આવતા ત્રણ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો જાણી લો
કોમેડી સાથે એક્શન ડ્રામા લઈને આવ્યો છે આ મહિનો જેમાં 21 વર્ષ બાદ રી-રિલીઝ થશે એક ફિલ્મ
વર્ષના શરૂઆતના છ મહિનામાં ગુજરાતી સિનેમા જગતમાં અંદાજે 50 જેટલી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને હવે આવનારા છ મહિનામાં હજુ અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
જુલાઈ મહિનાના ચાર અઠવાડિયામાં છ ફિલ્મ રિલીઝ થવાની છે એમાં પહેલા અઠવાડિયામાં જ એટલે કે આજે ત્રીજી જુલાઈએ બે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પહેલી ફિલ્મ 'કર્માનું રહસ્યમ' એ ક્રાઈમ ફિલ્મ છે જે આસિફ સિલાવતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ઉત્સવ નાયક અને સપના વ્યાસ, મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે અરવિંદ વેગડા, બંસી રાજપુત, મકરંદ શુક્લા અને ખુદ આસિફ સિલાવત અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ સાથે 'અઘરું છે યાર' નામની ડ્રામા ફિલ્મ રિલીઝ થશે જે તપન પટેલે ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં જયદીપ ગાંગાણી તથા ઉર્વશી ચૌહાણ, મેહુલ બુચ, ઓમ ભટ્ટ અને અન્ય કલાકારો જોવા મળશે.
આ ઉપરાંત બીજા અઠવાડિયામાં 'રંગા' અને 'શાતિર' નામની બે ક્રાઈમ ફિલ્મ રિલીઝ થશે જે અનુક્રમે શ્રીકાંત ચૌધરી અને રૂપીન શાહે ડિરેકટ કરી છે. આ બે અઠવાડિયા બાદ થોડી હલકી ફુલકી કોમેડી ફિલ્મ ‘હિપ હિપ હુરે’ લઈને નિશિત બ્રહ્મભટ્ટ આવી રહ્યા છે જેમાં સંજય ગોરડીયા, ચેતન દૈયા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, હીના જયકિશન, ભાવિની જાની જેવા કલાકારો જોવા મળશે અને ત્યારબાદ મહિનાના અંતમાં 'ડમરુ' નામની બીજી એક કોમેડી ફિલ્મ રિલીઝ થશે જેમાં ફરી એકવાર સંજય ગોરડીયા સાથે નક્ષરાજ, નીરવ વૈદ્ય, સૌરભ રાજ્યગુરુ, મૌલિક ચૌહાણ અને હેમાંગ દવે અભિનય કરતા જોવા મળશે. જોકે આ પહેલા 24 મી જુલાઈએ તન્મય સેનગુપ્તાની ફિલ્મ 'લાયક નાલાયક' રિલીઝ થશે જેમાં હિતુ કનોડિયા, હિતેન કમાર, કથા પટેલ, ઓજસ રાવલ અને અન્ય કલાકારોનો મેળાવડો જોવા મળશે.
જોકે જુલાઈ મહિનામાં બીજી એક ખાસ વાત એ કે 2005માં રિલીઝ થયેલી કલ્ટ ક્લાસિકલ ગુજરાતી ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ 21 વર્ષ બાદ ફરી એકવાર ફરી રી-રિલીઝ થશે. હિતેનકુમાર અને રાજલક્ષ્મી અભિનેત આ ફિલ્મ 17 જુલાઈએ મલ્ટિપ્લેક્સમાં જોવા મળશે, જેની જાહેરાત હિતેન કુમારે પોતે સોશ્યલ મીડિયા પર આવીને કરી હતી.
જુલાઈ મહિના બાદ જે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે એને ધ્યાનમાં રાખીને અનેક ફિલ્મ નિર્માતા પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મોની તારીખો જાહેર કરી રહ્યા છે. પાર્થ ત્રિવેદી રોનક કામદાર અને મિત્ર ગઢવીને લઈને 'અસંભાઉઉ' નામની ફિલ્મ રિલીઝ કરશે જ્યારે 25મી સપ્ટેમ્બરે દીપ વૈદ્ય, વિરાજ ઘેલાણી અને વિશાલ પારેખ અભિનેત્રી ફિલ્મ ‘મિત્રતા’ રિલીઝ થશે. આ ફિલ્મ સોલસૂત્ર બેનર હેઠળ બનાવવામાં આવી છે. વર્ષના અંત સુધીમાં ગુજરાતી પ્રજાને મલ્હાર ઠાકરની એક ફિલ્મ ચોક્કસથી જોવા મળશે. આ ફિલ્મનું શીર્ષક ‘ફાફડા જલેબી’ રાખવામાં આવ્યું છે જે ‘હું ઈકબાલ’ અને ‘ભ્રમ’ જેવી ફિલ્મ બનાવી ચૂકેલા પલ્લવ પરીખ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. પલ્લવ પરીખની આ કોમેડી ફિલ્મમાં મલ્હાર સાથે પરીક્ષિત તમાલિયા, અભિનય બેન્કર, પૂજા જોશી, હીના જયકિશન અને મેઘા વ્યાસ જોવા મળશે. જોકે આ ઉપરાંત હજુ ઘણી ગુજરાતી ફિલ્મો છે જે પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે અને ઓગસ્ટ મહિનાની આજુબાજુ રિલીઝ થઈ શકે છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)



Comments
Post a Comment