દરેકે જોવા જેવી પણ પુરુષોએ સમજવા જેવી ફિલ્મ એટલે ‘જલેબી રૉક્સ’

જીવનમાં આવતી જલેબી જેવી ગોળ ગોળ મૂંઝવણોને સરળ ભાષામાં વ્યક્ત કરતી આ ફિલ્મ દરેક પરિવારની છે



ફિલ્મ જગતમાં 20-25 વર્ષની નાયિકા અને તેમના ઉછાળા મારતા યૌવન પર અનેક ફિલ્મો બને છે પણ જ્યારે એ જ સ્ત્રી 40-50 વર્ષની ઉંમરમાં પહોંચે ત્યારે તેના જીવનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય અથવા તો જે સપનાઓ અધૂરા રહી ગયા હોય એ પૂરા કરવા શું તેને કોઈ મર્યાદા નડે છે અથવા તો તેને શારીરિક, માનસિક, સામાજિક અને અન્ય કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ મુદ્દાને અહીં કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. આ શબ્દો છે ઢોલીવૂડના નામાંકિત ડિરેક્ટર ચિન્મય પુરોહિતના જેમણે પોતાના આ વિચારને મોટા પડદા પર રજૂ કર્યા અને લઈને આવ્યા છે ફિલ્મ ‘જલેબી રૉક્સ’. 

ફિલ્મનું નામ ‘જલેબી રૉક્સ’ કેમ છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ એટલું તો ચોક્કસ કહી શકાશે કે આ ફિલ્મ જલેબી જેવી ગોળ ગોળ વાતો નથી કરતી પણ મોટી ઉંમરે પહોંચ્યા બાદ મેનોપોઝને લઈને જે સમસ્યાઓનો, જે પીડાઓનો, ભોગ સ્ત્રીઓ બને છે એને એક અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. માસિક શરૂ થતા છોકરીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ વાતો સૌ કોઈ કરે છે પણ માસિક બંધ થઈ જાય ત્યારે કેવી કેવી તકલીફો ઊભી થઈ શકે છે એની વાત કે એની સમસ્યાને કોઈ ઉજાગર નથી કરતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક સ્ત્રી કઈ રીતે પોતાની ખોવાઈ ગયેલી ઓળખને પાછી મેળવે છે, તેને કેવા સંઘર્ષ કરવા પડે છે એ દરેક વાતને ‘જલેબી રૉક્સ’ મારફતે સારી રીતે વણી લેવામાં આવી છે.  

ફિલ્મની મુખ્ય નાયિકા છે વંદના પાઠક જે વિદ્યા પાઠક નામનું પાત્ર ભજવી રહી છે. વિદ્યા પાઠકના પતિ અનિરુદ્ધ પાઠકનું પાત્ર ભજવ્યું છે નિમેષ દિલીપરાયે. ‘મત્સ્યવેધ’ નામની વેબસિરીઝ બાદ એક લાંબા સમય પછી ઢોલીવૂડમાં માનવ ગોહિલ આ ફિલ્મ થકી આપણને જોવા મળશે જેમના પાત્રનું નામ છે રોહિત મહેતા. રોહિત અને વિદ્યા કોલેજના સાથી છે જેમાં રોહિતને વિદ્યા માટે એકતરફી પ્રેમ છે પણ વિદ્યા તેને માત્ર પોતાનો એક સારો દોસ્ત માને છે. આ ત્રણ કલાકારો ઉપરાંત ફિલ્મમાં ‘વિકીડાનો વરઘોડો’ અને ‘વેલકમ પૂર્ણિમા’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી માનસી રાચ્છ, અને આવતા બે મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મો લઈને આવી રહેલા અભિનેતા ગૌરવ પાસવાલા સહિત દીપક ઘીવાલા, ભાવિની જાની, મોરલી પટેલ, કૌસંબી ભટ્ટ, બંસી રાજપુત, જીયા ભટ્ટ, પ્રશાંત બારોટ અને અન્ય કલાકારો અભિનય કરતા જોવા મળશે. 

જોવા જઈએ તો ફિલ્મની વાર્તા સર્વ સાધારણ છે, પણ તેની રજૂઆત વિશિષ્ટ છે. આપણે સામાન્યપણે કહેતા હોઈએ છીએ કે એક સ્ત્રીને લગ્ન પછી શું જોઈએ? પતિનો બિઝનેસ હોય, દીકરી અમેરિકા ભણતી હોય, દીકરો ક્રિકેટમાં પ્રેક્ટિસ કરતો હોય, કમરે ચાવીનો જુડો લટકતો હોય, સોના ચાંદીના દાગીના લોકરમાં પડ્યા હોય એથી વિશેષ શું જોઈએ... પણ આ બધી ભૌતિક વાતોમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે એક સ્ત્રી માટે જરૂરી છે એના પરિવારનો સાથ, પરિવાર પાસેથી મળતી પ્રેમની લાગણી અને હૂંફ જેના માટે તે ક્યારે કોઈ માંગણી કરતી નથી પરંતુ નિઃસ્વાર્થપણે પોતાની ફરજો બજાવતી જાય છે. એવામાં જ્યારે તેનો પતિ જ તેને દગો આપે, તેને અવગણે ત્યારે તેની મનોદશા કેવી થતી હશે એ વાતને અહીં મોટા પડદે દર્શાવવામાં આવી છે. 

ફિલ્મ ‘જલેબી રૉક્સ’ ના ફર્સ્ટ હાફમાં દરેક સમસ્યાઓને મર્યાદિત સમયમાં સચોટપણે દર્શાવવામાં આવી છે અને ઇન્ટરવલ પછીના ભાગમાં એ સમસ્યાઓના સમાધાનને હાંસલ કરવાની સ્ટ્રગલ બતાવવામાં આવી છે. માનવ ગોહિલનું પાત્રા જેટલી વાર પડદે આવે છે એટલી વાર વાર્તામાં તાજગી આવે છે. જોકે ફિલ્મની વાર્તાને વધુ પડતી ગંભીર કે અતિ સામાજિક બનાવવામાં નથી આવી પરંતુ દરેક વ્યક્તિના જીવનને અડી જાય એવી સામાન્ય વાતોથી બનાવવામાં આવી છે જે મોટા પડદે ઘણી અસામાન્ય દેખાઈ આવે છે. ફિલ્મનું સંગીત વાર્તાને અનુરૂપ અને લાગણીશીલ છે, વળી દિગ્દર્શક તરીકે કેટલાક દ્રશ્યોને ખૂબ જ બારીકાઈથી શૂટ કરવામાં આવ્યા છે અને સૂર્યપ્રકાશ જેવી નેચરલ લાઇટ્સનો પણ સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટાભાગે ફિલ્મોના ક્લાઇમેક્સમાં પાત્ર પોતાના લાંબા-લાંબા મોનોલોગ દ્વારા પોતાની સ્પષ્ટતા આપતા હોય છે પણ આ ફિલ્મમાં ક્યારેક કોઈ એક શબ્દથી, તો ક્યારેક ‘જલેબીને પણ જલેબીનો ટુકડો ખાવાનું મન થયું’ જેવા હૃદયસ્પર્શી ડાયલોગ્સથી, તો ક્યારેક માત્ર એક હાસ્યથી સવાલના જવાબ આપવામાં આવ્યા છે જે જોવામાં ઘણા સહજ લાગે છે. 

ફિલ્મમાં વિદ્યાને જલેબી બહુ ભાવતી હોય છે એટલે તેને જલેબી દીદી તરીકે સંબોધવામાં આવે છે. માટે એટલું જરૂરથી કહી શકાય કે વંદના પાઠકનું પાત્ર જલેબી જેવું મીઠું છે, જ્યારે માનવ ગોહિલનું પાત્ર એ જલેબી પર નાખવામાં આવેલા કેસરના તાંતણા જેવું છે. નિમેષ દિલીપરાયનું પાત્ર એ પપૈયાની છીણ જેવું છે જે કોઈકને ભાવે તો કોઈકને ન પણ ભાવે, પણ તેની ઉપસ્થિતિ સૌને વહાલી લાગતી જ હોય છે. ફિલ્મ ‘જલેબી રૉક્સ’ એ માત્ર સ્ત્રીઓના મુદ્દાઓને જ રજૂ કરતી ફિલ્મ નથી પણ આ ફિલ્મ દરેક વયના નાગરિક માટે બનેલી ફિલ્મ છે, જે દરેકે ખાસ જોવી તો જોઈએ જ પણ પુરુષોએ તો આ ફિલ્મને જોઈને ઘણું સમજવાની જરૂરત પણ છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Post a Comment

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં