'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' આજે પણ લોકપ્રિય છે

જે જમાનામાં ફિલ્મોની ટિકિટ 10 થી 15 રૂપિયામાં મળતી હતી એ જમાનામાં આ ગુજરાતી ફિલ્મે 22 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.



જે પ્રમાણે રંગબેરંગી મોર વચ્ચે સફેદ મોર આકર્ષક દેખાઈ આવે એ જ પ્રમાણે હાલમાં રિલીઝ થઈ રહેલી નવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો વચ્ચે રી-રિલીઝ થઈ રહેલી ફિલ્મો અલગ દેખાઈ આવે છે. ગયા અઠવાડિયે હજુ 'જય કનૈયા લાલ કી' ફિલ્મ રિલીઝ થઈ હતી એની સાથે જ 1998 ની સૌથી લોકપ્રિય અને સફળ એવી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' રી-રિલીઝ કરવામાં આવી હતી. આ પહેલા ગયા વર્ષે હિતેન કુમારની જ સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડુ નથી લાગતુ'  રી-રિલીઝ કરવામાં આવી હતી.

ગોવિંદભાઈ પટેલ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના મુખ્ય નાયક, નાયિકા હતા હિતેન કુમાર અને  રોમા માણેક  જેમને આપણે રામ અને રાધાના પાત્રમાં અભિનય કરતા જોયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, પિંકી પરીખ, રમેશ મહેતા, સમીર રાજડા, રાજદીપ , ભૂમિકા શેઠ અને દેવેન્દ્ર પંડિતે પણ અભિનય કર્યો હતો.

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ગુજરાતી ફિલ્મ જગતમાં એક એવી ફિલ્મ છે જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમાજના બદલાતા મૂલ્યો અને માનસિકતાને ખૂબ સંવેદનશીલ રીતે રજૂ કરે છે. ૧૯૯૮માં બનેલી આ ફિલ્મ તે સમયની સામાજિક હકીકત પરથી પ્રેરિત હતી, જ્યારે ગુજરાતમાં પરદેશ જવાની લહેર ઝડપથી વધી રહી હતી. રોજગાર, સુખ અને ભવિષ્યની શોધમાં લોકો પોતાના વતન, પરિવાર અને સંસ્કૃતિથી દૂર જવા લાગ્યા હતા. દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલે આ પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને એક સામાન્ય પરંતુ હૃદયસ્પર્શી પરિવારકથા રજૂ કરી, જેમાં કોઈ અતિનાટકીય ઘટનાઓ નહીં, પરંતુ જીવન જેવી સાદગીથી ભરપૂર લાગણીઓ છે. આ ફિલ્મની વાર્તા ગોવિંદભાઈ બારોટે તથા મુકેશ માલવણકરે લખી હતી.

ફિલ્મની બનાવટ સીમિત સાધનો અને બજેટમાં થઈ હોવા છતાં તેની તાકાત તેની વાર્તા અને રજૂઆતમાં હતી. મોટા સેટ્સ કે ટેકનિકલ ચમકધમક કરતાં સાચા પાત્રો, વાસ્તવિક સંવાદો અને ઘરેલું વાતાવરણ ફિલ્મને વધુ વિશ્વસનીય બનાવે છે. હિતેન કુમાર અને રોમા માણેક સહિત તમામ કલાકારોએ પાત્રોને ખૂબ સહજ રીતે જીવંત કર્યા છે, જેથી પ્રેક્ષકોને એવું લાગે છે કે તેઓ પોતાના પરિવારની જ કહાની જોઈ રહ્યા છે.

ફિલ્મ સુપરહિટ થવાનું મુખ્ય કારણ તેની સંબંધિતતા હતી. વિદેશ જવાની ઇચ્છા, માતા-પિતાની એકલતા, પૈસા અને લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ તથા પરંપરા અને આધુનિકતાનો ટકરાવ – આ બધું લગભગ દરેક ગુજરાતી પરિવારના જીવનનો ભાગ રહ્યો હતો. ફિલ્મ કોઈ સીધો ઉપદેશ આપતી નથી, પરંતુ લાગણીઓ દ્વારા પ્રશ્નો ઉભા કરે છે, જે પ્રેક્ષકોને અંદર સુધી સ્પર્શે છે. એ જ કારણ છે કે આ ફિલ્મ દરેક પેઢીને પોતાની લાગે છે.

ફિલ્મનું સંગીત તેની આત્મા સમાન છે. ગીતો સરળ અને મીઠા શબ્દોમાં લખાયેલા છે, જેમાં લોકસંગીતની છાંટ અને ભાવનાત્મક ઊંડાણ જોવા મળે છે. ગીતો માત્ર મનોરંજન માટે નથી, પરંતુ વાર્તાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે પણ આ ગીતો સાંભળીએ ત્યારે વતનની યાદ, પરિવારની લાગણી અને સંસ્કૃતિની સુગંધ અનુભવી શકાય છે.

ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ના ગીતો ની ખાસ કરીને વાત કરીએ તો દરેકે દરેક ગીત સુપર ડુપર હિટ રહ્યા હતા. ફિલ્મમાં કુલ આઠ ગીત હતા.   'વાવડીના પાણી ભરવા ગ્યાતા' જેવા લોકગીત સાથે, 'ઊંચા ઊંચા બંગલા બનાવો', 'જાન જોડી આવ્યા'   જેવા લગ્ન ગીત અને ફટાણા આજે પણ આ ફિલ્મની ઓળખ બનીને ઉભા છે. 'એલી રાધાડી રે', 'એવા માંડવ રોપાવ્યા મારે આંગણે', 'ઘમ્મર ઘમ્મર મારૂં વલોણું ગાજે', 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' અને 'છોડ્યા દાદાને છોડી ડેલીયું રે' જેવા હૃદય સ્પર્શી ગીતોને અરવિંદ બારોટ, સાધના સરગમ અને વત્સલા પાટીલ તથા જયશ્રી ભોજવિયા જેવા ગાયક કલાકારોએ સ્વર આપ્યો હતો

આ ફિલ્મની સૌથી મોટી અનોખી ઓળખ એ છે કે તેમાં પરદેશને માત્ર સપના તરીકે નહીં, પરંતુ તેની કિંમત સાથે રજૂ કરવામાં આવ્યો છે. અહીં કોઈ એક ખલનાયક નથી; પરિસ્થિતિઓ જ વિલન બનીને સામે આવે છે. સંસ્કૃતિ અને આધુનિક જીવન વચ્ચેનો સંઘર્ષ સંતુલિત રીતે બતાવવામાં આવ્યો છે, જ્યાં બંને તરફના સત્યને માન આપવામાં આવ્યું છે. ગામડાની ભાષા, કહેવતો અને સંવાદોની સાદગી ફિલ્મને વધુ મજબૂત બનાવે છે.

ટૂંકમાં કહીએ તો 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' માત્ર એક સફળ ફિલ્મ નથી, પરંતુ એક સમયનું જીવંત દસ્તાવેજ છે. તે આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે, કારણ કે પરદેશ, પરિવાર અને મૂળ સાથે જોડાયેલા પ્રશ્નો આજે પણ અચળ છે. આ ફિલ્મ આપણને યાદ અપાવે છે કે સુખ-સગવડ અને પૈસા મહત્વના છે, પરંતુ પોતાના મૂળ, સંસ્કાર અને સંબંધો એની કરતાં અનેક ગણાં વધુ કિંમતી છે. અને કદાચ ફિલ્મના આજ સંદેશને કારણે જે જમાનામાં ફિલ્મની ટિકિટ 10 - 15 રૂપિયાની મળતી હતી એ જમાનામાં આ ફિલ્મ 22 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો જેની લીધે તે એ જમાના ની સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન કરનારી નંબર વન ગુજરાતી ફિલ્મ બની હતી.



- આર. જે. સચીન વજાણી / કાજોલ વજાણી

- +91-9892957645


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં