‘માડીના જાયા’ ભાઈ-બહેનના સંઘર્ષમય જીવનની કરુણાંતિકા
1976 ની સુપરહિટ ફિલ્મોમાં શુમાર થયેલી આ ફિલ્મ એના ગીતો અને અભિનય થકી આજે પણ લોકહ્યદયમાં જીવે છે
રક્ષાબંધનનો તહેવાર આવે એટલે 'સોનબાઈની ચૂંદડી' ફિલ્મનું ગીત 'કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી' અચૂક સંભળાય જ. ન માત્ર આ ગીતમાં પણ ફિલ્મમાં પણ ભાઈ-બહેનના હેતને લાગણીશીલ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. જોકે ગુજરાતી સિનેજગતમાં ભાઈ-બહેનના હેતને વર્ણવતી ફિલ્મો ઘણી ઓછી માત્રામાં બની છે અને એમાંની એક સુપરહિટ ફિલ્મ એટલે વિઠ્ઠલ પ્રોડકશનની 'માડીના જાયા' જે આવી હતી 1976 માં.
'માડીના જાયા' આ શીર્ષક સાંભળતાની સાથે માસ્ટર અલંકાર અને બિંદીયા ગોસ્વામીના ચહેરા આંખની સામે તરવરવા લાગે. બિંદીયાએ 1970-80 માં હિન્દી ફિલ્મો શરૂ કરી એના થોડા વર્ષોમાં જ એને ગુજરાતી ફિલ્મો ઓફર થવા લાગી જેમાંના શરૂઆતના તબક્કાની આ એક ફિલ્મ. ફિલ્મ 'માડીના જાયા' માં આ બંને કલાકારો ઉપરાંત અંજના, દીના પાઠક, પારો, મોના, ઉમા ધવન, પુષ્પા શાહ, પેન્ટલ, આસિત સેન, જાગીરદાર, ધુમલ, સી. એસ. દુબે અને રોમાશ શર્મા જેવા કલાકારોએ અભિનય કર્યો હતો.
ફિલ્મની મૂળ વાર્તા ભાઈ-બહેનની જોડીની આજુબાજુ જ ફરે છે, જેણે નાનપણથી સંઘર્ષ જોયો છે. મા બાપના નિધન વખતે આઠ વર્ષની બહેન પર પાંચ વર્ષના ભાઈની જવાબદારી આવી પડે છે. આવામાં ન માત્ર બહેન પણ ભાઈ પણ પોતાની જવાબદારી સમજે છે અને બહેનને શક્ય હોય ત્યાં મદદરૂપ થાય છે. એ પોતાની બહેનને માનો દરજ્જો આપે છે અને તેના લગ્ન પણ કરાવી આપે છે. ફિલ્મમાં જ્યારે નાનો ભાઈ મોટી બહેનના લગ્ન કરાવી આપે છે ત્યારે આશા ભોંસલેના સ્વરમાં એક ખૂબ જ સુંદર ગીત આપવામાં આવ્યું છે જેના શબ્દો છે 'બેની તારો ચુડી ચાંદલો અમર રહેજો સદાય, માડી ના જાયાની આ દુહાઈ'.
