેક્ટર અખિલ કોટકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 'બોલીવુડની ફિલ્મોનું નામ 'એબીસીડી' હોઈ શકે તો શા માટે ગુજરાતી ફિલ્મનું નામ 'ક ખ ગ ઘ' ન હોઈ શકે? આપણું ગુજરાતી બાળક જ્યારે સ્કૂલમાં ભણવા જાય ત્યારે સૌથી પહેલાં 'ક ખ ગ ઘ' એમ બારખડી લખતાં શીખે છે. ભણતરની આ શરૂઆતને ધ્યાનમાં રાખીને જ અને ખાસ કરીને છોકરીઓને ભણવા માટે પ્રેરિત કરવાના સામાજિક મુદ્દાને પ્રમોટ કરવા આ ફિલ્મ બનાવવામાં આવી છે.'
બાળ કલાકાર તન્વી પંડ્યા ફિલ્મમાં મંજરી નામની બાળકીનું પાત્ર ભજવી રહી છે જેનું ભણતર છોડાવી દેવામાં આવે છે અને બળજબરીથી તેના બાળ વિવાહ કરાવવાનું દબાણ તેના પરિવાર પર કરવામાં આવે છે. મંજરીના માતા તરીકે દીપા ત્રિવેદીએ અને પિતા તરીકે શૌનક વ્યાસે અભિનય કર્યો છે. મંજરીના દાદી તરીકે ભાવિની જાની અભિનય કરતા જોવા મળશે જ્યારે પોતાના નિયમો આખા ગામડા પર ઠોપનારા સરપંચની ભૂમિકામાં જીતેન્દ્ર ઠક્કર અભિનય કરતા જોવા મળશે. એક લાંબા સમય પછી જીતેન્દ્રભાઈ નેગેટીવ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. મોના થીબાનું પાત્રમાં ફિલ્મ અન્યાય સામે ઝઝૂમતું અને ન્યાય માટે લડત આપતું એક શિક્ષકનું સકારાત્મક પાત્ર છે, જે ફિલ્મની વાર્તા આગળ વધારવાનું કામ કરે છે. હિતુ કનોડિયાનો કેમિયો ફિલ્મની વાર્તાને વળાંક આપવા પૂરતો છે. ટૂંકમાં આ ફિલ્મ ભારત સરકારની પહેલ ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ને સાર્થક કરે છે.
છેલ્લા બે ત્રણ વર્ષમાં ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મો આવી છે એમાંની મોટાભાગની ફિલ્મો પારિવારિક, ક્રાઈમ થ્રિલર, કોમેડી અને સામાજિક મુદ્દા ઉપર આધારિત હતી. પણ સતત સામાજિક મુદ્દે ફિલ્મોની હારમાળા ઢોલીવુડમાં ભાગ્યે જ સર્જાયેલી જોવા મળે છે. ફિલ્મ ‘ક ખ ગ ઘ’ એ પ્રોપર કોમર્શિયલ ફિલ્મ નથી પણ સમાજના એક એવા મુદ્દાને સ્પર્શે છે જે આજની તારીખમાં પણ અનેક ગામડાઓમાં સજીવન છે. આવતા અઠવાડિયે રિલીઝ થનારી અન્ય એક મહિલા કેન્દ્રીત ફિલ્મની વાત કરીશું.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment