બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યા છે નવા ગુજરાતી અભિનેતાઓ
પ્રતીક ગાંધીએ કાઠું કાઠ્યું જેના બાદ આ ફાલ હવે જાનકી બોડીવાલા અને મિત્રા ગઢવી સુધી પહોંચ્યો છે
અનેક એવા ગુજરાતી કલાકારો છે જે વર્ષોથી બોલીવુડમાં કામ કરી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોની સાથે સાથે બોલીવુડમાં પણ પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં તેઓ સફળ રહ્યા છે, પછી એ પરેશ રાવલ હોય કે રત્ના પાઠક શાહ. આ ફાલ આજના નવા અભિનેતાઓનો આગળ વધારી રહ્યા છે અને પ્રતીક ગાંધીથી માંડીને જાનકી બોડીવાલાએનું યોગ્ય ઉદાહરણ છે.
જોવા જઈએ તો બોલીવુડને સાચવવામાં અને નાણાકીય દ્રષ્ટિએ સદ્ધર બનાવવામાં ગુજરાતીઓનો બહુ મોટો ફાળો છે. ગુજરાતી પ્રજા મોટાભાગે વ્યવસાયિક ક્ષેત્રે વધુ જાગ્રત રહેતી હોય છે અને કદાચ એટલે જ તેઓ કલાક્ષેત્રે વધારે ધ્યાન નથી આપી શકતા પણ એ કલાને પોષવા માટે નાણાકીય સહાય પહેલેથી કરતા આવ્યા છે. જે સમયે ફિલ્મો બનવાની શરૂઆત થઈ હતી એ સમયે અનેક ફિલ્મોમાં પ્રોડ્યુસરથી માંડીને ફાઇનૅન્સર સુધીની જવાબદારી આ ગુજરાતી ધંધાધારી પ્રજા જ ભજવતી હતી. ન માત્ર ફિલ્મો પણ જૂની રંગભૂમિના ભરણપોષણમાં પણ ગુજરાતીઓનો ફાળો અનેક રીતે નોંધવો રહ્યો. મનહર રસ કપૂર, વિજય ભટ્ટથી માંડીને અભિષેક શાહ, અભિષેક જૈન અને કૃષ્ણદેવ યાજ્ઞિક જેવા સક્ષમ ડિરેક્ટરો આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યા છે. ત્યાં જ સામા પક્ષે આ ડિરેક્ટરોની દ્રષ્ટિમાં પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરનારા કલાકારો પણ આ ઇન્ડસ્ટ્રીને મળ્યા છે જેઓ આજે બોલીવુડ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.
બોલીવુડ સુધી સફળતાપૂર્વક પહોંચેલા ગુજરાતી કલાકારોના નામ પહેલા આંગળીના વેઢે ગણી શકાય એટલા હતા પણ આજે લગભગ દરેક ગુજરાતી અભિનેતા અને અન્ય પ્રાદેશિક ફિલ્મોના અભિનેતાઓ પણ બોલીવુડમાં કેમિયો કરવા તલપાપડ થતા હોય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સાંકળીને જ વાત કરીએ તો પ્રતિક ગાંધી આજની યુવા પેઢીમાં સૌથી આગળ નીકળેલા ગુજરાતી કલાકારોમાંનો એક છે. ગુજરાતી રંગભૂમિથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પ્રતિક ગાંધી આજે ‘સ્કેમ 1992’ જેવી દમદાર વેબ સિરીઝથી પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. 11 એપ્રિલના રોજ પ્રતીક ગાંધી અને પાત્રલેખાને લઈને અનંત મહાદેવન ‘ફુલે’ નામની એક ફિલ્મ લઈને આવી રહ્યા છે જે જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના સમાજકલ્યાણ અને સ્ત્રી શિક્ષણ પર આધારિત છે.
બીજીબાજુ સૌ કોઈના લાડકવાયા મલ્હાર ઠાકરે પણ બોલીવુડમાં એક નાનકડો કેમિયો કર્યો છે પણ તે ધારણા પ્રમાણે સફળતા નથી મેળવી શક્યા અને તેમ છતાં તેમની લોકચાહનામાં જરાપણ ઉણપ નથી આવી જે ન માત્ર કલાકાર માટે પણ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક સારો દાખલો છે. સામાપક્ષે કૃષ્ણદેવ યાજ્ઞિકના ડિરેક્શનમાં તૈયાર થયેલી સુપરહિટ થ્રિલર ફિલ્મ ‘વશ’ થી બોલીવુડમાં કૂદકો મારનારી જાનકી બોડીવાલા એ જ ફિલ્મની હિન્દી રિમેક ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો આઇફા એવોર્ડ પણ જીતી ચૂકી છે, જે તેને શાહરૂખ ખાનના હાથે એનાયત થયો હતો. જોકે જાનકીની આ હજુ બોલીવુડની શરૂઆત છે અને તે આગળ હજી કેવા પ્રોજેક્ટ લઈને દર્શકો સમક્ષ આવે છે એ જોવું રસપ્રદ રહેશે.
ઈદના તહેવાર પર ફિલ્મો રિલીઝ કરવામાં સલમાન ખાન સૌથી અગ્રેસર છે. હાલમાં જ તેની ફિલ્મ ‘સિકંદર’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પણ ગુજરાતી ફિલ્મ જગતનો યુવા અભિનેતા મિત્રા ગઢવી નાનકડું પાત્ર ભજવતા જોવા મળ્યો છે. જોકે મિત્રના બોલીવુડમાં પદાર્પણના આ સમાચાર ત્યારે ફેલાયા હતા જ્યારે ‘સિકંદર’ નું ટ્રેલર રિલીઝ થયું હતું અને એ ટ્રેલરના એક દ્રશ્યમાં મિત્રા જોવા મળ્યો હતો. છુપારુસ્તમ એવો આ યુવા કલાકાર હજુ કેવા કેવા અવતારોમાં આપણને જોવા મળશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.
ગુજરાતી ફિલ્મ જગતમાં ન માત્ર અભિનેતાઓ પણ કેટલીક અભિનેત્રીઓ પણ એવી છે જેમણે ન માત્ર બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી છે પણ સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો એક અલગ મોભો નિર્માણ કર્યો છે. ‘થઈ જશે’, ‘શુભ યાત્રા’, ‘વિકીડાનો વરઘોડો’, ‘વાર તહેવાર’ અને ‘કસૂંબો’ જેવી જબરદસ્ત ફિલ્મો આપનારી મોનલ ગજ્જર પંકજ ત્રિપાઠી સાથે ‘કાગઝ’ નામની બાયોપીકલ કોમેડી ફિલ્મમાં કામ કરી ચૂકી છે, જે સતિશ કૌશિકે ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત મોનલ તામિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાનું યોગદાન આપી ચૂકી છે. ફિલ્મ '31st' માં મુખ્ય પાત્ર નિભાવનારી અભિનેત્રી પ્રાચી ઠાકર પણ ઢોલીવુડથી બહાર પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે.
આ યુવા અભિનેતા-અભિનેત્રીઓના સાહસને જોતા એટલું તો ચોક્કસપણે કહી શકાય છે કે ગુજરાતી કલાકારો ન માત્ર બોલીવુડમાં પણ કોઈપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મોના કલાકારોની જેમ પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપવામાં ક્યારે પાછળ નહીં પડે. કોરોનાકાળ બાદ ધીમે ધીમે બેઠી થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ધીમે ધીમે પોતાની ગતિ વધારી રહી છે અને વિવિધ વિષયો લઈને દર્શકો સમક્ષ આવી રહી છે. એપ્રિલ મહિનામાં બે અલગ પ્રકારની ફિલ્મો રિલીઝ થવાની છે જે વિશે આપણે આવતા લેખમાં વાત કરીશું.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)

Katappa%20ne%20bahubali%20ke%20baad%20kisko%20maaraaaa%20%20%F0%9F%A5%B9What%20an%20incredible%20experience%20working%20alongside%20@beingsalmankhan%20sir%20and%20@rashmika_mandanna%20ma%E2%80%99am.Thank%20you%20@a.r.murugadoss%20sir%20for%20consideri.jpg)

Comments
Post a Comment