યશ-આરોહી ફરીથી આવ્યા છે બનીને ‘મીઠડા મહેમાન’

‘ચાલ જીવી લઈએ’ બાદ રૂપેરી પડદે ફરીથી જોવા મળશે આ કલાકારોની જુગલબંદી



નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતી ફિલ્મ જગત માટે એપ્રિલ મહિનો એક એવી ફિલ્મ લઈને આવ્યો છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના એકથી એક દિગ્ગજ કલાકારો અભિનય કરવાના છે. ફિલ્મનું ટાઈટલ છે ‘મીઠડા મહેમાન’ અને આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, આરોહી પટેલ, સોનાલી લેલે દેસાઈ અને ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહેલા જાણીતા રંગમંચના કલાકાર અને લેખક મિહિર રાજડા અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે.

ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ચિન્મય પરમાર દ્વારા લખવામાં આવી છે અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ પહેલા ચિન્મય પરમાર બિગ બોક્સની સિરીઝની મોટાભાગની ફિલ્મો સાથે ક્રિએટિવ ડિરેક્ટર અથવા તો કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા, જેમાં ‘નાડી દોષ’, ‘રાડો’, ‘ત્રિશા ઓન ધ રોક્સ’, ‘ડેની જીગર’ અને ‘જગત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ માં રાહુલ મુંજારિયાનું સંગીત છે અને આદિત્ય ગઢવી તથા જીગરદાન ગઢવીનો સ્વર ગાયક કલાકાર તરીકે માણવા મળશે. 

ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ના ટ્રેલરને જોતા ખબર પડે છે કે આ ફિલ્મ ચાર અજાણ્યા લોકોની આસપાસ ફરે છે જેઓ અચાનક એક જગ્યાએ ભેગા થઈ જાય છે. આદિત્ય નામનો એક યુવાન જે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, જેનું પાત્ર યશ સોની ભજવી રહ્યો છે, તેના આત્મહત્યા કરવાના પ્લાનમાં ત્રણ જણા અચાનક આવી ચડે છે.  મસ્તીખોર યુવાન જયનું પાત્ર મિત્રા ગઢવી ભજવી રહ્યો છે જ્યારે કોમલના પાત્રમાં આરોહી પટેલ દર વખતની જેમ એક સમજુ અને હોશિયાર છોકરીના પાત્રમાં અભિનય કરતી જોવા મળશે. એક હકારાત્મક વિચારધારા રાખનારા કેબ ડ્રાઇવરનું પાત્ર મિહિર રાજડા ભજવી રહ્યા છે જેના પાત્રનું નામ હરી છે અને સોનાલી લેલે દેસાઈ સીમા નામના પાત્રમાં જોવા મળશે. એકબાજુ આદિત્ય જ્યાં પોતાનું જીવન ટૂંકાવા જઈ રહ્યો છે ત્યાં તેના આ પગલા વચ્ચે કંઈક એવી ઘટના ઘટે છે જે તેના જીવનને એક અલગ જ સફર પર લઈ જાય છે. આ સફરમાં લાગણી છે, બોધપાઠ છે, મજાક છે, મસ્તી છે અને જીવવની અઘરી પરિસ્થિતીઓ સામે લડવાની એક સારી અને સરળ સમજણ પણ છે.  

વાસ્તવમાં આ ફિલ્મ પહેલા 16 માર્ચ 2025 ના રોજ રિલીઝ થવાની હતી પણ ત્યારબાદ તેને 27 માર્ચના રોજ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ફાઈનલી હવે ફિલ્મ 18 એપ્રિલ એટલે કે આજે રિલીઝ થઈ ચૂકી છે. વળી, યશ સોની અને આરોહી પટેલની જોડી સુપરહિટ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ બાદ ફરીથી એકસાથે જોવા મળવાની છે અને આ ફિલ્મમાં પણ તેઓ સાથે ટ્રાવેલ કરતા જોવા મળશે. ‘ચાલ જીવી લઈએ’ બાદ આ બંને કલકારોને એકસાથે રૂપેરી પડદે જોવાના ઓડિયન્સના તલસાટનો લાભ ફિલ્મને મળી શકે છે. વળી, ટ્રાવેલની વાત કરીયે તો છેલ્લા કેટલાક સમયમાં ઢોલીવૂડમાં ટ્રાવેલ કરતી ફિલ્મો રિલીઝ થઈ છે જેમ કે ‘ચાલ જીવી લઈએ’, ‘આગંતુક’, ‘કાલે લગન છે’ વગેરે... એમાં હવે ફિલ્મ ‘મીઠડા મહેમાન’ નો પણ સમાવેશ થશે. 

ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ના ડિરેક્ટર ચિન્મય પરમારે ઢોલીવૂડ ટોકિઝ સાથે વાત કરતા મોકળા મને કહ્યું કે આ ફિલ્મનું નિર્માણ કરવું તેમના માટે ઘણું સરળ રહ્યું હતું કેમ કે ભલે ડિરેક્ટર તરીકે તેમની આ પહેલી ફિલ્મ હોય, પણ કલાકારોની જુલગબંદીએ તેમનું કામ મહદઅંશે સરળ કરી આપ્યું હતું. વળી, ફિલ્મમાં લગભગ દરેક પાત્ર રંગમંચ સાથે ક્યાંકને ક્યાંક સંકળાયેલા હોવાને લીધે પણ ફિલ્મ મેકિંગની પ્રક્રિયા રસપ્રદ અને યાદગાર રહી હતી. અંદાજે એક મહિનાથી પણ ઓછા સમયમાં શૂટ થયેલી આ ફિલ્મમાં, ફિલ્મની રોચક વાર્તાની સાથે અનેક આહ્લાદક પ્રાકૃતિક દ્રશ્યો પણ દર્શકોને માણવા મળશે એવી સંપૂર્ણપણે ખાત્રી છે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં