વરસાદ પર આધારિત ગુજરાતી ગીતો યાદ છે?

વરસાદ પર આધારિત ફિલ્મી ગીતો કરતા બિન-ફિલ્મી ગુજરાતી ગીતોની સંખ્યા જાજી છે હોં...



આ વર્ષે મે મહિનાથી જ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હતી પણ બોલીવુડ અને ઢોલીવુડમાં વરસાદની સિઝન ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ સરસ મજાના વાતાવરણ ઉપર અનેક ગીતો પણ બનાવવામાં આવ્યા છે. આમાંના કેટલાક ગીતો તો એવા છે જે વર્ષો જૂના હોવા છતાં આજે પણ લોક હૈયે જીવતા છે. ગુજરાતી સિનેમા જગતમાં ગીતોને લઈને મોટાભાગે બે પ્રકાર જોવા મળતા હોય છે. એક છે ફિલ્મી ગીતોનો અને બીજો છે નોન ફિલ્મી ગીતો. વરસાદ પર આધારિત એવા ફિલ્મી ગીતોની સંખ્યા કરતા બિન-ફિલ્મી વરસાદી ગીતોની સંખ્યા વધારે છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. તમે પોતે પણ વધારે મહેનત કરવી પડશે ત્યારે તમને યાદ આવશે કે એવું છેલ્લું કયું વરસાદી ગીત હતું જે તમે ગુજરાતી સિનેમામાં માણ્યું હતું. કદાચ આ અંગે વધારે વિચાર કરવો પડે પણ આજની જે ગુજરાતી ફિલ્મો બની રહી છે એમાં ઘણી એવી ઓછી ફિલ્મો છે જેમાં વરસાદ પર આધારિત ગીતો દર્શાવવામાં આવે છે. 

હજુ ગયા વર્ષે જ 22મી નવેમ્બરે ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ નામની એક ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના ફિલ્મને જોતા જ આપણને ખબર પડી જાય છે કે આ ફિલ્મમાં વરસાદનો ઘણી સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મના બેગ્રાઉન્ડ મ્યુઝિકથી માંડીને ફુલ પર બાઝેલી ઝાકળ અને રિવરફ્રન્ટ પર પ્રેમનો એકરાર કરવા સુધીના અનેક દ્રશ્યો ખૂબ જ સરસ રીતે વરસતા વરસાદમાં દર્શાવવામાં આવ્યા હતા. આખી ફિલ્મ જેટલી માત્રામાં વરસાદ બતાવવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખીને તો ઇન્ડસ્ટ્રીમાં હસી મજાકમાં એમ પણ કહેવાતું થયું હતું કે આ ફિલ્મમાં આખા વર્ષનો વરસાદ બતાવી દેવામાં આવ્યો છે. 

જોકે 2024 થી હજુ થોડા પાછળ જઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અને 2019 ની સુપરહિટ ફિલ્મ ‘હેલ્લારો’ ની વાર્તા ન માત્ર ગરબા પર પરંતુ દુકાળ જેવા મુદ્દાને પણ સ્પર્શતી હતી અને એટલે જ ફિલ્મનો અંત પણ વરસાદના આગમન અને એ આગમનમાં સ્ત્રીઓના ગરબા સાથે જ કરવામાં આવ્યો છે. 

મલ્હાર ઠાકર અને પૂજા જોશીની વેબ સિરીઝ ‘વાત વાતમાં’ ની ત્રીજી સિઝનના એક એપિસોડમાં પણ વરસાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની જાણ વેબ સિરીઝ જોનારી ઓડિયન્સને હશે જ. આ બધી વાતો વચ્ચે 1993 માં આવેલી ‘માનવીની ભવાઈ’ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અનુરાધા પટેલ, ચંદ્રકાંત પંડ્યા, કલ્પના દિવાન જેવા અનેક કલાકારો પોતાના સક્ષમ અભિનય દ્વારા છપ્પનિયા દુકાળને પડદા પર જીવતો કરી બતાવ્યો હતો. મૂળ પન્નાલાલ પટેલની આ નવલકથાને ખુદ ઉમાશંકર જોશીએ પણ ‘સરસ્વતીચંદ્ર’ પછીના મહા ગ્રંથ તરીકે વર્ણવ્યી હતી. આ ફિલ્મમાં વરસાદની આતુરતા અને તેની ઘેલછા એક માણસને કેટલી હદ સુધી નિષ્ઠુર બનાવી શકે છે અને કેટલી હદ સુધી સુખદ અનુભૂતિ આપી શકે છે એની ખૂબ જ સારી રીતે રજૂઆત કરવામાં આવી છે. 

1975 માં આવેલી ફિલ્મ ‘શેઠ શગાળશા’ હોય કે 1971 માં આવેલી ફિલ્મ ‘જેસલ તોરલ’ હોય, આ કેટલીક એવી નોંધનીય ફિલ્મો છે જેમાં વરસાદ અથવા તો પૂરના દ્રશ્યો દ્વારા ફિલ્મની આખી કથા રજુ કરવામાં આવી છે અને કેટલાય બોધપાઠો આપવામાં આવ્યા છે. ‘પાપ તારું પરકાશ જાડેજા’ જેવું લોકગીત વરસાદી વાતાવરણમાં મધદરિયે હાલકડોલક થતી નાવડીમાં જ દર્શાવવામાં આવ્યું છે. ગંગા સતીના ભજનની વાત સાથે-સાથે નરસિંહ મહેતાને કઈ રીતે ભૂલી શકાય. તેમણે તો પોતાના નાહવાના પાણીને ઠંડુ કરવા માટે રાગ મલ્હાર ગયો હતો અને મેહુલા એ પણ વરસવું પડ્યું હતું. ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ જેવું રમણીય ગીત આજે ક્યાં સાંભળવા મળે છે. નરસિંહ મહેતાએ મેહુલો વરસાવ્યો હતો તો 1975 માં આવેલી ફિલ્મ ‘તાનારીરી’ માં ‘ગરજ ગરજ વરસો જલધર’ ગીતમાં તાના અને રીરી દ્વારા મેઘ વર્ષાવવામાં આવ્યો હતો. 

આ કેટલાક એવા યાદગાર વરસાદી ગીતો છે જે આજની તારીખે પણ સાંભળવા ગમે છે અને લોકહૈયે આ ગીતોએ પોતાનું સ્થાન હજુ પણ જાળવી રાખ્યું છે. વરસાદ પર આધારિત બિન-ફિલ્મી ગુજરાતી ગીતોની વાત કરીએ તો એવા અનેક સુગમ ગીતો છે જે આપણે સાંભળ્યા છે અને આપણને ગમે પણ છે. ‘વ્હાલમ ને મારા વરસાદ નથી ગમતો’, ‘આંખોમાં બેસેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે’, ‘ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ’, જેવા અનેક સુગમ ગીતો આપણે અવાર-નવાર માણતા જ હોઈએ છીએ. વરસાદી ગીતોની આ યાદગાર યાત્રામાં આપણે નાનપણમાં ‘આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ’ જેવો બાળગીત માણતા એ શી રીતે વિસરી શકાય. આ બધામાં ગીતોમાં મહત્વની વાત એ છે કે વરસાદ પર આધારિત લોકગીતો હોય કે સુગમ ગીતો હોય કે પછી બિન-ફિલ્મી ગીતો, ફિલ્મો દ્વરા જળવાઈ શકે છે અને લોકો સુધી  સરળતાથી પહોંચી શકે છે. ગુજરાતી ફિલ્મોના નિર્માતા આ વાતની નોંધ લેય અને ફિલ્મોમાં જરૂરત હોય ત્યાં વરસાદને નોતરે તો સોનામાં સુંગધ ભળે એવી અનુભૂતિ દર્શકો ચોક્કસ કરી શકશે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં