સંયુક્ત પરિવારના સબળા પાસાને ઉજાગર કરશે ‘જલસો’

‘હાઉસફૂલ 5’ જેવી બોલીવુડની મલ્ટિસ્ટારર ફિલ્મોની આડઅસર આપણા ઢોલીવુડ પર ન પડે તો સારુ



ગુજરાતી ફિલ્મ જગતમાં આજે એક મલ્ટિસ્ટારર ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘જલસો’. જૂન મહિનાની આ પહેલી ફિલ્મ પબ્લિક ફિગર અને નામાંકિત હોસ્ટ કોમલ નાહટા દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય કલાકાર તરીકે પૂજા જોશી અને ભાવિન ભાનુશાલીની જોડી પહેલીવાર મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રાજીવ રૂઈઆએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.

મે મહિનામાં ‘શસ્ત્ર’ રિલીઝ થયા બાદ પૂજા જોશીની આ વર્ષની આ બીજી ફિલ્મ છે જ્યારે ભાવિન ભાનુશાલી આ ફિલ્મ થકી ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ‘જલસો’ બાદ ભાવિનની ‘વ્હાલી’ નામની બીજી ગુજરાતી ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે જેમાં તેની સાથે માઝલ વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ‘જલસો’ની વાત કરીએ તો ‘જલસો’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં પૂજા અને ભાવિન ઉપરાંત ધર્મેશ વ્યાસ, મોરલી પટેલ, સોનાલી લેલે દેસાઈ, છાયા વોરા, ઉત્સવ નાયક, નક્ષરાજ, હેમાંગ દવે, હેમંત પાંડે, ઓજસ રાવલ, મલ્હાર ઠાકર, કિરુષ દેબો (મુન્નાભાઈ એમબીબીએસમાં ડૉ. રુસ્તમનું પાત્ર બજવનાર કલાકાર), અરુણા ઈરાની, ઈશિકા શીર્ષટ, જય પટેલ, હિતેન તેજવાની અને અન્ય ઘણા કલાકારો અભિનય કરતા જોવા મળશે.

‘જલસો’ વિશે વાતચીત કરતા ફિલ્મના કલાકારોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે જેમાં પરિવારના જુદા જુદા ભાવનાત્મક સંઘર્ષો, પ્રેમ અને ઉષ્માભર્યા સંબંધો તેમ જ એકબીજા પ્રત્યે માન અને શ્રદ્ધાની લાગણીઓ ધરાવતી વાર્તાને ખૂબ જ સરળ શબ્દોમાં પણ આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે. કેટલાક ગુજરાતી આલ્બમો કરી ચૂકેલા ભાવિન ભાનુશાલી ફિલ્મ ‘જલસો’ થી ઢોલીવુડમાં સત્તાવાર રીતે ડેબ્યૂ કરી રહ્યો છે અને આ ફિલ્મમાં તે અર્પણ નામના એક શાંત અને પ્રેમાળ યુવાનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે પૂજા જોશી વિદેશથી પાછી ફરેલી એક યુવતી આસ્થાના પાત્રમાં જોવા મળશે જે ગુજરાત લગ્ન પ્રસંગે આવી છે. રિસામણાથી શરૂ થયેલા આ બંને યુવાઓ વચ્ચેનો સંબંધ કઈ રીતે પ્રેમમાં પલટાય છે અને આગળ વધે છે એ આ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે.

ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે અને મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો સાંભળવા ગમે એવા છે. ફિલ્મમાં દ્વારીકાધીશની એક આરતી પણ સામેલ કરવામાં આવી છે. આજના સમયમાં જ્યાં ન્યુક્લિયર ફેમિલીનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે ત્યાં આ ફિલ્મ જલસો એક સંયુક્ત પરિવારની જરૂરિયાત અને તેના સબળા પાસાને ઉજાગર કરે છે.

બીજી બાજુ જોવા જઈએ તો આ ફિલ્મમાં ઘણા એવા કલાકારો છે જેમની અન્ય ફિલ્મો આવનારા દિવસોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. પારિવારિક ફિલ્મ ‘જલસો’ રિલીઝ થયા બાદ અન્ય એક પારિવારિક મલ્ટિસ્ટારર ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ પણ નજીકના સમયમાં રિલીઝ થવા જઈ રહી છે જેમાં પણ ધર્મેશ વ્યાસ, હિતેન તેજવાની, ઉત્સવ નાયક અને અન્ય કલાકારો ફરીથી જોવા મળશે. હાલમાં ફિલ્મક્ષેત્ર માટે ચિંતાજનક બાબત છે એ છે કે બોલિવુડમાં રિલીઝ થઈ રહેલી ‘હાઉસફુલ 5’ જેવી મલ્ટિસ્ટારર ફિલ્મ દર્શકોને ખાસ આકર્ષી નથી રહી અને એવા સમયમાં ગુજરાતી ફિલ્મ જગતમાં પણ મલ્ટિસ્ટારર ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. બોલીવુડની જેમ ઢોલીવુડ પર પણ આ વાતની આડઅસર જોવા મળશે કે એના સકારાત્મક પરિણામો આવશે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.


 

-      આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

-      dhollywoodtalkies@gmail.com

Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’