દોસ્તીનો નવો દાવ, ‘મિત્રતા’

‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘શું થયું?’ બાદ શું દોસ્તીની નવી વ્યાખ્યા લખી શકશે આ ફિલ્મ? 



ગુજરાતી સિનેમામાં દોસ્તી પર ફિલ્મો બનવી નવી વાત નથી. પરંતુ છેલ્લા એક દાયકામાં દોસ્તીને કેન્દ્રમાં રાખીને આવેલી કેટલીક ફિલ્મોએ ગુજરાતી સિનેમાની નવી ઓળખ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૧૪માં આવેલી ‘બે યાર’, વર્ષ ૨૦૧૫ની ‘છેલ્લો દિવસ’ અને ત્યારબાદ ૨૦૧૮માં આવેલી ‘શું થયું?’ જેવી ફિલ્મોએ યુવા દર્શકોને ગુજરાતી ફિલ્મો તરફ ખેંચ્યા હતા. હવે ફરી એકવાર મિત્રતાને કેન્દ્રમાં રાખીને ‘મિત્રતા’ ફિલ્મ દર્શકો સમક્ષ આવી છે.

‘મિત્રતા : ફ્રેન્ડશિપની લવસ્ટોરી’ નું દિગ્દર્શન ઓનીલ કર્ણિકે કર્યું છે, જ્યારે માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મમાં વિરાજ ઘેલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ અને વિશ્વા જોશી જેવા કલાકારો જોવા મળશે, જેમણે ઇન્ફ્લુએન્સર તરીકે પોતાની અનોખી ફેન ફોલોઇંગ ઊભી કરી છે.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં ત્રણ મિત્રો—વેદ, મોક્ષ અને અભિન—છે. બાળપણથી શરૂ થયેલી તેમની મિત્રતા સમય સાથે પ્રેમ, સપનાઓ, જીવનના સંઘર્ષ અને બદલાતા સંબંધોમાંથી પસાર થાય છે. વર્ષો બાદ દીવની સફર દરમિયાન આ મિત્રો ફરી એકબીજાની નજીક આવે છે અને તેમની મિત્રતાની જૂની યાદો સાથે જીવનના કેટલાક મહત્વના પ્રશ્નોનો પણ સામનો કરે છે.

આ કોન્સેપ્ટ સાંભળતા જ ગુજરાતી દર્શકોને સ્વાભાવિક રીતે ‘દિલ ચાહતા હૈ’ યાદ આવી જશે. જોકે ઢોલીવુડમાં આવેલી ફિલ્મ ‘બે યાર’ માં મિત્રતાની સાથે મસ્તી અને લાગણી જોવા મળી હતી, જ્યારે ‘છેલ્લો દિવસ’ એ કોલેજ લાઇફ અને યુવાનીની મિત્રતાને અલગ જ અંદાજમાં રજૂ કરી હતી. ‘શું થયું?’ એ પણ મિત્રતા અને યુવા પેઢીની આસપાસની વાર્તાને આગળ ધપાવી હતી. એટલે ‘મિત્રતા’ સામે સૌથી મોટો પડકાર એ છે કે શું તે માત્ર જૂની સફળ મિત્રતા આધારિત ફિલ્મોની યાદ અપાવશે કે પછી પોતાની અલગ ઓળખ ઊભી કરશે?

આ ઉપરાંત આ ફિલ્મને રસપ્રદ બનાવતો સૌથી મોટો મુદ્દો તેની કલાકારોની પસંદગી છે. અહીં પરંપરાગત રીતે ફિલ્મી સ્ટાર તરીકે જાણીતા ચહેરાઓ કરતાં સોશિયલ મીડિયા અને ડિજિટલ દુનિયામાં લોકપ્રિય ઇન્ફ્લુએન્સર્સને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ખાસ કરીને વિરાજ ઘેલાણીની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર ઘણી મોટી છે. પરંતુ અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે—સોશિયલ મીડિયા પર લાખો લોકો તમને ફોલો કરતા હોય તો શું એ જ લોકો ફિલ્મ જોવા માટે થિયેટર સુધી પણ આવશે? આ પહેલા વિરાજ ઘેલાણી, માનસી પારેખના પ્રોડક્શન હાઉસની બનેલી ફિલ્મ ‘ઝમકુડી’ થી ઢોલીવુડમાં ડેબ્યુ કરી ચૂક્યો છે.

આજના સમયમાં ઇન્ફ્લુએન્સરની મોટી ફેન ફોલોઇંગ ફિલ્મના પ્રમોશનમાં ચોક્કસપણે મદદરૂપ બની શકે છે. પરંતુ સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિના વીડિયો જોવાનું અને તેને મોટા પડદા પર જોવા માટે ટિકિટ ખરીદવાનું—બંને અલગ બાબતો છે. ‘મિત્રતા’ માટે આ એક રસપ્રદ પરીક્ષણ બની શકે છે.

ફિલ્મનું સંગીત પણ ચર્ચામાં છે. અમિત ત્રિવેદીના સંગીતમાં તૈયાર થયેલું ‘તારી મારી દોસ્તી’ ગીત સોશિયલ મીડિયા પર ઘણું ચાલ્યું છે અને તેના હૂક સ્ટેપને લઈને પણ દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ટ્રેલર અને અત્યાર સુધીના પ્રમોશન પરથી ફિલ્મમાં હાસ્ય, મિત્રતા, પ્રેમ અને લાગણીનું મિશ્રણ જોવા મળે છે. પરંતુ અંતિમ નિર્ણય તો થિયેટરમાં બેઠેલા દર્શકો જ કરશે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com


Comments

Popular posts from this blog

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી