બોક્સઓફિસ કલેક્શનમાં ઢોલીવુડની ડબલ સેન્ચુરી

લાલો, ચણિયા ટોળી, ઉંબરો અને અન્ય ફિલ્મોની સફળતાને લીધે વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે સફળ રહ્યું એમ ચોક્કસ કહી શકાય



થોડા સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ જગતે 100 કરોડનો વકરો કર્યો હોવાની વાત કહેવામાં આવી હતી અને આ રિપોર્ટ આવ્યાના થોડા દિવસ બાદ જ ‘લાલો’ ફિલ્મે એકલા હાથે 100 કરોડથી વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી બતાવ્યું એટલે જોવા જઈએ તો વર્ષ 2025 ઢોલવુડ માટે ડબલ સેન્ચુરી લઈને આવ્યું છે. 

વર્ષ 2025ની સૌથી સફળ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ‘લાલો :  શ્રીકૃષ્ણ સદા સહાયતે’ અત્યાર સુધી અંદાજિત 112 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે. ભારત સિવાય આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, યુએસએ, જર્મની જેવા દેશમાં પણ રિલીઝ કરવામાં આવી છે. લાલો રિલીઝ થયાના અઠવાડિયા પછી જ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા ડિરેક્ટેડ અને યશ સોનીને ચમકાવતી ફિલ્મ ‘ચણિયા ટોળી’ રિલીઝ થઈ હતી.  રિલીઝ થયાના શરૂઆતી દિવસોમાં જ આ ફિલ્મે જબરદસ્ત કલેક્શન કર્યું હતું. તેમ છતાં ફિલ્મ અંદાજે 23 કરોડ રૂપિયાનો વકરો કરી શકી હતી.  જોકે સૌ કોઈને એવી આશા હતી કે દિવાળીના સમયમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હજુ વધારે બિઝનેસ કરી શકશે પણ એ આશા લાલોની સફળતામાં ક્યાંક આલોપ થઈ ગઈ હતી અને લાલોએ ધીમી શરૂઆત કરવા છતાં હરણફાળ ગતિ મેળવી લીધી હતી.

આ બે ફિલ્મ બાદ સૌથી વધારે બોક્સ ઓફિસ કલેક્શન કરનારી ગુજરાતી ફિલ્મોની યાદીમાં ત્રીજા નંબરે આવે છે અભિષેક શાહની ફિલ્મ ‘ઉંબરો’. આ ફિલ્મ વર્ષની શરૂઆતમાં જ આવી હતી જે સંપૂર્ણપણે એક મહિલાપ્રધાન ફિલ્મ હતી અને મરાઠી ફિલ્મ ‘જીમ્મા’ની રિમેક હતી. વંદના પાઠક, કાજલ ઓઝા વૈધ, સુચેતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વનીતા જોશી, આર્જવ ત્રિવેદી અને સંજય ગલ્સાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અંદાજે 21 દિવસ લંડનમાં શૂટ કરી આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અંદાજે 17 કરોડ રૂપિયા કમાઈ શકી હતી.

વર્ષ 2025 માં જે પણ ફિલ્મો સારુ એવું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકી હતી તેમનાં આંકડાઓમાં બહુ નાનું માર્જિન જોવા મળ્યું હતું. બીજા અને ત્રીજા નંબરની ફિલ્મોમાં પાંચ-છ કરોડનું અંતર જોવા મળ્યું પણ ત્યારબાદ જે ફિલ્મો છે એમાં માંડ એક કરોડનું અંતર જોવા મળી રહે છે, એટલે કે કોમ્પિટીશન જોરદાર જોવા મળી હતી. વર્ષ 2023 માં આવેલી હોરર ફિલ્મ ‘વશ’ નો ભાગ-૨ આ વર્ષે ગુજરાતી અને હિન્દી એમ બે ભાષામાં રિલીઝ થયો હતો. કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અંદાજે 16 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી જ્યારે ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા રત્ના પાઠક શાહ સાથેની ફિલ્મ ‘બચુની બેનપણી’ 15 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરવામાં સફળ રહી હતી. 

આ તમામ ટોપ 5 ફિલ્મોમાં મલ્હાર ઠક્કરની એક પણ ફિલ્મ સામેલ નથી. તેમ છતાં છઠ્ઠા અને સાતમા નંબરે મલ્હારની જ બે ફિલ્મો સ્થાન ધરાવે છે અને એ છે ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ અને ‘જય માતાજી લેટ્સ રોક’ જેણે અનુક્રમે 14 અને 8 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. ફિલ્મનો કોન્ટેન્ટ સારો અને રસપ્રદ હોય તો ઓડિયન્સ તેને વધાવી જ લેય. પલ્લવ પરીખ દિગ્દર્શિત ફિલ્મ ‘ભ્રમ’ માઉથ પબ્લિટીના આધારે અને સારી એવી માર્કેટિંગના આધારે જ લોકોના મનમાં ઘર કરી શકી હતી જેથી તે બોક્સ ઓફિસ પર 6 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી. 

આ બધાં બોક્સ ઓફિસ કલેક્શન આંકડાઓનો સરવાળો કરીએ તો ખબર પડશે કે આ વર્ષે ગુજરાતી સિનેમા જગતે બોક્સ ઓફિસ કલેક્શનમાં ડબલ સેન્ચુરી લગાડી દીધી છે અને આવનારા વર્ષ 202 માં આ આંકડો ઉપર જાય છે કે નીચે એ જોવાની ખરેખર મજા આવશે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં