પોંજરામાં પોપટ બોલે... પણ કેટલા ??

આ ગુજરાતી લોકગીત આજે ઢોલીવૂડનું પહેલું આઇટમ સોન્ગ બનીને રજૂ થઈ રહ્યું છે જેને દર્શકો માણતા અચકાતા નથી



‘હે ગોરી લીલું પીળું પાંજરુ ઘડાઓ, કે પાંજરામાં પોપટ બોલે’... આ લોકગીત દરેક ગુજરાતી જાણતો જ હશે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગીતને અલગ અલગ સંગીતકારોને તાલબદ્ધ કરીને, અલગ અલગ ગીતકારો પાસે ગવડાવ્યું છે. તો વળી ગીતકારોએ પણ મૂળ લોકગીતનો ભાવ જાળવી રાખી કેટલાક શબ્દિક સુધારા કરી નવી કડીઓ પણ રચી છે. 

હાલના સમયમાં ઢોલીવૂડમાં આ ગીતની એક નવી ધૂન સાંભળવા મળી રહી છે જેને ફિલ્મ ‘ચણિયા ટોળી’ માં સામેલ કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે આ લોકગીતમાં સુધારા વધારા કરી એને આઇટમ નંબર તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને એ ગીત ગુજરાતી સિને જગતનું પહેલું આઇટમ નંબર સોન્ગ બની ગયું છે. આ આઇટમ નંબરમાં જાનકી બોડીવાલા, યસ સોની સાથે ડાન્સ કરતી જોવા મળે છે, જે યુવાઓમાં ઘણું લોકપ્રિય બની રહ્યું છે. રાકેશ બારોટ તથા જાહન્વી શ્રીમાંકરે આ ગીત ગાયું છે અને મનુ રબારીએ લખ્યું છે. તેમ છતાં ‘પાંજરામાં પોપટ બોલે’ એ લોકગીત આઇટમ નંબર બનતા પહેલા અનેકોવાર ફિલ્મો અને ગુજરાતી આલ્બમ રૂપે રજૂ થતું રહ્યું છે, જેના પર આજે આપણે નજર કરીએ.  

1993 માં ફિલ્મ આવી હતી ‘પંખીડા ઓ પંખીડા’. મુખ્ય કલાકાર હતા નરેશ કનોડિયા અને સ્નેહલતા. આ બંને દિગ્ગજ કલાકારાઓ ‘પોંજરામાં પોપટ બોલે’ ગીત પર પોતાનો અભિનય રજૂ કર્યો હતો. ગીતના શબ્દો હતા – ‘રામ લીલું પીળું પાંજરુ ઘડાઓ, કે પાંજરામાં પોપટ બોલે, ગોરી એવી એવી ચુંદડી લઈ આલું કે પોંજરામાં પોપટ બોલે’. આ ફિલ્મ રણજીત હેરમા દ્વારા નિર્માણ અને દિગ્દર્શીત હતી જ્યારે આ લોકગીતને વિજયા હેરમાએ તૈયાર કર્યું હતું અને પંકજ ભટ્ટના સંગીત નિર્દેશનમાં હેમંત ચૌહાણ, પ્રફુલ દવે, અલ્કા યાજ્ઞિક અને મીના પટેલે સ્વર આપ્યો હતો. નોંધનીય કલાકારો હોવા ઉપરાંત સંગીતને લીધે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. 

ત્યાર બાદ 1994 માં આવેલી ફિલ્મ ‘રાજ રાજવણ’ માં આ ગીતને ફરી એકવાર નરેશ કનોડિયા ભજવે છે પણ અહીં તેમની સાથે અભિનેત્રી હોય છે મીનાક્ષી. આ ફિલ્મમાં પિન્કી પરીખ (‘મોટી બાની નાની વહુ સિરીયલ’ ના મોટા બા) અને મેઘા મહેતાએ અભિનય કર્યો હતો. સંગીત આપ્યું હતું મહેશ નરેશે અને સ્વર હતો પ્રફુલ દવે તથા સાધના સરગમનો. ગીતને તૈયાર કર્યું હતું ચંદ્રકાંત સોલંકીએ. અહીં પણ ગીતનો મૂળ ભાવ જાળવી રાખી પ્રેમી અને પ્રેયસી વચ્ચે રમૂજભર્યી વાતચીત રજૂ કરવામાં આવી હતી. 

ફિલ્મોની રિમેક બનતા અને ગીતોની ધૂન ચોરી થવાના અનેક કિસ્સા આપણને ખબર જ છે, પણ ગીતની રિમેકનો કિસ્સો ભાગ્યે જ સાંભળ્યો હશે. 1993 અને 1994 માં ‘પાંજરામાં પોપટ બોલે’ સતત બે વર્ષ ગુજરાતી ફિલ્મમાં વિભિન્ન સ્વરૂપે રજૂ થયું એટલે બોલીવૂડની નજર પણ એના પર પડી અને 1996 માં આવેલી ‘ભિષ્મ’ નામની ફિલ્મમાં આ ગીતનું આબેહૂબ હિન્દી વર્જન સામેલ કરવામાં આવ્યું જેના શબ્દો હતા, ‘મેરે સીને મેં દિલ મેરા ડોલે કે પીંજરે મેં પોપટ બોલે, ઓ મેરી મેના તું જબ જબ બોલે,  કે પીંજરે મેં પોપટ બોલે’. આ ગીત પર મિથુન ચક્રવર્તી અને અંજલી જઠારે ડાન્સ કર્યો હતો. આનંદ બક્ષીએ ગુજરાતી ગીત પરથી તૈયાર કરેલા આ હિન્દી ગીતને જોલી મુખર્જી અને સુષ્મા શ્રેષ્ઠે સ્વર આપ્યો હતો. 

‘પાંજરામાં પોપટ બોલે’ એ લોકગીતને પોતાની વિવિધ શૈલીમાં અનેક ગાયક કલાકારો અને સંગીતકારો તૈયાર કરતા આવ્યા છે, અને દર્શકો સામે રજૂ કરતા આવ્યા છે. જેનો એક બહોળો વર્ગ મણિરાજ બારોટથી માંડી પાર્થ ઓઝા સુધી ફેલાયેલો છે. ડાયરો હોય કે ગરબો, રોમેન્ટિક સિચ્યુએશન હોય કે હાલનું આઇટમ નંબર હોય સૌથી અગત્યની વાત એ છે કે આ ગીતનું બંધારણ આજે પણ અકબંધ છે, બદલાયા છે માત્ર તેની રજૂઆતના કરતબ. લોકગીતોના ખજાનામાંથી ન માત્ર આ એક ગીત, પરંતું એવા અનેક લોકગીતો છે જેને નવા શબ્દોના વાધા પહેરાવી દર્શકો સામે રજૂ કરવામાં આવ્યા છે પણ આજની પેઢીને કદાચ એ ગીતના ઈતિહાસને જાણવામાં રસ નથી.


Panjrama popat Bole - Click here


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં