સાત ગુજરાતી મહિલાઓ આજે ઓળંગશે 'ઉંબરો'

મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની આ ગુજરાતી રિમેક શું ગુજરાતી ફિલ્મોની પહોંચ લંડન સુધી પહોંચતી કરશે??



‘હેલ્લારો’ અને ત્યાર બાદ ‘કમઠાણ’ રિલીઝ કર્યા બાદ અભિષેક શાહ ‘ઉંબરો’ નામની મહિલાપ્રધાન ફિલ્મને આજે સિનેમાગૃહોમાં ઉતર્યા છે. ફિલ્મ ‘ઉંબરો’ સાત એવી મહિલાઓના પહેલા લંડન પ્રવાસની વાત છે જે દરમ્યાન તેઓ પોતાની જાતને ઓળખે છે અને પોતાના સપના જીવતી થાય છે. 



આજે થિયેરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉંબરો’ જે સાત મુખ્ય મહિલાઓની આજુબાજુ ફરી રહી છે એમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચેતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા અને વિનીતા જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાતેય માથાભારે અને અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓને લંડનની સફરે લઈ જવાની જવાબદારી વિંગ્સ ટ્રાવેલના આર્જવ ત્રિવેદી અને સંજય ગલસારના માથે રહેવાની છે. વાસ્તવમાં ફિલ્મ ‘ઉંબરો’ એ 2021 માં આવેલી મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની ગુજરાતી રિમેક છે, જે હેમંત ધોમે દ્વારા દિગ્દર્શીત હતી. ફિલ્મની વાર્તા પણ તેમણે જ નક્કી કરી હતી જેને પછીથી ઈરાવતી કર્ણીકે શબ્દરૂપ આપ્યું હતું. ગુજરાતી વર્જન ‘ઉંબરો’ માં સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ ખુદ અભિષેક શાહ અને કેયુ શાહે લખ્યા છે. 

ફિલ્મ ‘ઉંબરો’ ના અન્ય પાત્રોની વાત કરીયે તો ફિલ્મમાં જય ભટ્ટ, કરણ ભાનુશાલી, જિષ્નુ સોની, પાર્લે પટેલ અને રાધા-અંકિત જેવા કલાકારો અભિનય કરતા જોવા મળશે. મ્યુઝિક ડિપાર્ટમેન્ટની વાત કરીયે તો ‘ઉંબરો’ માં ગરબા ક્વિન ફાલ્ગુની પાઠકનું લંડન કે લીંબડી નામનું સોન્ગ લોકોને આકર્ષી શકે એવું છે. આ ઉપરાંત ફિલ્મમાં મૌસમી દાસ અને શ્રુતિ પાઠક પ્લેબેક સિંગર કરતા માણવા મળશે. ફિલ્મના ગીતો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. 



મહિલાપ્રધાન ફિલ્મ ‘ઉંબરો’ આકર્ષક લાગવાનું કારણ એ સાત અલગ અલગ મહિલાઓ છે જેને લઈને વિંગ્સ ટ્રાવેલ પહેલીવાર ફોરેન ટૂર કરી રહી છે. આ સાત મહિલાઓમાંથી એક સદ્ધર પરિવારની એવી મહિલા (વંદના પાઠક) છે જે પોતાના પતિની મોટાભાગની બ્લેક મની હોવાની વાત રમૂજીપણે ખૂલ્લેઆમ કરે છે, તો વળી કાઠિયાવાડની એક એવી સ્ત્રી ગુજરાતણ (તેજલ પંચાસરા) પણ છે જે કપડાની થેલીમાં થેપલાનો ડબ્બો લીધા વિના અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા વરને શીખામણ આપ્યા વિના રહી શકતી નથી. એક બાજુ એવી સ્ત્રી (વિનીતા જોશી) ની વાત છે જેને પોતાના શોખને પોતાનો બિઝનેસ બનાવવાની ખેવના છે જે ઘણાં વર્ષોથી ઘરની બહાર નીકળી ન નથી શકી તો વળી સામાપક્ષે એક એવી કોર્પોરેટ મજદૂર (દીક્ષા જોશી) છે જે પોતાની નાનીના લંડનમાં મર્યા હોવાનું બહાનું કરી લંડન ફરવા નીકળી જાય છે. એક મા (સુચેતા ત્રિવેદી) એ તો આ ટૂરમાં ફક્ત એટલા માટે જવું પડે છે કેમ કે એની દીકરી (તર્જની ભાડલા) એને સાથે આ ટૂરમાં લઈ જવાની જીદ પકડીને બેઠી છે અને એક સ્ત્રી (કાજલ ઓઝા વૈદ્ય) ધાર્મિકસ્થળે જઈ રહી હોવાની ખોટી વાત કરી આ લંડન પ્રવાસ કરવા નીકળી પડે છે. 



ફિલ્મમાં આ સ્ત્રીઓનું ભોળપણ એટલું સરળ અને સહજ બતાવવામાં આવ્યું છે કે લંડનના ટેલિફોન બુથમાં ઇન્ડિયા ફોન કરવા તેઓ ટેલિફોનમાં પાઉન્ડને બદલે રૂપિયો નાખે છે તો વળી બીજીબાજુ અંગ્રેજોની સામે તેમની જ ઓફિસમાં અંગ્રેજો ભારત છોડોના નારા લગાવે છે. આવી અનેક હાસ્યાસ્પદ ઘટનાઓની વચ્ચે તેમની વિચારધારાને લીધે મતભેદ પણ સર્જાય છે. પોતાના મનની ક્યારેય કોઈને ન કહેલી વાત જ્યારે એક રાત્રે તેઓ એકમેકને જણાવે છે ત્યારે તેમના જીવનમાં તેમનો જ જાણે પુનર્જન્મ થાય છે અને સંસાર, પરિવાર, બાળકોની જવાબદારીનો ઉંબરો વટાવીને નીકળેલી આ સ્ત્રી પોતાના જીવનમાંની થોડીઘણી ક્ષણો પોતાના માટે જીવતી થાય છે. 

2021 માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ એ થિયેટર્સમાં સફળતાપૂર્વક 50 દિવસ પૂરા કર્યા હતા અને આ 50 દિવસમાં ફિલ્મે અંદાજે 14 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું જોકે આપણી ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’ થિયેટર્સમાં કેટલું લાંબુ ટ્રાવેલ કરે છે અને કેટલું બોક્સ ઓફિસ કલેક્શન કરે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ એટલું ચોક્કસ કહી શકાય કે પોતાની પહેલી મલ્ટિસ્ટારર અને ખાસ તો મહિલાપ્રધાન ફિલ્મ ‘હેલ્લારો’ લઈને આવેલા અભિષેક શાહની આ મહિલાપ્રધાન ફિલ્મ મહિલાઓને પોતાના માટે જીવન જીવતા શીખવી શકશે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં