એ હાંભળો સો... રામલો અને રતન પાછા આવ્યા સે

ઢોલીવૂડની સૌથી મોંઘી કહેવાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ નવા રૂપરંગ સાથે આજથી થઈ રી-રિલીઝ



જય અને વીરુની વાત કરો તો ‘શોલે’ (1975) ફિલ્મ યાદ આવે, રાજ અને સીમરનની જોડી યાદ કરો તો ‘ડીડીએલજે’ (1995) પિક્ચર યાદ આવે,  એ જ પ્રમાણે રામ અને રતનની વાત કરો તો ‘મૈયરમાં મનડું નથી લાગતું’ (2001) ફિલ્મ યાદ આવે અને આ ફિલ્મને આજે યાદ કરવાનું કારણ માત્ર એટલું કે આજે 25 વર્ષે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ એક નવા રૂપરંગમાં રી-રીલીઝ થઈ રહી છે.

‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મમાં મેગાસ્ટાર હિતેન કુમાર સાથે આનંદી ત્રિપાઠી (મૂળ નામ અપેક્ષા) ની જોડી ખૂબ વખાણવામાં આવી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત, જયેન્દ્ર મહેતા, જેમીની ત્રિવેદી, ચારુબેન પટેલ, દુર્ગા ભટ્ટ, રેખા પરમાર, મહેશ જોશી, ઝાકીર ખાન, નિલેશ સુખડિયા, કેસ્ટો ઈકબાલ, દિનેશ લાંબા અને મહેમાન કલાકાર તરીકે ફિરોઝ ઈરાની જોવા મળ્યા હતા જ્યારે બાળ કલાકાર તરીકે જીગ્નેશ ગાંગાણી અને તુષારિકા રાજ્યગુરૂએ અભિનય કર્યો હતો. તુષારિકા રાજ્યગુરૂ આજની તારીખમાં આપણને ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મોમાં અભિનેત્રી જોવા મળી છે જેમાં ‘ત્રણ એક્કા’ (2023), ‘હાહાકાર’ (2024) અને ‘શુભચિંતક’ (2025) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ની વાર્તાની વાત કરીયે તો મૈયર એટલે પિયર. આ ફિલ્મ એક એવી મહિલાની લાગણીઓનું પ્રતિબિંબ છે, જે પોતાના પતિ માટે બધું ત્યાગી શકે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે પતિ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય છે, ત્યારે સ્ત્રી પિયરમાં રહીને પણ શાંત રહી શકતી નથી. એના મનમાં પતિ માટેનો પ્રેમ અને ચિંતા સતત રહેતી હોય છે. આ ફિલ્મ એક એવો સંદેશ આપે છે કે સાચો પ્રેમ એ માત્ર એકમેકના સાથ-સંગાથમાં રહેવાનો આનંદ નથી, પણ મુશ્કેલ સમયમાં સાથ નિભાવવાનો સંકલ્પ છે. ફિલ્મનો એક સીન જેમાં રતન પોતાના મૈયરના દરેક સભ્યોને સમજાવીને વગર જાનૈયાએ સામેથી ચાલીને મરણપથારીએ સૂઈ રહેલા રામની ભાર્યા બનીને તેના ઘરમાં કંકુ પગલા કરે છે, સૌથી પ્રબળ અને દમદાર દ્રશ્યોમાંનો એક છે. ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ રિલીઝ થઈ ત્યારે તેની ટિકીટ 15-20-22 રૂપિયામાં વેચાતી અને એ જ ફિલ્મની ટિકીટ 150-200 રૂપિયામાં બ્લેકમાં વેચાતી અને લોકો ખરીદતા પણ ખરા. બ્લેકમાં આ ફિલ્મની ટિકીટ વેચનારાઓએ પોતાના ઘર અને બંગલા બાંધી દીધા હોવાના કિસ્સા પણ નોંધવામાં આવ્યા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 2001માં અંદાજે 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી તમામ રેકોર્ડ તોડી દીધા હતા. 

25 વર્ષ બાદ ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ રિલીઝ કરવા પાછળનો ફિલ્મ મેકરનો ઉદ્દેશ્યો એ છે કે આ ફિલ્મ વર્ષ 2001માં જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે એ ફિલ્મ સતત 52 અઠવાડિયા સુધી સિનેમા ઘરોમાં ચાલી હતી અને ધૂમ મચાવી હતી. જોકે નવી રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મોને થિયેટરમાં સ્ક્રીન મળી શકે એ માટે આ ફિલ્મને ઉતારી લેવામાં આવી હતી. એ સમયગાળામાં આ ફિલ્મની તાતી સામાજિક અસર પણ જોવા મળી હતી. ફિલ્મ કલાકારો અને ફિલ્મ મેકરના જણાવ્યા મુજબ આ ફિલ્મ થકી અનેક ઘરોમાં ચાલી રહેલા ઝઘડાઓ અને કલેશ નાબૂદ થયા હતા તો વળી જે પરિવારોમાં મતભેદ હતો એ પણ દૂર કરવામાં આ ફિલ્મે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ માં કુલ આઠ ગીતો હતા અને આઠે આઠ ગીતો સુપર ડુપર હિટ સાબિત થયા હતા જેમાંથી 'સાયબા મને નિંદરડી ના આવે...', 'કુકુ બોલે કોયલડી...', 'ઝીણા ઝીણા મોરલિયા...' વગેરે ગીતો આજે પણ લોકપ્રિય છે અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અનેક લોકો આજે પણ એ ગીતો પર રીલ્સ બનાવે છે. પાશ્વ ગાયક કલાકાર તરીકે અરવિંદ બારોટ, અલ્કા યાજ્ઞિક, સાધના સરગમ, વત્સલા પાટીલ અને દિવાળીબેન ભીલનો અવાજ માણવા મળ્યો હતો. જશવંત ગાંગાણીએ ન માત્ર આ ફિલ્મનું નિર્માણ તથા દિગ્દર્શન કર્યું હતું પરંતુ તેમણે આ ફિલ્મની કથા અને ગીતો પણ લખ્યા હતા. ફિલ્મોના સંવાદ જશવંત ગાંગાણી સાથે મળીને અરવિંદ બારોટ તથા ચંદ્રેશ પટેલ લખ્યા હતા. ફિલ્મનું સૌથી સબળું પાસું ગણાતું સંગીત ગૌરાંગ વ્યાસે તૈયાર કર્યું હતું. સંગીતની વાત નીકળી છે તો એટલું ચોક્કસ જાણવું રહ્યું કે એ જમાનામાં આ ફિલ્મનું બેગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરવા માટે અંદાજે દસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને આઠ ગીતો અને તૈયાર કરવા‌ માટે અલગથી 12 લાખ રૂપિયા ખર્ચાયા હતા.

વર્ષ 2001 માં ગુજરાતી પિક્ચરો 35-40 લાખ રૂપિયામાં બની જતી હતી અને એ જ જમાનામાં કોઈ કરોડ રૂપિયાની ગુજરાતી પિક્ચર બનાવે તો એ પ્રોડ્યુસર, ડિરેક્ટરને ખરેખર ગાંડી અને વિચિત્ર વ્યક્તિ તરીકે જોવામાં આવતી. જશવંત ગાંગાણી સાથે આવું જ થયું હતું. વર્ષ 2000માં તેમણે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મ બનાવવાની શરૂઆત તો કરી પણ આ ફિલ્મનું બજેટ જોત-જોતામાં ક્યારે 70-80 લાખ રૂપિયાથી વધીને 1 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગયું એ ખબર પણ ન પડી. 40 લાખ રૂપિયાનો માત્ર ફિલ્મનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને જોવા લોકો દૂર દૂરથી આવતા. આ સેટ હાલોલ પાસેના લકી સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ફિલ્મ શૂટ થઈ ગયા પછી પણ અન્ય ફિલ્મોની શૂટિંગ માટે રંગરોગાન કરી ઉપયોગમાં લેવાયો હતો. ફિલ્મની શૂટિંગ શરૂ થવાના બે મહિના પહેલાથી જ  સેટ બનાવવાનું કામ શરૂ કરી દેવાયું હતું. 

પડદા પાછળની વાત કરીયે તો જયવંત ભાઈ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મની વાર્તાને ધ્યાનમાં રાખીને નવા ચહેરાની શોધમાં હતા. એવામાં હિતેન કુમારને આ ફિલ્મની જાણ થતા તેમણે રામનો રોલ કરવાની માંગણી કરી અને એક મહિનામાં 12-15 કિલો વજન ઉતારી પાત્રની જરૂરિયાત મુજબ કાઠિયાવાડી રામના રૂપમાં જસવંતભાઈ સામે આવીને ઊભા રહ્યા અને એ પ્રમાણે ડિરેક્ટરને તેનો હીરો મળી ગયો. આનંદી ત્રિપાઠી ઢોલીવૂડ માટે નવો ચહેરો હતા જેમાં ડિરેક્ટરને જોઈતી દરેક ખૂબી જોવા મળી. આનંદી એ પહેલા દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. ફિલ્મના કોશચ્યુમ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું અને પરિવારીક મૂલ્યોને સહજતાથી વણી લેવામાં આવ્યા હતા. 

ન માત્ર વાર્તા કે સેટ પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ એ સમયની સૌથી એડવાન્સ ટેક્નોલોજીથી બનેલી ફિલ્મ હતી. સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મો માટે જે ઉચ્ચ ક્વૉલિટીની નેગેટિવ એ સમયે વાપરતા એ ક્વૉલિટીની 35 એમએમમાં આ ફિલ્મ શૂટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોલ્બી સાઉન્ડમાં ફિલ્મ રજૂ કરાઈ હતી. તેથી એ વખતે પણ એની રંગસજ્જા અને પડદા પર પ્રિન્ટની ગુણવત્તા ખૂબ સરસ હતી. વળી જે કેમેરાથી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ શૂટ કરવામાં આવી હતી એ જ કેમેરાથી આ ફિલ્મની શૂટિંગ પહેલા રિતીક રોશન અને અમીષા પટેલની ડેબ્યુ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ (2000) શૂટ કરવામાં આવી હતી. વળી ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મથી પ્રેરાઈને જ સૂરજ બડજાત્યાના રાજશ્રી પ્રોડક્શને એ જ કહાણીને કેન્દ્રમાં રાખીને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મ બનાવી હતી અને થોડા ઘણાં સુધારા કરીને પ્રેરાઈને સૂરજ બડજાત્યાએ શાહીદ કપૂર અને અમૃતા રાવને લઈને ‘વિવાહ’ (2006) બનાવી હતી, જે પણ હિટ રહી હતી. 

આજે 25 વર્ષ બાદ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ શહેરથી દૂર રહેતી મોટાભાગની જનતા માટે મલ્ટિપ્લેક્સમાં રી-રિલીઝ કરવામાં આવી રહી છે. પારિવારીક મૂલ્યોને વણી લેતી  ગુજરાતી ફિલ્મો ફરી પાછી ગુજરાતી જનતા વચ્ચે ધબકતી થાય એ ઉદ્દેશથી આ રી-રિલીઝનું પગલું લેવામાં આવ્યું છે, જેને મળનારા પ્રતિસાદ પર સૌ કોઈની નજર રહેશે.




- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં