પાંચમા મહિને પાંચ ફિલ્મોનો પંચ
અલગ અલગ જોનરની આ પાંચેય ફિલ્મો એકમેકથી ચડિયાતી હોવાને લીધે તેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની થઈ શકે છે સ્પર્ધા
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે અટકી ગઈ હતી. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ઘણી નાની ફિલ્મો આવીને જતી રહી જેની કોઈને જાણ પણ નહોતી. પણ હવે મે મહિનાના પાંચેય અઠવાડિયામાં અલગ અલગ જોનરની પાંચ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની સ્પર્ધા સર્જાઈ શકે છે.
24 એપ્રિલે રાજા સંજય ચોકસી દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘બેહરૂપિયો’ રિલીઝ થઈ હતી જેને શરૂઆતના એક અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવવા ખાસી એવી મહેનત કરવી પડી હતી. પણ મે મહિનાની શરૂઆત નૅશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ ના ડિરેક્ટર અભિષેક શાહની ફિલ્મથી થવા જઈ રહી છે જેનું ટાઈટલ છે ‘ધબકારો’. આ ફિલ્મમાં દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ વાર્તા એક એવા વ્યક્તિની આજુબાજુ ફરે છે જેને જીવનના છેલ્લા તબક્કે આવતા પોતાની ભૂલો સમજાય છે અને તેને આ તબક્કે એવી વ્યક્તિઓ મળે છે જેવો એક સમયે તેનો પોતાનો સ્વભાવ હતો. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાને દીકરા જુનૈદ ખાન સાથે હાજરી આપી હતી અને તેણે પોતે કહ્યું હતું કે જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘એક દિન’ જે એક મે ના રોજ રિલીઝ થઈ રહી છે એ જોતા પહેલા ‘ધબકારો’ એકવાર જરૂરથી જુએ. આમિર ખાન તરફથી મળેલા આ સપોર્ટને કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરવામાં સફળ રહે છે એ જોવું રસપ્રદ રહેશે.
બીજા અઠવાડિયામાં એટલે કે આઠમી મેના રોજ ધ્વનિ ગૌતમ દ્વારા દિગ્દર્શિત મલ્ટી સ્ટારર ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ રિલીઝ થશે. આ ફિલ્મમાં પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, ભાવિન ભાનુશાલી, મિલોની જોનસા, ધર્મેશ વ્યાસ, ચેતન દૈયા, હેમાંગ દવે અને અન્ય કલાકારો જોવા મળશે.
ગયા વર્ષે પૂજા જોશી અને ચેતન ધાનાણીની ફિલ્મ ‘શસ્ત્ર’ રિલીઝ થઈ હતી જે સાયબર ફ્રોડ પર આધારિત હતી અને 15 મે ના રોજ વધુ એક સાયબર ફ્રોડની સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક ફિલ્મ ‘ધરપકડ’ રિલીઝ થવાની છે જેમાં મલ્હાર ઠાકર અને ‘લાલો’ ફિલ્મ ફેમ શ્રુહદ ગોસ્વામી મુખ્ય પાત્રમાં જોવા મળશે જેમાં તેમની સાથે પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ પણ રૂપેરી પડદે જોવા મળશે. મલ્હાર અને શ્રુહદની કેમેસ્ટ્રી પહેલીવાર એક સાથે ફિલ્મી પડદા પર જોઈ શકાશે અને આ ફિલ્મ દર્શકોના દિલ-ઓ-દિમાગની સફળતાપૂર્વક ધરપકડ કરી શકશે કે નહીં એ જોવા જવું રહેશે.
22 મે ના રોજ ‘શુભ મંગલ ધમાલ’ નામની કોમેડી ફિલ્મ રિલીઝ થશે જેનું દિગ્દર્શન વિપુલ શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં તુષાર સાઢુ સહિત વ્યોમા નંદી, ખુશ્બુ ત્રિવેદી, આકાશ પંડ્યા, જય પંડ્યા, રાગી જાની, અર્ચન ત્રિવેદી અને પ્રશાંત બારોટ જેવા કલાકારો અભિનય કરતા જોવા મળશે. અને મહિનાના અંતમાં ‘કબંદા’ નામની ફિલ્મ રિલીઝ થશે જેનું ડિરેક્શન રેહાન ચૌધરીએ કર્યું છે. એક્શન ડ્રામા ધરાવતી આ ફિલ્મમાં શ્યામ નાયર, તર્જની ભાડલા, બ્રિન્દા ત્રિવેદી, રુચિતા ચોટાણી અને અંકિત બ્રહ્મભટ્ટ મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની ખાસિયત એ છે કે અહીં પૌરાણિક કથાને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં એક રાજકુમારની ભયાનક રીતે વાપસી થશે અને દર્શકોને માથોલોજીકલ હોરર થ્રીલરનો અનોખો અનુભવ મળશે. ટૂંકમાં આ પાંચે ફિલ્મો અલગ અલગ જોનરવાળી અને અલગ અલગ દર્શકોને આકર્ષવામાં કેવો ભાગ ભજવે છે એ તો મહિનાના અંતમાં જ ખબર પડશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



.jpg)
Comments
Post a Comment