આવનારા દિવસોમાં કઈ ફિલ્મ પર રાખશો નજર?
મલ્હાર, યશ, જાનકી, ગૌરવની ફિલ્મો એક પછી એક રિલીઝ થવાની તૈયારીમાં છે
મે મહિનાના પાંચ અઠવાડિયામાં છ ગુજરાતી ફિલ્મો રિલીઝ થયા બાદ હવે આ અઠવાડિયામાં વિરામ લેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં હવે જે ફિલ્મો રિલીઝ થવાની છે એની માહિતી કે રિલીઝની તારીખો પણ ઓછા વત્તા પ્રમાણમાં જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે શાહરૂખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મના એક ગીતમાં અને એવી ઘણીય ફિલ્મોમાં બોલીવૂડના અનેક આર્ટિસ્ટનો જમાવડો જોવા મળ્યો હતો એવી જ રીતે આવતા અઠવાડિયે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘જલસો’ માં પણ અનેક ગુજરાતી કલાકારોની ભરમાર જોવા મળશે. મૂળ તો આ ફિલ્મ પૂજા જોશી અને ભાવિન ભાનુશાલીની જોડી પર આધારિત છે, જેના વિશે આપણે આવતા લેખમાં વિગતવાર વાત કરીશું.
‘જલસો’ રિલીઝ થયા બાદ બીજી એક મલ્ટીસ્ટારર ફિલ્મની રાહ જોવાઈ રહી છે જેનું નામ છે ‘સંઘવી એન્ડ સન્સ’. આ ફિલ્મમાં મનોજ જોશી, હિતેન તેજવાની, મૌલિક ચૌહાણ, ભાવિની જાની અને અન્ય ઘણા કલાકારો જોવા મળશે. કેટલાક સમય પહેલા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી પણ ત્યાર બાદ રિલીઝની કોઈપણ માહિતી આપવામાં આવી ન હતી અને પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મને મોકૂફ કરી દેવામાં આવી હતી. મે મહિનાના છેલ્લા દિવસોમાં આ ફિલ્મનો ટ્રેલર જેવો એક વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વિડીયો દ્વારા ફિલ્મમેકર્સે ‘સંઘવી એન્ડ સન્સ’ 18 મી જુલાઈએ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થાય એના એક અઠવાડિયા પહેલા પિતા પુત્રીના સંબંધ પર આધારિત ફિલ્મ ‘વ્હાલી’ રિલીઝ થવાની છે. ‘વ્હાલી’ ફિલ્મમાં માઝલ વ્યાસ, ભાવિન ભાનુશાલી, સચિન પરીખ, અર્પિતા શેઠિયા જેવા કલાકારો અભિનય કરતા જોવા મળશે.
ઓગસ્ટ મહિના પર નજર કરીએ તો ‘મહારાણી’ નામની એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેમાં માનસી પારેખ ગોહિલ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડીયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વર્ષ 2025 ના સેકન્ડ હાફમાં આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ અને ખાસ તો ફિલ્મના વિષયને લઈને લોકપ્રિયતા મેળવી શકે છે. આ ફિલ્મની અત્યાર સુધી એક નાનકડી વિડીયો ક્લિપ રિલીઝ કરવામાં આવી છે જે ખૂબ જ રસપ્રદ લાગી રહી છે. ટૂંકમાં કહીયે તો દરેક ઘરમાં ઘરની મહારાણી એ ઘરની માલકીન હોય છે પણ અહીં ઘરે સાફ સફાઈ કરવા આવતા બહેનને ‘મહારાણી’ તરીકે આલેખમાં આવી છે જે કદાચ દરેક ઘરની સ્ત્રીઓને આકર્ષી શકે એમ છે.
વર્ષ 2025 માં મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી પોતપોતાની ફિલ્મ રિલીઝ કરી ચૂક્યા છે તો ગુજરાતનો મેગા સ્ટાર યશ સોની કઈ રીતે પાછળ રહી શકે? ઑક્ટોબર મહિનામાં યશ સોનીને ચમકાવતી ફિલ્મ ‘ચણીયા ટોડી’ રિલીઝ કરવામાં આવશે જેને જય બોડસે ડિરેક્ટ કરી છે. આ પહેલા જય અને યશની જોડી ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘ફક્ત પુરુષો માટે’ જેવી ફિલ્મ ઢોલીવૂડને આપી ચૂકી છે. હાલમાં આ ફિલ્મ એના પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં ચાલી રહી છે.
આ ઉપરાંત અન્ય ફિલ્મોની વાત કરીએ તો 27 જૂને જ બે ફિલ્મ વચ્ચે ક્લેશ થવાનો છે. એક બાજુ ‘અનામિકા’ નામની ફિલ્મ રિલીઝ થવાની છે જેની ખાસ માહિતી જાહેર કરવામાં નથી આવી જ્યારે બીજી બાજુ વંદના પાઠકને કેન્દ્રસ્થાને રાખીને ‘જલેબી રૉક્સ’ નામની એક મહિલાની લાગણીને દર્શાવતી ફિલ્મ રિલીઝ થશે. વળી આ લેખ લખાય છે ત્યાં સુધીમાં ગૌરવ પાસવાલાની ‘ડેડા’ નામની ફિલ્મની પણ જોહરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગૌરવ ‘વિશ્વગુરૂ’ નામની ફિલ્મમાં પણ અભિનય કરતો જોવા મળશે.
આ સિવાય આ વર્ષે મલ્હાર ઠાકર અને આરોહી પટેલની જોડી ગુજરાતી દર્શકોને ‘લગન લાગી રે’ નામની ફિલ્મ દ્વારા મોટા પડદે ફરી એકવાર જોવા મળી શકે છે. 2023 માં દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મેળવનારી અને બોલીવૂડનું ધ્યાન આકર્ષનારી ‘વશ’ ફિલ્મનો પાર્ટ 2 એટલે કે ‘વશ લેવલ-2’ આવતા એક-બે મહિનામાં રિલીઝ થઈ શકે છે. જોકે એ બાબતે ફિલ્મમેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પણ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ વાત તો ટચના સોના જેવી છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com







Comments
Post a Comment