વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’

પાર્ટ 2 ને વધારે સફળ બનાવવા અને વાર્તાને ફરીથી સજીવન કરવા ‘વશ’ પાર્ટ 1 

22મી ઓગસ્ટે થશે રી-રિલીઝ 



તાજેતરમાં વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મને નૅશનલ એવોર્ડ મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘વશ’ ને અને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે જાનકી બોડીવાળાને આ જ ફિલ્મ માટે નૅશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને હવે આ જ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘વશ લેવલ 2’ ગણેશ ચતુર્થી ના દિવસે એટલે કે 27મી ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યો છે. 

ગણેશ ચતુર્થીના શુભ દિવસે ‘વશ લેવલ 2’ સાથે ‘બચુની બેનપણી’ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે જેની વાત આપણે આવતા લેખમાં કરીશું પણ આજે આપણે ‘વશ લેવલ 2’ ની વાત કરીશું.

સૌથી પહેલા તો એ જાણીયે કે વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’ બોક્સ ઓફિસ પર ખાસ્સો એવો કોઈ કમાલ કરી શકી ન હતી, પણ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પહેલા જ માઉથ પબ્લિસિટીના લીધે દર્શકોને ગમવા લાગી હતી. ખાસ કરીને હિતેન કુમાર અને જાનકી બોડીવાલાની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીયે તો અંદાજે ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ સુપર નેચરલ સાયકોલોજીકલ હોરર ફિલ્મ અંદાજે પોણા ચાર કરોડ રૂપિયા કલેક્ટ કરી શકી હતી. 

જોકે ફિલ્મ ‘વશ’ ચર્ચામાં ત્યારે આવી જ્યારે અજય દેવગને આ ફિલ્મના રિમેક રાઇટ્સ ખરીદીને એના પરથી ‘શૈતાન’ નામની ફિલ્મ બનાવી અને એના થકી જાનકી બોડીવાલાએ બોલીવૂડમાં ડેબ્યૂ પણ કર્યું. જાનકીને ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે, અને એ પણ કિંગ ખાન શાહરુખ ખાનના હાથે. ટૂંકમાં જોવા જઈએ તો ફિલ્મ ‘વશ’, ‘શૈતાન’ ને કારણે વધુ નામના મેળવી શકી અને અનેક લોકો સુધી એ વાર્તા પહોંચી શકી. જાનકી બોડીવાલાના કરિયરમાં પણ આ એક વાર્તા પરથી બનેલી બે ફિલ્મને કારણે મહત્વનો એવો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. 

હવે ‘વશ લેવલ 2’ ની વાત કરીયે તો આ ફિલ્મની વાર્તા ‘વશ’ ફિલ્મની વાર્તા કરતા 12 વર્ષ આગળ વધે છે. આ 12 વર્ષમાં મૂળ વશીકરણ કરનાર પ્રતાપ એટલે કે હિતેનકુમાર હજુ પણ અથર્વ એટલે કે હેતુ કનોડિયાના કબજામાં જ છે. આર્યા એટલે કે જાનકી બોડીવાલા પણ એની એ જ વશીકરણની અવસ્થામાં છે. એવામાં અચાનક એક ગર્લ્સ સ્કૂલમાં કેટલી છોકરીઓ હિંસકર વર્તન કરવા લાગે છે. એ ક્યારેક સ્કૂલની ટેરેસ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લે છે, તો ક્યારેક સ્ફૂલના જ કર્મચારીઓ પર હુમલો કરે છે. ટૂંકમાં આ સ્કૂલની છોકરીઓનું કોઈકે વશીકરણ કરી દીધું છે અને એ વશીકરણ કરનાર માત્રને માત્ર પ્રતાપને અને અથર્વને શોધવા માંગે છે. આ વ્યક્તિ અથર્વ સાથે બદલો લેવા માટે તેને શોધી રહી છે એ વાત તો સમજાય એવી છે પણ તે શા માટે પ્રતાપને શોધી રહી છે એ સવાલ અહીં દર્શકોને ફિલ્મથી બાંધી રાખશે. 

ચેતન દૈયા, મોનલ ગજ્જર અને પ્રેમ ગઢવી આ ફિલ્મમાં સ્કૂલના કર્મચારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં પ્રતાપ જેવી જ વશીકરણની વિદ્યા કોઈક બીજાને પણ આવડતી હોવાની ચોખવટ મળી રહે છે પણ એ પ્રતાપને શોધવાની જદ્દોજહદ શા માટે કરી રહી છે એ સવાલ હજુ પણ અકબંધ છે. હોઈ શકે છે કે એ નવી વ્યક્તિ પ્રતાપનો ગુરૂ કે શિષ્ય હોય. નોંધનીય એ છે કે ફિલ્મ ‘વશ’ પ્રતાપ અને આર્યાને કેન્દ્રસ્થાને રાખીને આગળ વધી હતી પણ હવે ‘વશ લેવલ 2’ પ્રતાપના હિતેચ્છુ અને અર્થવને લઈને આગળ વધી શકે છે. ટ્રેલરમાં પણ માત્ર એક-બે સેકન્ડ માટે જાનકીને ફરીથી વશીકરણના આવેશમાં આવતી દર્શાવવામાં આવી છે. એવામાં એ જોવું ખરેખર રોચક બની રહેશે કે ફિલ્મમેકર્સ વશીકરણમાં સપડાયેલી આર્યાના કેવા નવા રૂપ બતાવે છે.

કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત અને કલ્પેશ સોની તથા કૃણાલ સોની નિર્મીત ફિલ્મ ‘વશ લેવલ 2’ દર્શકોને વધારે આકર્ષી શકે અને આ પાર્ટ 2 ની વાર્તા લોકોને સરળતાથી સમજાય એ માટે ‘વશ’ ને પાર્ટ 2 ના રિલીઝના એક અઠવાડિયા પહેલા 22મી ઓગસ્ટે રી-રિલીઝ કરવામાં આવી હતી અને ‘વશ લેવલ 2’ ને હિન્દી ભાષામાં પણ વિશ્વસ્તરે રિલીઝ કરવામાં આવી રહી છે જેથી કરીને ફિલ્મને બહોળો પ્રતિસાદ મળી શકે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં