સંગીતમય સરગમની અવિરત સાધના કરતી સાધના સરગમ

ઘરથી મળેલી સંગીતમય તાલિમ અને વસંત દેસાઈની દૂરંદેશીએ એક બાળકીને વિશ્વફલક લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવી છે



ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવા અનેક કલાકારોના યોગદાનથકી ઉન્નત થયેલી છે જે ગુજરાતી નથી. ગુજરાતી ન હોવા છતાં સવાયા ગુજરાતીની જેમ તેઓ અહીં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. અદાકારોને પરભાષાની જેટલી તકલીફ થાય એટલી તકલીફ ગાયકને પણ થાય, તેમ છતાં ગાયક કલાકારો આ ભાષાની મર્યાદાથી આગળ વધી પોતાની અલગ છાપ ઉપજાવે છે. સંગીતની સાધના કરી સાત સૂરોનો સરગમ છેડતી એવી જ એક ગાયિકા એટલે સાધના ઘાણેકર જેને આપણે સાધના સરગમના નામથી ઓળખીયે છીએ.



વસંત દેસાઈ

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં આવેલા દાભોલમાં એક સંગીત પરિવારમાં સાધનાનો જન્મ આજની તારીખે 1969 માં થયો. તેની માતા નીલા ઘાણેકર એક શાસ્ત્રીય ગાયિકા અને સંગીત શિક્ષીકા હતી. ઘરમાં જ શિક્ષીકા હોવાને લીધે સંગીતની શરૂઆતની તાલિમ તેમને પોતાની માતા પાસેથી જ મળી હતી. મજાની વાત એ છે કે તેમની માતાએ સાધનાને સંગીત શીખવાડવા સંગતમાં ઉપયોગી થવા એવું એક નાનું તાનપુરા બનાવી આપ્યું હતું, જે વગાડવા ક્યારેક સાધનાથી દોઢ વર્ષ નાનો ભાઈ બેસી જતો તો ક્યારેક તબલા પર પણ તાલની બંદિશ વગાડી દેતો. 

જે ઉમરમાં બાળકો હજુ માંડ માંડ બધું શીખી રહ્યા હોય એ ઉમરમાં એટલે કે માત્ર ચાર વર્ષની ઉમરમાં સાધનાએ સવાઈ ગંધર્વ ઉત્સવમાં પર્ફોર્મ કર્યું હતું. 6 વર્ષની ઉંમરે દૂરદર્શન માટે લોકપ્રિય ગીત “એક અનેક ઔર એકતા” ગાયું હતું, જેના સંગીતકાર વસંત દેસાઈ હતા. ગોરેગાંવની એબી ગોરેગાંવકર અંગ્રેજી શાળામાં અભ્યાસ કરનારી સાધનાના જીવનમાં વસંત દેસાઈનું ખૂબ મોટું યોગાદન કહી શકાય. એ વસંત દેસાઈની જ દૂરંદેશી હતી જેમણે સાધનાની માતાને સલાહ આપી હતી કે સાધનાએ શક્ય એટલું શાસ્ત્રીય અને હળવા સંગીતના વધારેમાં વધારે સંપર્કમાં રહેવું જોઈએ. સાધનાની માતા માટે આ સલાહ જાણે ભાવતુતું ને વૈદ્યે કીધું જેવી હતી. તે પોતે પણ આ પ્રમાણેની ઈચ્છા રાખતી હોવાથી તેમણે સાધનાને સંગીતની ખરી સાધના તરફ વાળી. આગળ જતા વસંત દેસાઈએ જ સાધનાની માતાને પંડિત જસરાજ પાસે સાધનાને સંગીતની તાલિમ લેવાની ભલામણ કરી હતી અને 10 વર્ષની ઉંમરે કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિ મળવાને લીધે સાધનાએ પંડિત જસરાજ પાસે 7 વર્ષ સુધી સંગીતનો અભ્યાસ કર્યો હતો. 



વસંત દેસાઈ સાથે તેમની દસ્તાવેજી ફિલ્મો, બાળ ફિલ્મો અને સ્ટેજ શો માટે સંગીત શીખતી અને ક્યારેક ક્યારેક તેની રજૂઆત કરતી સાધનાની મુલાકાત વસંત દેસાઈએ કલ્યાણજી આણંદજી સાથે કરાવી, જેના બાદ 1978 માં આ સંગીતબેલડીએ કિશોર કુમાર દ્વારા ફિલ્મ “તૃષ્ણા” માં ગવાયેલા ગીત “પમ પરરામપમ, બોલે જીવન કી સરગમ” માં સાધનાને સાકોરસમાં ગાવાની તક આપી હતી. આ ફિલ્મ અનિલ ગાંગુલી ડિરેક્ટ કરી રહ્યા હતા જેમાં શશી કપૂર, સંજીવ કુમાર અને રાખી મુખ્યપાત્રમાં જોવા મળ્યા હતા. 

ગુજરાતી ફિલ્મોની વાત કરીયે તો 17 ફેબ્રુઆરી 1979 ના રોજ રિલીઝ થયેલી મનુભાઈ ગઢવી દ્વારા રજૂ કરવામાં આવેલી સોનલ ફિલ્મ્સની “કંકુ પગલાં” સ્વતંત્ર ગાયક તરીકે સાધનાની પહેલી ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના ક્રેડિટમાં સાધનાનું નામ સાધના ઘાણેકર તરીકે લખવામાં આવ્યું છે. સાધના ઉપરાંત આ ફિલ્મમાં પ્રફુલ્લ દવે, દમયંતિ બરડાઈ, આશા ભોસલે, મનહર, કાંચન, રામભાઈ કાગ, ભારતી કુંચાલાના પણ સ્વર માણવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ બાદ 1982 માં આવેલી સુભાષ ઘાઈની ફિલ્મ “વિધાતા” સાધાનાની સ્વતંત્ર ગાયક તરીકેની પહેલી હિન્દી ફિલ્મ હતી. આ ફિલ્મ પહેલા તેણે “રુસત્મ” માટે ગીતો રેકોર્ડ કર્યા હતા પણ કોઈક કારણસર ફિલ્મ મોકૂફ થઈ અને “વિધાતા” પહેલા રિલીઝ થઈ ગઈ. 



સાધના સરગમના ગુજરાતી ફિલ્મો ગીતનો આંકડો ઓછો હોવા છતાં તેમની લોકપ્રિયતા એવા સમયમાં આવી હતી જ્યારે અલ્કા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને અનુરાધા પૌડવાલનો સિતારો બૂલંદ હતો. 90  ના દાયકમાં ગુજરાતી ફિલ્મો જાણે હતી નહતી થઈ ગઈ હતી પણ બોલીવુડમાં આવેલી “ત્રિદેવ” (1989), “દિવાના” (1992), “વિશ્વાત્મા” (1992), “જો જીતા વહી સિકંદર” (1992), “અનાડી” (1993), “દામિની” (1993), “મોહરા” (1994), “વિજયપથ” (1994), “ઈશ્ક” (1997), “કલ હો ના હો” (2003) જેવી ફિલ્મો અને તેના ગીતો સુપરહિટ સાબિત થયા હતા. ન માત્ર બોલીવુડ કે ઢોલીવુડ પણ બંગાળી, મરાઠી, તામિલ, તેલુગુ, કન્નડ, ઓરિયા, નેપાલી જેવી અનેક ભાષામાં તેમણે ગીતો આપ્યા છે. ખુદ એર.આર. રહેમાન પણ તેમના અવાજના કાયલ છે. ફિલ્મો ગીતો ઉપરાંત તેમણે ભક્તિગીત, પોપ સોન્ગ, ગઝલ અને લોકસંગીતમાં પણ હથોટી મેળવી છે. ભક્તિ સંગીતમાં અનુરાધા પૌડવાલની માફક સાધના સરગમે પોતાની એક અલગ છાપ બનાવવામાં સફળતા મેળવી છે. 

ઘરથી મળેલી શાસ્ત્રીય અને હળવા સંગીતની તાલિમને લીધે પોતાના સ્વરમાં એક અલગ છટા અને ધૈર્ય નિર્માણ કરનારી સાધનાની સંગીતમય સાધના આજે તેની ઓળખ વિશ્વકક્ષાએ કરાવે છે અને આ સાધના આગળ પણ મનોરંજનના ક્ષેત્રમાં સંગીતમય સરગમ લહેરાવતી રહે એવી આશા રાખીયે છીએ.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 



Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં