તહેવારોની સિઝનમાં ઢોલીવુડની બલ્લે બલ્લે
આવતા પાંચ અઠવાડિયામાં એકથી એક ચડિયાતી છ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં,
દર્શકોને મળશે એન્ટરટેઇનમેન્ટનો ધમાકેદાર ડોઝ
શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને એ સાથે જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં ગુજરાતી ફિલ્મોની બલ્લે બલ્લે થતી જોવા મળી શકે છે કારણ કે આવનારા પાંચ અઠવાડિયામાં અંદાજે છ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આવતા અઠવાડિયે એટલે કે રક્ષાબંધનના દિવસે 'ટોમ એન્ડ ચેરી' નામની કોમેડી ડ્રામા ફેમિલી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાગ પ્રપન્ન અને ધન્ય દોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ધર્મેશ મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેમાં શાનના અવાજમાં 'પવનની લહેરમાં ઉડ્યા પંખી' ગીત સાંભળવા મળશે, જેમાં મનીષ ભાનુશાલીનું સંગીત છે અને હુમાયુ મકરાણીએ ગીતોની રચના કરી છે. ફિલ્મના મોટાભાગના ટ્રેલરમાં ટોમ અને ચેરી વચ્ચે સારી એવી હળવાશની ક્ષણો દર્શાવવામાં આવી છે પણ ટ્રેલરના અંતમાં એક એવો ટ્વિસ્ટ દર્શાવાયો છે જે ટોમ અને ચેરીના સંબંધ પર સવાલો ઊભા કરી દે છે અને એવું શા માટે થાય છે એ જાણવા માટે ફિલ્મ જોવી રહી.
સપ્ટેમ્બર મહિનો આખો ફિલ્મોથી ભરેલો રહેવાનો છે કારણ કે આ મહિનાના ચાર અઠવાડિયામાં પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે. ચોથી સપ્ટેમ્બરે વૈશલ શાહની ધમાકેદાર ફિલ્મ 'અસંભઉઉઉ' રિલીઝ થવાની છે જેમાં રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી સાથે શિવાની ભારદ્વાજ (જે ડેબ્યૂ કરી રહી છે) મુખ્ય પાત્રમાં જોવા મળશે. વૈશાલ શાહની આ અગાઉની ફિલ્મોમાં કોઈકને કોઈક પ્રાણી વાતચીત કરતું આપણને જોવા મળ્યું છે, જેમકે 'ફક્ત પુરુષો માટે' ફિલ્મમાં કાગેશ (કાગડો), એ જ રીતે આ ફિલ્મમાં કૂતરાઓની આખી ટીમ વાતચીત કરતી જોવા મળશે અને એ જ આ ફિલ્મની ખાસિયત રહેવાની છે જે આભાલવૃદ્ધ સૌ કોઈને પોતાની તરફ આકર્ષી શકે છે. હાલમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે.
આ ઉપરાંત ૧૧મી તારીખે ‘પીધા પછી’ નામની ફિલ્મ રિલીઝ થશે જેમાં ચાર મિત્રો બેચલર પાર્ટી કરવા પટાયા જાય છે અને પછી જે ધમાલ સર્જાય છે એની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં આકાશ પંડ્યા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ત્રિવેદી, તર્જની ભાડલા મુખ્ય પાત્રમાં જોવા મળશે. 18 મી સપ્ટેમ્બર ખૂબ જ ખાસ હોવાની છે કારણ કે આ દિવસે બે ગુજરાતી ફિલ્મો વચ્ચે ક્લેશ થવાનો છે. પહેલી ફિલ્મ એટલે ધર્મેશ મહેતાની 'ફીરકી' અને બીજી ફિલ્મ એટલે સંદીપ પટેલ ડિરેક્ટર ફિલ્મ 'ચટણી'. બંને ફિલ્મોની વાત કરીએ તો ધર્મેશ મહેતાની આ એક મહિનામાં રિલીઝ થનારી બીજી ફિલ્મ હશે, જેમાં ઈશા કંસારા, વત્સલ શેઠ, વ્રજેશ હીરજી તથા જોની લીવર જેવા મોટા કલાકારો અભિનય કરતા જોવા મળશે, જ્યારે 'ચટણી' ફિલ્મ એ મલ્હાર ઠાકર અને પૂજા જોશીને તેમના લગ્ન પછી એક સાથે લાવીને રિલીઝ થનારી પહેલી ફિલ્મ હોવાની છે. આ બે મોટી ફિલ્મો વચ્ચેના કલેશમાં કઈ ફિલ્મ બાજી મારશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ દર્શકો માટે ખરેખર આ ક્લેશ રોમાંચક રહેવાનો છે એ વાત સો ટકા નક્કી.
સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે 25 સપ્ટેમ્બરે ‘મિત્રતા’ નામની ફિલ્મ રિલીઝ થશે જેમાં દીપ વૈદ્ય, વિરાજ ઘેલાણી અને વિશાલ પારેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સોલ સૂત્ર પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ ઓનિલ કાર્નિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ટૂંકમાં સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતી પ્રજા માટે એન્ટરટેઇનમેન્ટનો કમ્પ્લીટ ડોઝ તૈયાર થઈ ચૂક્યો છે અને કમાણીની દ્રષ્ટિએ ગુજરાતી સિનેમા જગતની બલ્લે બલ્લે થવાની છે એ વાત નક્કી.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)



.jpg)
Comments
Post a Comment