સમય પસાર થાય છે અને લગભગ 10-12 વર્ષ વીતી જાય છે. બહેનને પરણાવ્યા બાદ ભાઈ એકલો રહી જવાથી તે શહેર કમાવા જતો રહે છે અને અહીંયા બહેનને તેના સાસરીયા અને નણંદ ત્રાસ આપે છે. તેને મહેણા-ટોણા મારામાં આવે છે કે તારો ભાઈ તને ભૂલી ગયો છે અને શહેર જઈને એકલો વસી ગયો છે પણ બહેનને આ વાત રૂચીકર લાગતી નથી અને તે દરરોજ ભાઈની વાટ જોતી રહે છે. તે પોતાના ભાઈને શહેરમાં પત્ર મોકલે છે અને તેના સાસરિયાના મ્હેણા-ટોણા ભાંગવાનું કહે છે. ભાઈની એક ઝલક મેળવવા તલપાપડ બેનલી આ બહેન વડના ઝાડ પર ચડીને ભાઈની આતુરતાથી રાહ જુએ છે પણ કુદરત અહીં રમત રમી જાય છે. ઝાડ પર ચડેલી બહેનને અચાનક સાપ કરડી જાય છે અને એ મૃત્યુ પામે છે. બહેનની ચિતા સળગતી હોય છે ત્યારે એનો ભાઈ આવી પહોંચે છે અને પોતાની બહેનને સાસરિયા તરફથી અપાતા મ્હેણા-ટોણા ભાંગે છે. બહેનની આ વસમી વિદાય સહી ન શકતા ભાઈ પણ આઘાતમાં આવી દુનિયા છોડી દે છે. સંઘર્ષથી શરૂ થયેલી આ વાર્તાનો કરુણ અંત ફિલ્મને વધારે ધારદાર બનાવે છે અને સફળ પણ. ‘સોનબાઈની ચૂંદડી’ જ્યાં ભાઈ-બહેનની વાત આવે છે એ ભાગને લાગણીશીલ દર્શાવવામાં આવ્યા છે, અને એ ફિલ્મનો મુખ્ય સાર ‘જેવા સાથે તેવા’ નો દેખાઈ આવે છે.
ફિલ્મની વાર્તા મુખરામ શર્માએ લખી હતી અને સિનેમેટોગ્રાફી ગિરીશ કર્વેએ સંભાળી હતી. ફિલ્મ ‘માડીના જાયા’ ના ગીતોની વાત કરીએ તો 'એક રૂપે તું મારી બેનડી', તોડશે કલાયુ’, 'શાને મોહન તે બંસી મુખમાં ધરી', અને 'અરે ધુતારી સામે રહેતી' એમ કુલ પાંચ ગીતો કેશવ રાઠોડની કલમેથી સર્જાયા હતા અને તમામે તમામ ગીતો હિટ રહ્યા હતા જેને દિલીપ ધોળકિયાએ સંગીત બદ્ધ કર્યા હતા.
અહીં નોંધવા જેવી વાત એ છે કે 1976 માં ભાઈ બહેનના પ્રેમને વર્ણવતી બીજી બે ફિલ્મો પણ રિલીઝ થઈ હતી. સૌથી પહેલા વર્ષ 1976 ની શરૂઆતમાં ફિલ્મ 'માડીના જાયા' રિલીઝ થાય છે. ત્યારબાદ વર્ષના મધ્યમાં 'ખમ્મા મારા વીરા' રિલીઝ થાય છે અને એ જ વર્ષના અંતમાં રિલીઝ થાય છે ભાઈ બહેનના પ્રેમને વર્ણવતી સૌથી હિટ ગુજરાતી ફિલ્મ 'સોનબાઈની ચૂંદડી' જેની વાત આપણે આગળ પણ કરી.
પુરસ્કારની વાત કરીએ તો ફિલ્મ 'માડીના જાયા' માટે દિલીપ ધોળકિયાને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ગુજરાત સરકારનો રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને આ ઉપરાંત માસ્ટર અલંકારને ગુજરાત સરકારના શ્રેષ્ઠ બાળ કલાકારનો પુરસ્કાર પણ મળ્યો હતો. એક વાત વધુ ઉમેરવી રહી કે ગુજરાત સરકાર તરફથી મળેલા એવોર્ડની આ હરીફાઈમાં બે એવોર્ડ ‘સોનબાઈની ચૂંદડી’ પણ લઈ ગઈ હતી જેમાં શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વ ગાયિકાનો એવોર્ડ ફોરમ દેસાઈને મળ્યો હતો જ્યારે આશિત દેસાઈને શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વ ગાયક માટેનો એવોર્ડ મળ્યો હતો જે તેમણે પ્રાણલાલ વ્યાસ (વણઝારી વાવ માટે) સાથે શેર કર્યો હતો.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com

.jpg)
Comments
Post a Comment