લંડનમાં શૂટ થયેલી ‘લાયક નાલાયક’ આજથી સિનેમા ઘરોમાં

30 થી પણ વધારે કલાકારો લઈને આવ્યા છે કોમેડી ફિલ્મ


ગુજરાતી સિનેમા જગતમાં એક બાજુ ગામડાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતી 'કડકનાથ' જેવી ફિલ્મો લોકોના મન મોહી રહી છે ત્યાં આજે એ જ સિનેમાઘરોમાં અંદાજે 30 થી પણ વધારે કલાકારોને એક સાથે ચમકાવતી મલ્ટી સ્ટારર ફિલ્મ 'લાયક નાલાયક' રિલીઝ થઈ ચુકી છે.

શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ ‘લાયક નાલાયક’ નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીતનું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ફિલ્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા ટીઝર અને ટ્રેલરને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યેની આતુરતા વધુ વધી છે.

‘લાયક નાલાયક’ની સૌથી વિશેષ વાત એ છે કે ફિલ્મનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ આકર્ષક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ભવ્ય દૃશ્યો અને ઉચ્ચ કક્ષાના નિર્માણ સાથે ફિલ્મ દર્શકોને એક અલગ જ સિનેમેટિક અનુભવ કરાવશે તેવી અપેક્ષા છે. 

ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. જેમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, ઓજસ રાવલ, અશ્મિત પટેલ, કિરણ આચાર્ય, કથા પટેલ, સ્મિતા ગોંડકર, આરતી જોશી, શેખર શુક્લા, સુનિલ વિશ્રાણી, જિતેન્દ્ર ઠક્કર, જીતુ પંડ્યા, ગ્રીવા કંસારા, મયંક પટેલ, મણિન ત્રિવેદી, મનસુખલાલ ટાંક, લલિત ઠક્કર, રાજ ગણાત્રા, યજ્ઞેશ શર્મા, ગીતા સોલંકી, પૂર્વા શાહ અને શાવર અલીનો સમાવેશ થાય છે. ફિલ્મનું સંગીત બિપ્લબ દત્તાએ આપ્યું છે, જ્યારે ગીતો જયેશ બારોટ અને અવિનાશ ખત્રીએ લખ્યા છે. 

ફિલ્મના નિર્માતા રાજેશ આર. પટેલના જણાવ્યા અનુસાર, ‘લાયક નાલાયક’ માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નથી, પરંતુ ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવવાનો પ્રયાસ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિલ્મની મજબૂત સ્ટારકાસ્ટ, લંડનમાં થયેલું ભવ્ય શૂટિંગ અને ઉચ્ચ ગુણવત્તાનું નિર્માણ દર્શકોને જરૂર પસંદ પડશે.

ફિલ્મના લેખક અને દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તાએ જણાવ્યું કે ફિલ્મમાં પરિવાર, સંબંધો અને જીવનના મૂલ્યોને સ્પર્શતી ભાવનાત્મક તેમજ પ્રેરણાદાયી કહાની રજૂ કરવામાં આવી છે. દરેક પાત્રને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યું છે જેથી દરેક વર્ગના દર્શકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકે. ગુજરાતી સિનેમા જગતમાં ઘણા વખત પછી એક સ્લેપ્ટિક કોમેડી લઈને આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસની બારીએ કેટલું કાઠું પાડે છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.

 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 

Comments

Popular posts from this blog

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’

એ હાંભળો સો... રામલો અને રતન પાછા આવ્યા સે