કોમેડીનો બૂસ્ટર ડોઝ મળશે 'પીધા પછી' માં

ચાર દોસ્ત, એક ટ્રિપ અને અનેક અણધાર્યા વળાંકો વચ્ચે લાફ્ટર રાઇડની ગેરન્ટી



ગુજરાતી સિનેમા જગતમાં એકબાજુ ‘અસંભાઉઉ’ દર્શકોને આકર્ષી રહી છે ત્યાં બીજી બાજુ આજે સરોવર આર્ટ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'પીધા પછી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, જે સંપૂર્ણપણે આજની યંગ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.  

ફિલ્મની વાર્તા ચાર દોસ્તોની આસપાસ ફરે છે, જેમાં તેઓ અચનાક જ એક ટ્રિપ પર નીકળી પડે છે. પરંતુ એક રાતના નશામાં બનેલી ઘટનાઓ પછી તેઓ સાનભાન ભૂલી જાય છે, અને ધીરે-ધીરે ભાનમાં આવતા તેમને ખબર પડે છે કે તે રાત્રે કંઈક એવું બની ગયું છે જેની તેમને કલ્પના પણ નહોતી. એ રાતના બનેલી ઘટનાઓના કોયડા ઉકેલતા ઉકેલતા તેમની સામે અનેક નવા ખુલાસા થતા જાય છે જેમાં તેમની હાલત વધુ હાસ્યાસ્પદ અને ગૂંચવણભર્યી થતી જાય છે. આ કોમેડી અને મિસ્ટ્રી-થ્રિલરનું મિશ્રણ ટ્રેલરમાં સ્પષ્ટપણે જેવા મળે છે અને ટ્રેલરને જોઈને તમને ક્યાંક વિવેક ઓબરૉય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદસાનીની ફિલ્મ ‘મસ્તી’ ની પણ યાદ આવી શકે એમ છે.

ફિલ્મમાં આકાશ પંડ્યા, કિશોર કાકા ફેમ સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ત્રિવેદી, તર્જની ભાડલા, ધવલ બારભાયા, ગરિમા, વ્રજના પંડ્યા, વિશાલ વૈશ્ય, નિરવ કુમાર, ભાર્ગવ પરમાર અને બીજા કલાકારો અભિનય કરતાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન નિશીથ બ્રહ્મભટ્ટનું છે, જેઓ આ પહેલા 'લપેટ', 'ચાર ફેરાનું ચકડોળ' જેવી કોમેડી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ફિલ્મની વાર્તા ડૉ. રુષિકેશ ઠક્કરની છે, સંગીત ગૌરવ ધોળા અને ડીજે ક્વિડનું છે, જ્યારે સિનેમેટોગ્રાફી પ્રતિક પરમારની છે. ફિલ્મના ચાર મુખ્ય પાત્રો ટ્રિપ એન્જોય કરવા થાઈલૅન્ડ જ જતા હોવાને લીધે, ફિલ્મનો અમુક ભાગ થાઈલૅન્ડમાં શૂટ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘બચુની બહેનપણી’ ના કેટલાક દ્રશ્યોનું શૂટિંગ બેન્કોકમાં કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત ઢોલીવૂડમાં આઇટમ સોન્ગ્સનો ક્રેઝ ધીમે ધીમે વધી રહ્યો છે. ફિલ્મ ‘પીધા પછી’ માં પણ એક આઇટમ સોન્ગ રાખવામાં આવ્યું છે જે આકાંક્ષા પૂરી પર દર્શાવવામાં આવ્યું છે. આકાંક્ષાનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલું વહેલું આઇટમ નંબર છે. ટૂંકમા ટ્રેલર જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે 'પીધા પછી' ગુજરાતી પ્રેક્ષકોને એક હળવી, પણ ટ્વિસ્ટ-ભરેલી એન્ટરટેઇનિંગ રાઈડ આપવાનું કામ કરી શકે છે. ચાર દોસ્તોની કેમિસ્ટ્રી, કોમિક ટાઈમિંગ અને અણધાર્યા વળાંકોનું આ કોમ્બિનેશન જો સ્ક્રીન પર બરાબર ઉતરે, તો આ ફિલ્મ 2026ની ગુજરાતી કોમેડીઝમાં સારો એવો ઉમેરો કરી શકે છે. વળી આવતા અઠવાડિયે બે મોટી ગુજરાતી ફિલ્મો – ‘ફીરકી’ અને ‘ચટણી’ નો ક્લેશ થવા જઈ રહ્યો છે, માટે આ બે ફિલ્મો અને હાલમાં થિયેટરમાં ચાલી રહેલી ‘અસંભાઉઉ’ વચ્ચે રિલીઝ થયેલી આજની ફિલ્મ ‘પીધા પછી’ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે, એ જોવા જેવું રહેશે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com

 

Comments

Popular posts from this blog

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી