‘જય માતાજી લેટ્સ રૉક’માં મલ્હાર સાથે દેખાશે દાદીનો સ્વૅગ

મનીષ સૈનીની આ ફિલ્મમાં મલ્હારના ચાર્મિંગ પર્ફોમન્સ સાથે દાદીનો સ્વૅગ લોકોને ગમી જાય એવો છે



સામાજિક મુદ્દાઓને હાસ્ય સાથે જોડીને પ્રસ્તુત કરવામાં ફિલ્મમેકર મનીષ સૈનીનું નામ અચૂક લેવું પડે. સંજય મિશ્રાની જબરદસ્ત ફિલ્મ ‘ગીદ્ધ’ હોય કે પછી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘ઢ’ હોય કે પછી મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર અને હેમીન ત્રિવેદી અભિનીત ફિલ્મ ‘શુભ યાત્રા’ હોય. મનીષ સૈની દિગ્દર્શીત અને મલ્હાર ઠાકર અભિનીત વધુ એક ફિલ્મ આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે જેનું નામ છે ‘જય માતાજી લેટસ રૉક’.

‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ બાદ મલ્હારની આ વર્ષની આ બીજી ફિલ્મ છે જેમાં તેની સાથે વ્યોમા નંદી, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, શિલ્પા ઠાકર, સુનિલ વિશ્રાણી, અર્ચન ત્રિવેદી, આર્યા પ્રજાપતિ અને દાદીના મુખ્ય રોલમાં નીલા મુલ્હેરકર અભિનય કરતા જોવા મળશે. અમદાવાદ ફિલ્મ દ્વારા નિર્મિત આ ફિલ્મનું લખાણ, ડિરેક્શન અને એડિટિંગ મનીષ સૈની દ્વારા જ કરવામાં આવ્યું છે. જેમ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ મલ્હારની આ વર્ષની અત્યાર સુધીની બીજી ફિલ્મ છે એમ વંદના પાઠકની પણ આ વર્ષની અત્યાર સુધીની આ બીજી ફિલ્મ છે.

ફિલ્મ ‘જય માતાજી લેટસ રૉક’ ખરેખર દાદીની આસપાસ વણાયેલી વાર્તા છે જે વડીલોને ઘણી આકર્ષી શકે એવી છે. ફિલ્મની વાર્તાની જો વાત કરીએ તો સરકાર દ્વારા વૃદ્ધોને કેટલીક નાણાકીય સહાય આપતી એક સરકારી સ્કીમ જાહેર કરવામાં આવે છે જેના ભાગરૂપે અચાનક વૃદ્ધાશ્રમો ખાલી થવા લાગે છે. આ મુદ્દો સમાજ માટે ખરેખર એક વિચારવા લાયક મુદ્દો છે. જે સંતાનો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં એક સમયે મૂકી આવ્યા હોય છે એ જ સંતાનો આજે તેમને વૃદ્ધાશ્રમમાંથી ફરી પાછા પોતાના ઘરે લઈ આવે છે અને ઘરે લાવવા પાછળનું સૌથી મોટું કારણ એ સરકારી સ્કીમમાંથી મળનારા રૂપિયા હોય છે. મલ્હારના માતા પિતા તરીકે ટીકુ તલસાણીયા અને વંદના પાઠક અને કાકા કાકી તરીકે શેખર શુક્લા અને શિલ્પા ઠાકરે અભિનય કર્યો છે. પોતાની માને સરકાર પાસેથી જે રૂપિયા મળશે એ રૂપિયા મેળવવા માટે બંને ભાઈઓ કેવા ગતકડા કરે છે, કેવા ઝઘડા-કંકાસ કરે છે, દેરાણી-જેઠાણી એકબીજ પર કેવા દોષના ટોપલા ઢોળે છે અને ખાસ તો દાદી કઈ રીતે પોતાની બંને વહુઓ અને દીકરાઓ પાસેથી સેવા કરાવડાવે છે એ આ ફિલ્મમાં જોવા જેવું છે. 

ફિલ્મના ટ્રેલરમાં એક દ્રશ્ય ખૂબ સરસ બતાવવામાં આવ્યું છે જેની પ્રશંસા પણ થઈ રહી છે. દાદીને ભૂખ લાગી છે પણ તેમના દાંતના ચોકઠા થોડા ખરાબ થયા છે એટલે મોટી વહુ એટલે કે વંદના પાઠક પાસેથીએ ચોકઠા સાફ કરાવે છે. એક સમયે પોતાના સ્વાર્થ ખાતર વડીલોને પોતાનાથી દૂર કરનારાઓ જ, આજે ફક્ત રૂપિયાની લાલચે એ જ વડીલને ઘરે પાછા બોલાવીને તેમની સેવા ચાકરી કરે છે. પોતાની માને સૌથી વધારે ખુશ કોણ રાખી શકશે અથવા તો તેમની વધારે સેવા કોણ કરશે એ બાબતે બે ભાઈઓમાં ઝઘડા પણ થાય છે અને આવી વાસ્તવિક પરિસ્થિતિમાં કઈ રીતે હાસ્ય નિર્માણ થાય છે એ માટે આ ફિલ્મ જોવી જ રહી. ન માત્ર હાસ્ય પણ વૃદ્ધો અને વૃદ્ધાશ્રમ જેવા એક સામાજિક મુદ્દાને પણ ઘણી સારી રીતે ફિલ્મમાં વણી લેવામાં આવ્યો છે. 

પેલું કહેવાય છે ને કે દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે જ છે અને એ દિવસો જ તમને તમારા પોતાના લોકોની ઓળખ કરાવે છે. ફિલ્મ ‘જય માતાજી લેટસ રૉક’ આ જ વિચારધારાને પોષતી અને રજૂ કરતી ફિલ્મ છે. મનીષ સૈનીની આ ફિલ્મ પારિવારિક અવતાર ચઢાવ , સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંજોગો અને પરિવારની મહત્તા પર પ્રકાશ પાડે છે. ટૂંકમાં આ ફિલ્મ દ્વારા પારિવારિક સંબંધો અને સમાજની ગૂંચવણોને મસ્તીભર્યા અંદાજમાં એક અદભુત શૈલી સાથે રજૂ કરવામાં આવી છે. મલ્હાર ઠાકરની કદાચ આ એકમાત્ર એવી ફિલ્મ હશે જેમાં મલ્હાર કરતા દાદીનું પાત્ર નિભાવી રહેલા નીલા મુલ્હેરકર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કારણ આ ફિલ્મમાં દાદીની દાદાગીરી અને સ્વેગ લોકોને ઘણા ગમશે એની ખાતરી છે. ફિલ્મ ‘જય માતાજી લેટસ રૉક’ આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે અને એ બોક્સ ઓફિસ પર કેવું રોકિંગ પર્ફોર્મન્સ કરે છે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં