વિશ્વગુરૂ અને મહારાણીમાંથી કોને પસંદ કરશો?

એકબાજુ મુકેશ ખન્નાનું ડેબ્યુ છે અને બીજીબાજુ બે નૅશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી



ઢોલીવૂડ માટે ઓગસ્ટ મહિનો ઘણો ખાસ રહેવાનો છે કારણ કે આ મહિનામાં ઓછામાં ઓછી પાંચ એવી ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં એક થી એક ચડિયાતા અને નામાંકિત કલાકારો જોવા મળવાના છે. આ પાંચ ફિલ્મોની વાત આપણે સમયાંતરે કરશું પણ આજે વાત કરીએ એ બે ફિલ્મોની જેની આજે ટક્કર થવા જઈ રહી છે. 

ઢોલીવૂડમાં આજે ‘વિશ્વગુરૂ’ અને ‘મહારાણી’ આ બે ફિલ્મ વચ્ચે ક્લેશ થઈ રહ્યો છે.  બંને ફિલ્મો એક અલગ સબ્જેક્ટને લઈને થિયેટરમાં ઉતરી છે અને આ બંને ફિલ્મોમાં તે કઈ ફિલ્મ ગુજરાતી દર્શકોને ગમશે એ જોવું રસપ્રદ રહેશે.

સૌથી પહેલા વાત કરીએ ‘વિશ્વગુરૂ’ ની તો આ ફિલ્મ દ્વારા શક્તિમાન અને ભીષ્મ પિતામહ ફેમ મુકેશ ખન્ના ગુજરાતી સિનેમા જગતમાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યા છે. તેમની સાથે આ ફિલ્મમાં કૃષ ભારદ્વાજ, ગૌરવ પાસવાલા, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનુ ચંદ્રપાલ, નિસર્ગ ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજીવ મહેતા ધર્મેશ વ્યાસ, ભાવિની જાની, સોનાલી લેલે દેસાઈ, કુરુષ દેબો, અરવિંદ વૈદ્ય અને અન્ય કલાકારો જોવા મળશે. ફિલ્મની વાર્તા અતુલ સોનાર અને કિરીટ પટેલની છે જેને સતીષ પટેલે પ્રોડ્યુસ કરી છે અને શૈલેષ બોઘાની તથા અતુલ સોનારે સાથે મળીને ડિરેક્ટ કરી છે. 

ફિલ્મ વિશ્વગુરૂના ટ્રેલર પરથી ખબર પડે છે કે આ ફિલ્મ શસ્ત્ર અને શાસ્ત્ર વચ્ચેની લડાઈ દર્શાવે છે અને એ માટે ફિલ્મના ટ્રેલરમાં પણ કહેવાયું છે કે વિશ્વગુરુ બનવું છે...તો પહેલું યુદ્ધ – અંદરના અંધકાર સામે જીતવું પડશે. છેલ્લા બે મહિનામાં પાંચમી ફિલ્મ લઈને આવી રહેલો ગૌરવ પાસવાલા આ ફિલ્મમાં એક ડાર્ક કેરેક્ટર ભજવતો જોવા મળે છે જ્યારે કૃષ દેશની સુરક્ષા માટે ખડેપગે રહેનારા યુવાનનું પાત્ર ભજવશે. ફિલ્મ ‘વિશ્વગુરૂ’ દેશમાં ફેલાતા અજ્ઞાનતા, દારૂબંદી, નશા જેવા મુદ્દાને સ્પર્શે છે. 

છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતી સિનેજગતમાં જે પણ મલ્ટિ-સ્ટારર ફિલ્મો રિલીઝ થઈ છે એ મોટાભાગે પારિવારિક ફિલ્મો રહી છે જ્યારે ‘વિશ્વગુરૂ’ એમાં અલગ દેખાઈ આવે છે. આ મલ્ટિ-સ્ટારર ફિલ્મની વાર્તા બોલીવૂડની ફિલ્મોથી પ્રેરિત થઈ હોય એવું દેખાઈ આવે છે. વળી સ્વતંત્રતા દિન નજીક આવતો હોવાને લીધે આ ફિલ્મને સારી એવી થિયેટર સ્ક્રીન મળી શકે છે.

સામાપક્ષે એક એવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે જે દરેક ઘરની, દરેક સ્ત્રીના મનની વાત કહે છે અને આ વાર્તા છે ઘરે કામ કરવા આવતી કામવાળી બેનની. આ ઘરકામ કરવા આવતા બહેનોની વાત લઈને બે નૅશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ ગોહિલ અને શ્રદ્ધા ડાંગર ‘મહારાણી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં ઓજસ રાવલ, સંજય ગોરડિયા,તર્જની ભાડલા, બ્રિન્દા રાવલ, કૌશાંબી ભટ્ટ, દિલીપ રાવલ અને નિલેશ પંડ્યા પણ અભિનય કરતા જોવા મળશે. ફિલ્મમાં શ્રદ્ધા ટાઇટલ રોલ કરી રહી છે. ફિલ્મનું ટાઇટલ સૉન્ગ ‘મહારાણી’ રિલીઝ થતા પહેલા સોશ્યિલ મીડિયામાં ટ્રેન્ડિંગ હતું અને આ ઉપરાંત ફિલ્મમાં ‘મુંબૈયા ગુજરાતી’ શબ્દો ધરાવતું ગીત પણ છે. આ ગીતોને અનુક્રમે ભાર્ગવ ત્રિવેદી અને હુમાયુ મકરાણીએ લખ્યા છે અને એમાં સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે. 

વિરલ શાહ ‘મહારાણી’ ના ડિરેક્ટર છે અને ફિલ્મની વાર્તા કામવાળી બાઈના કહેવાતા નખરા, તેને કામમાંથી તગેડી મૂકવાની મથામણ અને નવી કામવાળી બાઈની શોધખોળની આજુબાજુ ફરે છે જેમાં દરરોજના ઘરના કંકાસ, કામકાજ અને સ્ટ્રગલ સાથે હાસ્યનો ઉમેરો કરવામાં આવ્યો છે. ટૂંકમાં જોવા જઈએ તો બે નૅશનલ એવોર્ડ ધરાવતી ગુજરાતી અભિનેત્રીઓની ફિલ્મ ‘મહારાણી’ નો વિષય ‘વિશ્વગુરૂ’ પર ભારી પડી શકે છે પણ સામાપાક્ષે મુકેશ ખન્નાની લોકપ્રિયતા અને ખાસ કરીને તેમની શક્તિમાન અને ભિષ્મ પિતામહની ઓળખ ‘વિશ્વગુરૂ’ ને લાભ અપાવી શકે છે. શ્રદ્ધા ડાંગરની એકસાથે બે ફિલ્મો રિલીઝ થઈ રહી હોવાને લીધે એમાં હવે જોવાનું એ રહેશે કે દર્શકવર્ગ બોક્સઓફિસ પર કઈ ફિલ્મને કેટલો પ્રતિસાદ આપે છે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં