ગુજરાતી ફિલ્મો અને રંગમંચ સાથે સંકળાયેલા હોવા છતાં બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા ઘણી મહેનત કરવી પડી
ઢોલીવુડમાં આપણને એવા અનેક કલાકારો ખબર છે જેમના નામ આજે તેમની ઓળખાણ બની ચૂક્યા છે. જે તે કલાકારોએ માત્ર ઢોલીવુડ પૂરતા જ સીમિત ન રહેતા બોલીવુડમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે અને એ બાબતે અગાઉના લેખમાં આપણે વિગતવાર વાત પણ કરી હતી. આજે એવા એક ગુજરાતી કલાકારની જ વાત કરવી છે જેને આપણે ‘થ્રી ઇડિટ્સ’ ના રાજુ તરીકે ઓળખીયે છીએ અથવા તો રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ફિલ્મના લક્ષ્મણ તરીકે અથવા તો ‘રંગ દે બસંતી’ ના રાજગુરુ એટલે કે સુખી તરીકે. હા, આ કલાકાર છે શર્મન જોશી જેમને કળાની સેવા કરવાની તક ગડથૂથીમાં જ મળી છે.

ગુજરાતી સિને જગતનો ઈતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે એમાં ખ્યાતનામ કલાકાર અરવિંદ જોશીનું નામ અચૂક ઉમેરાશે. આ જ અરવિંદ જોશીના સુપુત્ર તરીકે શર્મનનો જન્મ 28 મી એપ્રિલ 1979 માં મુંબઈ ખાતે થયો. વિલેપાર્લાની કેળવણી મંડળમાં કોલેજનું ભણતર પૂરુ કરવાની સાથે તે રંગમંચ સાથે જોડાયો હતો. 1999 ની ત્રીજી સપ્ટેમ્બરે વિનય શુક્લા લિખીત અને દિગ્દર્શિત ફિલ્મ ‘ગોડમધર’ રિલીઝ થઈ હતી જેમાં શર્મન જોશીએ પહેલીવાર અભિનય કર્યો હતો. 1980ના ઉત્તરાર્ધ અને 1990ના પૂર્વાર્ધમાં પોરબંદરના માફિયા જગતને સંભાળતી અને પછીથી રાજનીતિમાં ઉતરેલી સંતોકબેન જાડેજાના જીવન પર બનેલી આ ફિલ્મમાં શબાના આઝમીએ મુખ્યપાત્ર ભજવ્યું હતું જેમાં તેમની સાથે મિલિંદ ગુનાજી, ગોવિંદ નામદેવ, નિર્મલ પાંડે જેવા અનેક કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં વિશાલ ભારદ્વાજનું સંગીત હતું અને જાવેદ અખ્તરે ગીતો લખ્યા હતા. આ ફિલ્મનો ઉલ્લેખ કરવો એટલા માટે પણ ખાસ જરૂરી છે કારણ કે આ ફિલ્મે 1998ના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ હિન્દી ફિલ્મ, બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન, બેસ્ટ એડિટીંગ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ મેલ પ્લેબેક સિંગર અને બેસ્ટ લિરીક્સ જેવા મોટાભાગના એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.
જોકે આ ફિલ્મ બાદ 2001 માં આવેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘લજ્જા’ માં પણ શર્મને પ્રકાશ નામનું પાત્ર ભજવ્યું હતું અને એ જ વર્ષે તેની પહેલી કોમેડી ફિલ્મ ‘સ્ટાઇલ’ રિલીઝ થઈ હતી. જોકે 2005 સુધી તેણે ‘ઉર્ફ પ્રોફેસર’, ‘કહા હો તુમ’,’ એક્સક્યુઝ મી’ (જે ‘સ્ટાઇલ’ ની સિક્વલ હતી) અને ‘શાદી નંબર 1’ જેવી ફિલ્મો કરી હતી પણ આ ફિલ્મોથી તેને ખાસ ઓળખ મળી ન હતી.

તેમ છતાં 2006 માં બે એવી ફિલ્મ આવે છે જેણે શર્મન જોશીમાં રહેલા એક અભિનેતાને ઉજાગર કર્યો અને દર્શકો સમક્ષ રજૂ કર્યો. પ્રસૂન જોશી દ્વારા લિખીત અને રાકેશ ઓમ પ્રકાશ મહેરા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘રંગ દે બસંતી’ માં આમિર ખાન સાથે તે પહેલીવાર જોવા મળ્યો હતો જેમાં અતુલ કુલકર્ણી, સોહા અલી ખાન, કુનાલ કપુર અને અન્ય દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો હતો. શર્મને આ ફિલ્મમાં સુખી અને રાજગુરુનું પાત્ર ભજવ્યું હતું. જાન્યુઆરી 2006 માં ‘રંગ દે બસંતી’ રિલીઝ થયાના છ મહિના પછી જ રોહિત શેટ્ટીની ધમાકેદાર અને સુપરડુપર હીટ ફિલ્મ ‘ગોલમાલ’ રિલીઝ થાય છે અને લકી એટલે કે લક્ષ્મણના કેરેક્ટરમાં શર્મન જોશી ફરી એકવાર લોકોના મનમાં વસી જાય છે. 2009 માં આવેલી ફિલ્મ ‘થ્રી ઇડિટ્સ’ ના રાજુ રસ્તોગીનું પાત્ર પણ કઈ રીતે વિસરી શકાય એમ છે?
.jpg)
મોટાભાગે બોલીવુડની ફિલ્મો દ્વારા નામના મેળવવા છતાં શર્મન ગુજરાતી ફિલ્મ અને રંગમંચ સાથે સંકળાયેલો રહ્યો છે. કોલેજકાળમાં જ પપ્પા પાસેથી ઈન્ટરકૉલેજિયન ડ્રામા કોમ્પિટીશન માટે એક નાટકની સ્ક્રીપ્ટ માંગી હતી અને 'ઉલ્ટી ગંગા' નામનું એક નાટક રજૂ કર્યું હતું. વળી, શર્મને ‘ઓલ ધ બેસ્ટ’ નામના નાટકની ગુજરાતી આવૃત્તિમાં એક બહેરા વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું જે ઘણું લોકપ્રિય થયું હતું અને આ નાટકના ત્રણ વર્ષ દરમ્યાન અંદાજે 550 જેટલા શો થયા હતા. આ ઉપરાંત ‘અમે લઈ ગયા તમે રહી ગયા’, ‘નાટકના નાટકનું નાટક’ જેવા પ્રયોગો પણ તે અવારનવાર કરતો રહે છે. 2023 માં માનસી પારેખ ગોહિલ સાથે મેલ પ્રેગનન્સી જેવા હટકે વિષય પર તેની પહેલી સ્વતંત્ર ગુજરાતી ફિલ્મ આવે છે જેનું નામ છે ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ’. આ ફિલ્મે ઢોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ મેળવી હતી. ન માત્ર ફિલ્મો અને નાટકો, પણ શર્મને ટેલિવિઝનમાં પણ એક સમયે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
.jpeg)
પારિવારિક સંબંધોની વાત કરીયે તો બોલીવુડના દિગ્ગજ ખલનાયક પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા સાથે શર્મને વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી અને બે ટ્વિન્સ એમ કુલ ત્રણ સંતાન છે. રંગભૂમિના અભિનેત્રી સરિતા જોશી તેમના કાકી થાય છે જ્યારે તેમની બહેન અને અભિનેત્રી માનસી જોશી રૉય અભિનેતા રોહિત રૉયની ધર્મપત્ની છે. ટૂંકમાં ફિલ્મ અને કળાના ક્ષેત્રમાં આગવું યોગદાન આપવા માટે શર્મન જોશી અને તેમનું પરિવાર સતત સક્રિય રહ્યું છે અને તેમના વંશવેલો એ વાતની સાબિતી આપવા પૂરતો છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
Comments
Post a Comment